મૃગયા (ચલચિત્ર) (1976) : સરકાર સામે બળવો કરનારનું માથું કાપી લાવનારને ઇનામ અને પ્રજાનું શોષણ કરનાર જમીનદારનું માથું વાઢી લાવનારને ફાંસી આપતી બ્રિટિશ ન્યાયપ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન મૂકતું ચિત્ર. ભાષા : હિંદી; રંગીન; નિર્માણસંસ્થા : ઉદય ભાસ્કર; દિગ્દર્શક : મૃણાલ સેન; પટકથા : મૃણાલ સેન, મોહિત ચટ્ટોપાધ્યાય; કથા : ભગવતીચંદ્ર પાણિગ્રહી, છબિકલા : કે. કે. મહાજન, સંગીત : સલીલ ચૌધરી; મુખ્ય કલાકારો : મિથુન ચક્રવર્તી, મમતા શંકર, રૉબર્ટ રાઇટ, જ્ઞાનેશ મુખરજી, સાધુ મહેર, સજલ રાયચૌધરી.

સત્યજિત્ રાય પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચિત્રસર્જક મૃણાલ સેનનું આ હિંદી ચિત્ર મિથુન ચક્રવર્તીનું પ્રથમ ચિત્ર હતું, પણ તેનો એવો ઉત્કૃષ્ટ અભિનય હતો અને મૃણાલ સેનનું એવું સુંદર દિગ્દર્શન હતું કે આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્રનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું અને મિથુન ચક્રવર્તીને શ્રેષ્ઠ અભિનેતાનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું.

બ્રિટિશ સકંજામાં જકડાયેલા ભારતના ઓરિસાના જંગલમાં 1930માં આકાર લેતા આ ચિત્રની કથામાં સંથાલ આદિવાસીઓએ કરેલા બળવાના પડઘા પડે છે. બ્રિટિશ વહીવટદાર શિકારનો શોખીન હોવાથી ઘીનુઆ નામના એક યુવાન આદિવાસીની તીરંદાજીથી ખૂબ પ્રભાવિત થાય છે. ઘીનુઆની નિખાલસતા પણ તેને સ્પર્શી જતાં બંને થોડી નિકટતા પણ અનુભવે છે. બીજી બાજુ આદિવાસીઓની ફસલ કાં તો જંગલી ભૂંડો ઓહિયાં કરી જાય છે અને ભૂંડના પેટમાં જતી જે ફસલ બચાવી લેવાય છે તે જુલમી જમીનદાર ભુવન સરદાર હડપ કરી જાય છે. જમીનદારના આ જુલમ સામે એક આદિવાસી બળવો કરે છે. જમીનદાર સામેનો બળવો એ સરકાર સામેનો બળવો છે. વહીવટદાર આખા ગામને એ બળવાખોરને પકડવાનું કહી દે છે. પણ ગામલોકો બળવાખોરને સાથ આપે છે. દરમિયાનમાં સરકારી ખજાનામાં લૂંટ થાય છે. સરકાર બળવાખોર આદિવાસીના માથા પર ઇનામ જાહેર કરે છે. જમીનદાર પોતાના માણસોની સહાયથી બળવાખોર આદિવાસીનું માથું વાઢીને ઇનામ માટે વહીવટદાર સમક્ષ રજૂ કરે છે. થોડા દિવસો બાદ ઘીનુઆની પત્નીને જમીનદારના માણસો ઉઠાવી જાય છે. જમીનદાર તેના પર બળાત્કાર કરે છે. રોષથી ફાટફાટ થતો ઘીનુઆ જમીનદારની હત્યા કરીને તેનું માથું વહીવટદાર સમક્ષ લઈ જઈને કહે છે કે ‘મેં આજે જંગલને તેના સૌથી ખતરનાક જાનવરથી મુક્ત કરાવ્યું છે’ – પણ ઘીનુઆની ધરપકડ કરીને તેની સામે હત્યાનો કેસ ચલાવાય છે. કૉર્ટ તેને ફાંસીની સજા કરે છે. આ ચિત્રનું અંતિમ ર્દશ્ય ખૂબ અર્થપૂર્ણ છે. ઘીનુઆને ફાંસી થાય છે ત્યારે આદિવાસીઓ પોતાનાં શસ્ત્રો સજ્જ કરીને ઊગતા સૂરજ સામે હાથ પ્રસારીને ઊભા હોય છે.

હરસુખ થાનકી