મૂલાણી, મૂળશંકર હરિનંદ

February, 2002

મૂલાણી, મૂળશંકર હરિનંદ (જ. 1 નવેમ્બર 1867, ચાવંડ; અ. 1957) : જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર શિષ્ટ, સંસ્કારી રુચિ અને સાહિત્યિક સૂઝવાળાં નાટકો રચી સારા નટોની અભિનયશૈલી ઘડવામાં પ્રેરકબળ બનનાર મૂળશંકર મૂલાણીની નાટ્યપ્રતિભા રસની જમાવટમાં એમના પુરોગામીઓના મુકાબલે વધુ વિકસિત હતી. નાટ્યકાર તરીકે તેમણે વ્યવસાયી રંગભૂમિ પર વિશિષ્ટ સિદ્ધિ દર્શાવી છે.

એમનો જન્મ હરિનંદ દયારામ નામના પ્રશ્નોરા નાગર-જ્ઞાતિના ગૃહસ્થને ઘેર થયો હતો. એમનાથી આશરે 10થી 12 પેઢી ઉપર મૂળા ભટ્ટ નામના પ્રતાપી પુરુષ જામનગર રાજ્યમાં કારભારીપદે હતા. મૂળશંકરનાં માતાનું નામ માનકુંવર હતું. પિતા હરિનંદ ધર્મચુસ્ત, પવિત્ર અને પ્રામાણિક વ્યક્તિ હતા. ઘરમાં ધર્મગ્રંથો, સંતચરિત્ર અને સંસ્કૃત ભાષાના ગ્રંથો નિયમિત વંચાતા. અંગ્રેજી 4 ધોરણ પછી એમણે અભ્યાસ છોડી દીધો અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન પાસે અભ્યાસ શરૂ કર્યો. સત્તરમા વર્ષે ધારીમાં મહેસૂલ ખાતામાં તલાટીની નોકરી કર્યા બાદ, ઓગણીસમા વર્ષે મુંબઈ જઈ ત્યાં ‘સત્યવક્તા’ સાપ્તાહિકમાં જોડાયા. તે પછી માત્ર 5 રૂપિયામાં ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં લેખક તરીકે નોકરી સ્વીકારી. પ્રારંભથી જ એમને નાટ્યલેખનનો શોખ હતો અને એ ક્ષેત્રે કશુંક નવું કરવાની તમન્ના પણ હતી.

મૂળશંકર હરિનંદ મૂલાણી

એમનું પહેલું સફળ નાટક તે ‘કરણઘેલો’ (1896). એમનું ‘અજબકુમારી’ (1899) નાટક વસ્તુ-રચનાની સાથે નાટકમાં આવતાં વિવિધ પાત્રોનાં સ્વભાવદર્શન, પરિવર્તન, પાત્રવિકાસ અને કરુણરસને કારણે વધુ ધ્યાનપાત્ર બન્યું હતું. સાહિત્યિક ર્દષ્ટિએ પણ આ નાટક ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરરત્નને ગમ્યું; પરંતુ તત્કાલીન પ્રેક્ષકોને આ નાટક ગમ્યું નહિ. આ નાટક 1912–13માં ફરી ભજવાયું ત્યારે પ્રેક્ષકોની અભિરુચિ બદલાઈ હોવાથી સફળ નીવડ્યું હતું.

મૂલાણીની ઉચ્ચ નાટ્યપ્રતિભાનો સૌપ્રથમ લોકમાન્ય આવિષ્કાર એટલે 19 ઑક્ટોબર 1901ની રાત્રે ભજવાયેલું રજવાડી નાટક ‘સૌભાગ્યસુંદરી’. આ નાટકથી જયશંકરને ‘સુંદરી’નું લોકબિરુદ મળ્યું.

મૂળશંકરનાં સંપૂર્ણ ભજવાયેલાં નાટકો આશરે 28 જેટલાં છે. એમાં ‘વિક્રમચરિત્ર’ (1900), ‘જુગલ જુગારી’ (1903), ‘કામલતા’ (1904), ‘શ્રીકૃષ્ણચરિત’ (1906), ‘દેવકન્યા’ (1907–08), ‘વસંતપ્રભા’ (1910–11), ‘ભાગ્યોદય’ (1915–16) અને ‘એક જ ભૂલ’ (1918–19) ઉલ્લેખનીય છે.

‘જુગલ જુગારી’માં એમણે તત્કાલીન સામાજિક સમસ્યાને હલ કરવા પ્રયત્ન કર્યો છે. ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ‘નટમંડળ’ તરફથી આ નાટકનું સંસ્કરણ ભજવાયું હતું. ‘કામલતા’ મૂળ શાકુંતલ પર આધારિત રજવાડી-સામાજિક નાટક હતું. ‘વિક્રમચરિત્ર’ શામળ ભટ્ટની 32 પૂતળીઓની વાર્તાને કેન્દ્રમાં રાખી લખાયેલું ચરિત્રનાટક હતું. ‘શ્રીકૃષ્ણચરિત્ર’માં કૃષ્ણ અને ગોપીઓના સંબંધની ભાગવતની કથાનો આધાર લેતાં શૃંગારરસમાંથી અશ્લીલતા તરફ સંક્રાંત થવાનો ભય એમણે નાટ્યકાર તરીકે વિવેકથી ટાળી, ભક્તિરસ અને પ્રેમશૃંગારની ભૂમિકા રચી નાટકને શિષ્ટતા બક્ષી છે. ‘એક જ ભૂલ’માં એમણે રડારથી વિમાનનું નિયંત્રણ થઈ શકે છે એ વૈજ્ઞાનિક વાતને સૌપ્રથમ વાર દર્શાવી છે. સંસ્કૃત ઉપરાંત શેક્સપિયરનાં ઉત્તમ નાટકોના અંશ ઝીલનાર આ નાટ્યકારનાં થોડાં નાટકોના પ્રવેશો છપાયા છે. ગુજરાત વિદ્યાસભા તરફથી અને મુંબઈમાં નાટ્યકાર તરીકે એમનું સન્માન પણ થયું હતું.

દિનકર ભોજક