મૂલાચાર : જૈન ધર્મનો મુખ્ય આગમ ગ્રંથ. દિગમ્બરોના આગમોના ચાર અનુયોગમાંના ચોથા ‘ચરણાનુયોગ’નો અતિ મહત્વપૂર્ણ ગ્રંથ. તે ‘આચારાંગ’ પણ કહેવાય છે. દિગમ્બર સાધુઓના 28 મૂલ ગુણોનું અર્થાત્ આચારના આદર્શનું સાંગોપાંગ વર્ણન કરનાર પ્રથમ ગ્રંથ. પછીના આચારગ્રંથોના આધારરૂપ. ચારિત્ર્ય ઉપરાંત જ્ઞાન-ધ્યાન-તપમાં મગ્ન સાધુઓની જ્ઞાનવૃદ્ધિ માટે સહાયક વિષયો પણ તે પ્રતિપાદિત કરે છે. રચયિતાનાં ‘આચાર્ય વટ્ટકેર’, ‘વટ્ટકેરિ’, ‘વટ્ટેરક’ અને ‘કુન્દકુન્દાચાર્ય’ – એવાં નામો અપાયાં છે. સંભવત: આગળનાં ત્રણ નામ કુન્દકુન્દાચાર્યની ઉપાધિરૂપ હશે. સંસ્કૃત ‘प्रवर्तकाचार्य’ માંથી પ્રાકૃતના આ ત્રણે શબ્દ વ્યુત્પન્ન થઈ શકે. ઈ. સ. ના પ્રારંભકાળની તે કૃતિ છે. તેની બે ટીકાઓ એ આચાર્ય વસુનન્દી સિદ્ધાન્તચક્રવર્તીની સંસ્કૃતમાં ‘સર્વાર્થસિદ્ધિ’ અથવા ‘આચારવૃત્તિ’ (12મું શતક) અને મેઘચન્દ્રાચાર્યની કન્નડી ‘મુનિજનચિન્તામણિ’. પં. જિનદાસજી શાસ્ત્રીએ પણ હિન્દીમાં ટીકા રચેલી. તેની બે આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે : (1) માણિક્યચન્દ્ર જૈન ગ્રંથમાળામાં મુંબઈથી 1921 તથા 1924માં બે ભાગમાં વસુનન્દીની ટીકા સાથે પ્રકાશિત. (2) જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાળાના પ્રાકૃત ગ્રંથાંક 19 તરીકે વસુનન્દી સિદ્ધાન્ત-ચક્રવર્તીની સંસ્કૃત ટીકા ‘આચારવૃત્તિ’ તથા આર્યિકારત્ન જ્ઞાનમતીજીકૃત હિન્દી અનુવાદ સાથે ભારતીય જ્ઞાનપીઠ તરફથી દિલ્હીથી બે ભાગમાં પ્રકાશિત, 1984 અને પછી; સંપાદકો : કૈલાશચન્દ્ર શાસ્ત્રી, જગન્મોહનલાલ શાસ્ત્રી અને પન્નાલાલ જૈન. વસુનન્દી પ્રમાણે મૂળગ્રંથની 1,252 ગાથાઓ છે. જ્યારે ટીકા 12,000 શ્લોકપ્રમાણની છે. મેઘચન્દ્રાચાર્ય અનુસાર મૂળની ગાથાઓ 1,403 છે. કેટલેક સ્થળે એમ સમજાય છે કે આ વધારાની ગાથાઓ વસુનન્દીને પણ માન્ય હતી.

ગ્રંથ બાર અધિકારમાં વહેંચાયેલો છે : મૂલગુણાધિકાર, બૃહત્પ્રત્યાખ્યાન સંસ્તવાધિકાર, સંક્ષેપપ્રત્યાખ્યાન, સમાચારાધિકાર, પંચાચારાધિકાર, પિંડશુદ્ધિ-અધિકાર, ષડાવશ્યકાધિકાર, અનગારભાવનાધિકાર, વાક્યશુદ્ધિનિરૂપણ, દ્વાદશાનુપ્રેક્ષાધિકાર, સમયસારાધિકાર, પર્યાપ્તિ-અધિકાર અને શીલગુણાધિકાર. બીજા બૃહત્પ્રત્યાખ્યાન-સંસ્તવાધિકારમાં એક જ દિવસે મિથિલામાં મહેન્દ્રદત્ત દ્વારા 4 પુરુષો અને 4 સ્ત્રીઓનો વધ કરાયાનો ઉલ્લેખ છે. પાંચમા પંચાચારાધિકારમાં લૌકિક મૂઢતા માટે કૌટિલ્ય, આસુરક્ષ, મહાભારત અને રામાયણનાં ઉદાહરણ આપ્યાં છે. સાતમા ષડાવશ્યકાધિકારમાં ‘અર્હત’, ‘આચાર્ય’ જેવા શબ્દોની નિર્યુક્તિ આપી છે.

આ ગ્રંથની ઘણી ગાથાઓ ‘સંથારગ’, ‘આવશ્યકનિર્યુક્તિ’, ‘પિણ્ડનિર્યુક્તિ’, ‘ભત્તપરિણ્ણા’, ‘મરણસમાહી’ અને ‘બૃહત્કલ્પભાષ્ય’ જેવા મહત્વના શ્વેતામ્બર ગ્રંથોમાં અક્ષરશ: મળે છે. કેટલીક પરંપરાથી ચાલી આવી હશે, જે પછીના ગ્રંથકારોએ યોગ્ય સ્થાને સંગૃહીત કરીને ગ્રંથગૌરવ વધાર્યું હશે. આથી અનુમાન કરી શકાય કે ત્યારે શ્વેતાંબર-દિગમ્બરના ભેદ પડ્યા નહિ હોય.

‘મૂલાચાર’માં ‘મરણવિભક્તિ’ આદિ સૂત્રો, ‘આચારજિતકલ્પ’, ‘આવશ્યકનિર્યુક્તિ’ તેમજ ‘આરાધનાનિર્યુક્તિ’નો મહત્વપૂર્ણ ઉલ્લેખ કરાયો છે. તેમાંયે ‘આરાધનાનિર્યુક્તિ’ વિશે તો અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ છે જ નહિ.

એમ લાગે છે કે દરેક પ્રાકૃત ગાથાની સંસ્કૃત છાયા કરવાની પ્રથા છેક આ ગ્રંથના મહાન ટીકાકાર વસુનન્દી સિદ્ધાન્તચક્રવર્તીના સમયથી ચાલી આવે છે !

જયન્ત પ્રે. ઠાકર