મૅકિન્લે, વિલિયમ (જ. 29 જાન્યુઆરી 1843, નાઇલ્સ, ઓહાયો, યુ.એસ.; અ. 14 સપ્ટેમ્બર 1901, બફેલો, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના રાજકારણી અને પચીસમા પ્રમુખ. તેમણે અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન સેવા બજાવી અને પછી વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. 1877માં તેઓ અમેરિકાની કૉંગ્રેસમાં ચૂંટાયા; 1881માં તે ઓહાયોના ગવર્નર બન્યા.

તેમનું નામ ‘મૅકિન્લે બિલ’ સાથે સંકળાયેલું છે. તેમાં ખૂબ રક્ષણાત્મક ટૅરિફ નાખવામાં આવી હતી. ગોલ્ડ સ્ટાન્ડર્ડ પદ્ધતિ તથા ઊંચા દરની ટૅરિફના પુરસ્કર્તા તરીકે 1896 અને 1900માં તેમણે પ્રમુખપદની ચૂંટણીમાં ભારે બહુમતી મેળવી. તેમના પ્રથમ સત્તાકાળ દરમિયાન (1898) ક્યૂબા તથા ફિલિપીન્સ સામે જીત મળી અને સ્પેન સામે યુદ્ધ આવી પડ્યું. તેમના બીજા શાસનકાળ દરમિયાન એક આતંકવાદીએ બફેલો ખાતે તેમના પર ગોળી ચલાવી હતી. પરિણામે થોડા દિવસ પછી તેમનું અવસાન થયું હતું.

મહેશ ચોકસી