મૅકિમ, મેરિયેટ (જ. 1924) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે 1951–52માં ભારતની મુલાકાત લીધેલી અને ઉત્તર ભારતના અલીગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ક્ષેત્રકાર્ય કર્યું હતું. ભારતીય સમુદાયોની સંરચના, તબીબી સમાજશાસ્ત્ર અને ટૅક્નૉલૉજિકલ પરિવર્તન વિશેની સમસ્યાઓનો અભ્યાસ કર્યો.

અમેરિકાના નૃવંશશાસ્ત્રી તરીકે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક પરિવર્તન વિશે અભ્યાસ કર્યો. ક્રિશનગ્રહી ગામનો ધાર્મિક તત્વો, જ્ઞાતિ અને સગાઈસંબંધના સંદર્ભમાં સંશોધન-અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં તેમણે સર્વત્રીકરણ (universalisation) ને સંકીર્ણતાવાદ(conservatism)ની વિભાવનાનો અભ્યાસ ભારતીય નાગરિકતાના સંદર્ભમાં કર્યો હતો. આ બંને ખ્યાલોને ભારતીય ગામડાંની સામાજિક ધાર્મિક પરંપરા સાથે સાંકળી લીધી છે. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રમાં વાઈ નામના નગરનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં તેમણે શહેરની સાંસ્કૃતિક ભૂમિકાને ભારતીય નાગરિકતાના સંદર્ભમાં સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

તેમણે અનેક વર્ષો સુધી સામાજિક વિજ્ઞાન અને નૃવંશશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. ભારતના ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના સંશોધન-અભ્યાસો કર્યા છે, જે પરંપરા, જ્ઞાતિ, ગામ, શહેરી વિસ્તારો અને ભારતીય નાગરિકત્વનાં પરિમાણોના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. આવા અભ્યાસો પર આધારિત તેમના સંશોધનલેખો વિવિધ સામયિકોમાં પ્રગટ થયા છે. આ ઉપરાંત તેમણે ‘વિલેજ ઇન્ડિયા’ (1955) નામના પુસ્તકનું સંપાદન કર્યું છે.

હર્ષિદા દવે