મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર)

February, 2002

મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર) (જ. 15 ફેબ્રુઆરી 1861,  ગેઇન્સબરો, લિંકનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 માર્ચ 1947, પાર્કસ્ટન, ડૉરસેટશાયર) : વૈશ્વિક ભૂરાજકીય સંકલ્પના માટે જાણીતા બ્રિટિશ ભૂગોળવેત્તા અને કેળવણીકાર. તેઓ સ્કૉટિશવંશી એક ડૉક્ટરના પુત્ર હતા. તેમને બાળપણથી જ ગ્રામીણ વિસ્તારોના પ્રાકૃતિક ઇતિહાસની જાણકારી મેળવવાનો અને વિક્ટોરિયન યુગના પ્રવાસીઓનાં વર્ણનો વાંચવાનો અનહદ શોખ હતો. 1880માં તેઓ ક્રાઇસ્ટ ચર્ચમાં જોડાયા, પ્રાકૃતિક વિજ્ઞાનોનો અને પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1883માં સ્નાતક થયા. 1884માં અર્વાચીન ઇતિહાસનો અભ્યાસ કર્યો. યુનિવર્સિટી ખાતે આવેલી ચર્ચાસભા ‘ઑક્સફર્ડ યુનિયન’ના પ્રમુખ માટેની ચૂંટણી લડ્યા, જેમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષા દેખાઈ આવી. ઑક્સફર્ડ છોડી લંડન ખાતે કાયદાનો અભ્યાસ કરી 1886માં બૅરિસ્ટર બન્યા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. નૂતન ભૂગોળનો અર્થવિસ્તાર કરી વિષયનો પ્રસાર કર્યો. પ્રાકૃતિક વિજ્ઞાનો અને માનવસમાજવિદ્યાઓ વચ્ચે પોતાની ભૌગોલિક સંકલ્પનાનો સેતુ સ્થાપ્યો, જેનાથી લોકોનું ધ્યાન તેમના તરફ દોરાયું. ‘Britain and British Seas’ (1902) નામનું પુસ્તક પ્રગટ કર્યું. આ માટે તેમને 1920માં ‘નાઇટ’(સર)નો ખિતાબ મળ્યો. 1930માં તેની બીજી આવૃત્તિ બહાર પડી. બ્રિટિશ ભૌગોલિક સાહિત્યમાં તે એક સીમાચિહનરૂપ કૃતિ ગણાય છે.

આ જ સમયગાળામાં રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટીનું એક જૂથ બ્રિટનમાં ભૂગોળના વિષયને ઊંચો દરજ્જો મળે એવો પ્રયાસ કરી રહ્યું હતું. મૅકિન્ડરની ભૂગોળના વિષયમાં સફળતા જોઈને આ સોસાયટીએ તેમને વ્યાખ્યાન માટે નિમંત્ર્યા. તેમણે ભૂગોળના વિષયની તકો અને પદ્ધતિઓ પર એક સંશોધનપત્ર રજૂ કર્યું અને તેની સમજ આપી.

1887માં તેઓ ઑક્સફર્ડ ખાતે ભૂગોળના સર્વપ્રથમ રીડર બન્યા. 1899માં રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટી અને યુનિવર્સિટીએ ભેગાં મળીને ‘ઑક્સફર્ડ સ્કૂલ ઑવ્ જિયૉગ્રાફી’ની સ્થાપના કરી. મૅકિન્ડર તેના સર્વપ્રથમ ડિરેક્ટર બન્યા. એ જ વર્ષે તેમણે પૂર્વ આફ્રિકાનું અભિયાન આદર્યું. ત્યાં તેમણે માઉન્ટ કેન્યા પર સર્વપ્રથમ ચઢાણ કર્યું. લંડન તેમજ રીડિંગ ખાતે અને સાથોસાથ ઑક્સફર્ડ ખાતે તેમણે 1904 સુધી સેવાઓ ચાલુ રાખેલી. 1904માં તે જ વખતે લંડન યુનિવર્સિટી ખાતે સ્થપાયેલી ઘટક સંસ્થા ‘લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સ’માં તેઓ ડિરેક્ટર તરીકે નિમાયા (1904–08). તે પછીનાં અઢાર વર્ષ તેઓ આર્થિક ભૂગોળના રીડર તરીકે ચાલુ રહ્યા. 1910માં તેઓ રૂઢિવાદી પક્ષના સંઘવાદી સભ્ય તરીકે સંસદમાં જોડાયા (1910–22), પરંતુ સંસદમાં તેઓ સારો પ્રભાવ પાડી શક્યા નહિ.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, સ્થાયી શાંતિ માટેની પૂર્વજરૂરિયાતોનો અભ્યાસ કરીને રાજકીય ભૂગોળ પર તેમણે મહાનિબંધ લખ્યો. આ અગાઉ 1904માં જે ‘The Gerographical Pivot of History’ પરનો અભ્યાસલેખ રૉયલ જિયોગ્રાફિકલ સોસાયટી સમક્ષ રજૂ કરેલો, તેને વિશેના વિસ્તૃત ખ્યાલો 1919માં પૅરિસ પીસ કૉન્ફરન્સમાં ‘Democratic Ideals and Reality’ નામની પુસ્તિકામાં પ્રગટ કર્યા. રશિયા અને જર્મનીને અલગ પાડી સત્તાની સમતુલા જાળવી રાખવાના હેતુને કેન્દ્રમાં રાખીને પૅરિસનો શાંતિ-કરાર થયો. તેમના મહાનિબંધમાં કેટલીક મહત્વની બાબતો આ પ્રમાણે છે : એક અખંડ વિશ્વની સંકલ્પના, નાની સત્તાઓના પ્રાદેશિક જૂથની જરૂરિયાત તથા હારેલા જર્મનીમાં ઊભી થતી અંધાધૂંધીમાંથી સરમુખત્યારશાહીના ઉદભવની સંભાવના. તેમના આ મહાનિબંધે દુનિયાની ભૂરાજકીય વ્યૂહરચના પર ઘણો પ્રભાવ પાડ્યો તેમજ યુ.એસ.નું ધ્યાન પણ દોરાયું. 1924માં મૅકિન્ડરે ઍટલાન્ટિક કોમ્યુનિટીની જરૂરિયાત વિશે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો, જે બીજા વિશ્વયુદ્ધ (1939–45) બાદ સાચો ઠર્યો. તેમાંથી ‘નાટો’ નામક લશ્કરી સંગઠન રચાયું. તેમણે બીજો પણ એક અધિતર્ક રજૂ કરેલો. યુરેશિયન મધ્યભૂમિભાગમાંનાં રાજ્યોની સત્તાને પશ્ચિમ યુરોપ તથા ઉત્તર અમેરિકાની સંગઠિત સત્તા દ્વારા દાબી દઈ શકાશે અને તેમ થાય તો રાષ્ટ્ર સંઘ રચાશે અને તેનાથી ઘણા બધા હેતુઓ સિદ્ધ થઈ શકશે એવી દલીલ પણ તેમણે રજૂ કરી હતી.

1919માં મૅકિન્ડર બ્રિટિશ હાઇકમિશનર તરીકે દક્ષિણ રશિયા ગયેલા. 1920થી 1945 સુધી તેમજ 1926થી 1931 સુધી અનુક્રમે તેમણે ઇમ્પીરિયલ શિપિંગ કમિટી અને ઇમ્પીરિયલ આર્થિક કમિટીમાં ચૅરમૅન તરીકેનો હોદ્દો પણ સંભાળેલો. તેમના વિશિષ્ટ કાર્યને લીધે સરકાર તરફથી તેમને ‘પૅટ્રન’ તરીકેનો ખિતાબ એનાયત થયેલો. 1944માં અમેરિકન જિયૉગ્રાફિકલ સોસાયટી તરફથી ‘ચાર્લ્સ પી. ડાલી’  ચંદ્રક અને 1946માં રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટી તરફથી વિશિષ્ટ ચંદ્રક પણ આપવામાં આવેલા.

બ્રિટનમાં રાજકીય ભૂગોળના વિષયમાં મૅકિન્ડરનો ફાળો સૌથી મોટો રહ્યો છે. 1904માં તેમણે ‘હાર્ટલૅન્ડ’નો સિદ્ધાંત રજૂ કરેલો. તેમાં તેમણે યુરોપ, એશિયા અને આફ્રિકાના સમગ્ર ભૂમિવિસ્તારને ‘દુન્યવી ટાપુ’ (World Island) તરીકે અને પૂર્વ યુરોપથી સાઇબીરિયા સુધીના રશિયાઈ ભૂમિભાગને ‘મધ્યસ્થ પ્રદેશ’ તરીકે ઓળખાવ્યા છે. દુનિયાની 78 ભાગની વસ્તી ધરાવતા ‘દુન્યવી ટાપુ’ પર જો કોઈ રાષ્ટ્ર સત્તા જમાવી શકે તો તે સહેલાઈથી આખી દુનિયા પર વર્ચસ્ જમાવી શકે એવી તેમની માન્યતા હતી. તેઓ એવું પણ માનતા કે જે કોઈ પૂર્વ યુરોપ પર પ્રભુત્વ મેળવે તે ‘મધ્યસ્થ પ્રદેશ’ પર, જે કોઈ ‘મધ્યસ્થ પ્રદેશ’ પર પ્રભુત્વે મેળવે તે ‘દુન્યવી ટાપુ’ પર અને જે કોઈ ‘દુન્યવી ટાપુ’ પર પ્રભુત્વ મેળવે તે સમગ્ર દુનિયા પર પ્રભુત્વ સ્થાપી શકે. આ સિદ્ધાંતને કાર્લ હાઉસોફરે જર્મનીના ભૂરાજકારણમાં સર્વપ્રથમ વાર મહત્વ આપ્યું. કેટલાકનું માનવું છે કે મૅકિન્ડરનો સિદ્ધાંત જર્મન ભૂરાજકારણ માટે દોરવણીરૂપ બન્યો હતો. હિટલરને વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાનો વિચાર મૅકિન્ડરની ‘હાર્ટલૅન્ડ’ વિચારધારાને કારણે જ આવ્યો હતો એવી ભૂરાજકીય નિષ્ણાતોની માન્યતા છે.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા