મૂળે, ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, સિંદી-બુજરુક, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 16 ઑક્ટોબર 2009) : હિંદી ભાષામાં સ્વતંત્ર લેખન કરતા ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાન-લેખક. માતૃભાષા મરાઠી અને લેખનની ભાષા મુખ્યત્વે હિંદી, મરાઠી અને અંગ્રેજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામની શાળામાં. હિંદી અને સંસ્કૃતનું આરંભિક શિક્ષણ ગામની જ એક પાઠશાળામાં. પુણેની ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠમાંથી હિંદીમાં કોવિદ અને સંસ્કૃતમાં મધ્યમા પરીક્ષાઓ પાસ કરી. 1950માં વર્ધા કેન્દ્રથી અલ્લાહાબાદના હિંદી સાહિત્ય સંમેલનની વિશારદ પરીક્ષા હિંદી સાહિત્ય, ધર્મશાસ્ત્ર અને પાલિ ભાષા જેવા વિષયો લઈને પાસ કરી. અલ્લાહાબાદથી હાઈસ્કૂલ અને ઇંટરમીડિયેટ કરીને, અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને ગણિતમાં અનુસ્નાતક (એમ.એ.) ઉપાધિઓ મેળવી. આજીવિકા માટે આરંભથી જ સ્વતંત્ર લેખન. તેમનાં લેખો તથા પુસ્તકોમાં ક્વચિત્ તેઓ જાતે જ ચિત્રો પણ દોરે છે. તેમનું અક્ષરકથા નામનું પુસ્તક આનું ઉદાહરણ છે. સન 1960થી અત્યાર સુધીમાં હિંદીની વિવિધ પત્ર-પત્રિકાઓમાં વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, વિજ્ઞાનનો ઇતિહાસ, પુરાતત્વ, પુરાલિપિશાસ્ત્ર, મુદ્રાશાસ્ત્ર અને ઇતિહાસ-સંસ્કૃતિને લગતા વિષયો પર તેમના લગભગ 3,000થી પણ વધુ લેખો પ્રસિદ્ધ થયા છે. વિજ્ઞાનના વિષયો પર અંગ્રેજીમાં આશરે 150 જેટલા લેખો પ્રસિદ્ધ થયા છે. વિજ્ઞાન અને ઇતિહાસ-પુરાતત્વને લગતાં આશરે 35 જેટલાં તેમનાં મૌલિક પુસ્તકો અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયાં છે. તેમણે વિજ્ઞાન અને ઇતિહાસ-સંસ્કૃતિ સંબંધિત એક મરાઠી અને અડધો ડઝન અંગ્રેજી પુસ્તકોના હિંદીમાં અનુવાદ કર્યા છે. છેલ્લાં ત્રીસેક વર્ષથી તેઓ આકાશવાણી સાથે સંકળાયેલા છે. એંશીના દશકમાં દૂરદર્શનના ‘વિજ્ઞાનભારતી’ કાર્યક્રમમાં બે વર્ષ સુધી લેખન અને નિર્માણમાં ભાગ ભજવેલો.

ગુણાકર મૂળે

છેલ્લાં આઠેક વર્ષથી તેઓ સાંસ્કૃતિક સ્રોત અને પરીક્ષણકેન્દ્ર (CCRT), નવી દિલ્હી(તથા ઉદયપુર અને હૈદરાબાદમાં આવેલી તેની શાખાઓ)માં દેશના વિભિન્ન ભાગોમાંથી આવતા અધ્યાપકો સમક્ષ ભારતીય વિજ્ઞાન અને સંસ્કૃતિને લગતા વિષયો પર વિદ્વદભોગ્ય વ્યાખ્યાનો આપે છે. નવી દિલ્હીની ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદ (ICHR) દ્વારા ત્રણ વર્ષ (1994–96) માટે તેમને સિનિયર ફેલોશિપ આપવામાં આવેલી; જેને પરિણામે ભારતીય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ઇતિહાસ (પ્રાચીન કાળ) સંબંધિત સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરવાની તક પણ તેમને મળી. દિલ્હીના CSIR તરફથી દેશની લગભગ વીસેક જેટલી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાં જઈને ત્યાં ચાલતાં સંશોધનોની વિસ્તૃત જાણકારી મેળવી અને તેના આધારે કિશોરો તથા પ્રૌઢો માટે ‘રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ’ શીર્ષક હેઠળ બે અલગ અલગ લેખમાળાઓ લખી, જે બહુ લોકપ્રિય નીવડેલી.

તેમના ‘ભારતીય અંકપદ્ધતિ કી કહાની’ અને ‘નક્ષત્રલોક’ નામનાં બે પુસ્તકોને લખનૌની ઉત્તરપ્રદેશ હિંદી સમિતિ દ્વારા તથા ‘આકાશદર્શન’ અને ‘સંસાર કે મહાન ગણિતજ્ઞ’ નામનાં બે પુસ્તકોને ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા અનુક્રમે 1995 અને 1996માં પ્રથમ મેઘનાદ સાહા પુરસ્કાર વડે નવાજવામાં આવ્યા છે. ભારત સરકારની વિજ્ઞાનપ્રસારની અનેક યોજનાઓમાં સલાહકાર કે સભ્ય તરીકે તેમણે સક્રિય કામગીરી બજાવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની કેંદ્રીય હિંદી સમિતિના અને ભારત સરકારના પરમાણુ-ઊર્જા અને અંતરીક્ષ-વિભાગની હિંદી સલાહકાર સમિતિના તેઓ સભ્ય રહ્યા છે. છેલ્લાં લગભગ વીસેક વર્ષથી NCERTના પુસ્તકનિર્માણની વિવિધ યોજનાઓ સાથે તથા તેના હિંદી પાઠ્યપુસ્તક સંપાદન-મંડળના સભ્ય તરીકે તેઓ સંકળાયેલા રહ્યા છે. આ ઉપરાંત, નૅશનલ બુક ટ્રસ્ટની નહેરુ બાલ પુસ્તકાલય યોજના અને હિંદી પ્રકાશન સમિતિ સાથે પણ તેઓ ઘણા સમયથી સંકળાયેલા રહ્યા છે. વિજ્ઞાનને લોકભોગ્ય કરવા માટે તેમને રાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માન-પુરસ્કારો વડે નવાજવામાં આવ્યા છે. તે પૈકી 1989માં આગ્રાના કેન્દ્રીય હિંદી સંસ્થાનનો આત્મારામ પુરસ્કાર, 1991–92માં બિહાર સરકારનો રાજભાષા વિભાગનો વિજ્ઞાનલેખન માટેનો જનનાયક કર્પૂરી ઠાકુર પુરસ્કાર, 1997માં રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંચાર પરિષદ (NCSTC) તરફથી સંચાર માધ્યમોમાં વિજ્ઞાનના સર્વોત્તમ પ્રસાર માટે 1991 દરમિયાન કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 1992માં દિલ્હીની હિંદી અકાદમી દ્વારા સાહિત્યકાર સન્માન-પુરસ્કાર, 1986માં અલ્લાહાબાદની વિજ્ઞાન પરિષદ દ્વારા ઉચ્ચ વિજ્ઞાનલેખનના ક્ષેત્રે કરેલી દીર્ઘકાલીન બહુમૂલ્ય કામગીરી બદલ કરવામાં આવેલું સન્માન અને 2000માં મુંબઈની મરાઠી વિજ્ઞાન પરિષદે લોકપ્રિય વિજ્ઞાન લેખન-પ્રસાર બદલ કરેલું સન્માન ઉલ્લેખનીય છે.

તેમનાં ઉપર્યુક્ત પુરસ્કૃત પુસ્તકો ઉપરાંત અન્ય કેટલાંક મહત્વનાં પુસ્તકોમાં આ પુસ્તકો પણ ગણાવી શકાય, જેમનાં શીર્ષક જ તેમના વિષય-વૈવિધ્યનો ખ્યાલ આપે છે : ‘ભારતીય લિપિયોં કી કહાની’, ‘અક્ષરકથા’, ‘ભારત : ઇતિહાસ ઔર સંસ્કૃતિ’, ‘ભારતીય વિજ્ઞાન કી કહાની’, ‘પ્રાચીન ભારત કે મહાન વૈજ્ઞાનિક’, ‘સૌર-મંડલ’, ‘અંતરીક્ષયાત્રા’, ‘ગણિત કી પહેલિયાં’, ‘કમ્પ્યૂટર ક્યા હૈ ?’, ‘જ્યામિતિ કી કહાની’, ‘મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન’, ‘સ્વયંભૂ મહાપંડિત’, ‘કૈસી હોગી 21વીં સદી ?’ ‘મહારાષ્ટ્ર કે દુર્ગ’ (હિંદી અને અંગ્રેજીમાં) વગેરે. તેમનાં મોટાભાગનાં પુસ્તકોની સરેરાશ ચારેક આવૃત્તિઓ થઈ છે, તો કેટલાંકની છથી આઠ. તેમનાં કેટલાંક પુસ્તકો ગુજરાતી સહિત, ભારતની બીજી ભાષાઓમાં પણ અનૂદિત થયાં છે.

સુશ્રુત પટેલ