મૃગજળ (mirage) : વાતાવરણમાં લંબ દિશામાં મળતા હવાની ઘનતાના અસામાન્ય વિતરણ(abnormal vertical distribution)-ના કારણે પ્રકાશનાં કિરણોનું વંકન (bending) થવાથી દૂરની વસ્તુ(object)નાં મળતાં જુદા જુદા પ્રકારનાં અસામાન્ય પ્રતિબિંબો (images).

મૃગજળ

જો જમીનની સપાટી નજીકની હવા તેના ઉપરના સ્તરની હવા કરતાં વધારે ગરમ હોય અને તેના પરિણામે સપાટી નજીકની હવાની ઘનતા ઉપરના સ્તરની હવાની ઘનતા કરતાં ઓછી હોય, તો પ્રકાશનું કિરણ એવી રીતે વંકાય છે કે જેથી તે સીધી રેખામાં જોવા મળતી વસ્તુ કરતાં ઓછા કોણથી જોનારની આંખમાં દાખલ થાય છે. આ પ્રકારની ઘટનામાં પ્રતિબિંબ ક્ષિતિજ કરતાં નીચું જોવા મળે છે, જે નિમ્ન પ્રકારનું પ્રતિબિંબ (inferior image) કહેવાય છે. જો સપાટીની નજીકની હવા તેના ઉપરની હવાના સ્તરો કરતાં વધારે ઠંડી હોય એટલે કે વધારે ઘનતાવાળી હોય તો પ્રકાશનું કિરણ વિરુદ્ધ દિશામાં વંકાય છે. આને પરિણામે જોનારની આંખમાં કિરણ સીધી રેખામાં જોવા મળતી વસ્તુની સ્થિતિ કરતાં વધારે કોણ સાથે દાખલ થાય છે એટલે કે વસ્તુ ક્ષિતિજ ઉપર ઊંચે જોવા મળે છે. ક્યારેક તો વસ્તુ હવામાં તરતી હોય તેવો આભાસ થાય છે. આ પ્રકારના પ્રતિબિંબને ઉત્ક્રમ પ્રતિબિંબ (superior image) કહે છે. વાતાવરણમાં હવાના સ્તરોની વિચિત્ર તથા અનિયમિત પ્રકારની ઘનતાના વિતરણના કારણે ક્યારેક વસ્તુનાં દેખીતાં (apparent) પરાવર્તિત પ્રતિબિંબો તથા વિકૃત (distorted) પ્રતિબિંબો મળે છે. સામાન્ય રીતે મૃગજળ રણપ્રદેશમાં તથા ડામરના રસ્તા ઉપર ઉનાળાના દિવસોમાં જોવા મળે છે. ગરમીના કારણે જમીનની સપાટીની નજીકની હવા એકદમ ગરમ થઈ જાય છે, પરિણામસ્વરૂપ હવાના અસામાન્ય ઘનતાના સ્તરોમાંથી પ્રકાશનાં કિરણોના વંકનને કારણે આકાશનું નિમ્ન પ્રકારનું પ્રતિબિંબ મળે છે, જે એક પ્રકારના જળના અસ્તિત્વનો આભાસ પેદા કરે છે. તેને નજીક જઈને જોતાં તે અર્દશ્ય થઈ જાય છે.

મિહિર જોશી