મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich)
February, 2002
મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich) (જ. 15 મે 1845, ખર્કૉવ પાસે, યુક્રેન અ. 16 જુલાઈ 1916, પૅરિસ) : રશિયન ફ્રેંચ જીવવિદ. પૉલ એહર્લિકની સાથે પ્રતિરક્ષાવિદ્યા(immunology)માં સંશોધન કરવા માટે તેમને સન 1908નો મેડિસિન અને ફિઝિયોલૉજીના વિષયનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.
તેઓ રશિયા અને જર્મનીમાં ભણ્યા હતા. તેમણે મેસિના(ઇટાલી)નો સંશોધન-પ્રવાસ કર્યો હતો. ત્યાં તેમણે તારકમત્સ્ય(starfish)ના પારદર્શક ડિમ્ભ(larva)નો અભ્યાસ કર્યો. તેમણે એવા કોષો જોયા કે જે બાહ્ય પદાર્થોને ગળી જઈને પચાવી દેતા હોય. તેને તેમણે ભક્ષીકોષો (phagocytes) કહ્યા. ઈ. સ. 1884માં તેમણે મીઠા પાણીમાં વસતા સ્તરક્વચી (crustacean) ડેફિનિયાના પારદર્શક શરીરમાં આવેલા શ્વેતકણોને શરીરમાં પ્રવેશેલી ચેપી ફૂગનું ભક્ષણ કરતા જોયા. એના આધારે તેમણે જણાવ્યું કે લોહીમાં રહેલા શ્વેતકણો રોગકારક સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરી રોગો સામે યજમાન પ્રાણીને રક્ષણ આપે છે. આ પ્રક્રિયામાં ચેપ લાગ્યો હોય તેવા સ્થળે જઈ શ્વેતકણો સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરે છે. આ પ્રક્રિયાને ભક્ષકાણુક્રિયા (phagocytosis) કહે છે અને ભક્ષકાણુક્રિયા દ્વારા મળતી રોગ સામેની પ્રતિકારશક્તિને રોધક્ષમતા (immunity) કહે છે. ઈ. સ. 1888માં ફ્રાંસના લૂઈ પાશ્ચરે તેમને પૅરિસમાં પાશ્ચર લૅબોરેટરીમાં કામ કરવા આમંત્રણ આપ્યું હતું. અને તેનો તેમણે સ્વીકાર કર્યો હતો. ત્યાં સંશોધન કરતી વખતે તેમણે જોયું કે માનવલોહીમાંના શ્વેતકોષો આવું જ કાર્ય કરે છે. ચેપગ્રસ્ત વિસ્તારમાં શ્વેતકોષોની સંખ્યા વધી જાય છે. તે ભાગ ગરમ, લાલ, સૂજેલો અને પીડાકારક બને છે. આ સ્થિતિને શોથ (inflammation) કહે છે. તે સમયે ત્યાં મરેલા ભક્ષીકોષો પરુ બનાવે છે. જીવનના છેલ્લા બે દાયકા તેમણે વૃદ્ધાવસ્થા વિશેના અભ્યાસમાં ગાળ્યા. તેઓ માનતા હતા કે આ ભક્ષીકોષો છેવટે શરીરના કોષોને આંતરડાંમાંના જીવાણુઓની મદદથી મારીને પચાવે છે અને તેથી તેમને જો રોકી શકાય તો માણસો લાંબું જીવી શકે.
ફ્રેંચ જીવાણુશાસ્ત્રી એમિલ રાઉક્ષ સાથે ચાંદી(syphilis)ના સંચારણ વિશે તેમણે સંશોધનકાર્ય કર્યું હતું.
તેમણે ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પ્રતિરક્ષા(immunology)ને લગતાં કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
શિલીન નં. શુક્લ
પ્રમોદ રતિલાલ શાહ