મૂલશુદ્ધિ પ્રકરણ

February, 2002

મૂલશુદ્ધિ પ્રકરણ (ઈ. સ. દસમી સદી) : જૈન ધર્મનો પ્રતિમાની પૂજા વગેરે વિશેનો ગ્રંથ. આનાં ‘સ્થાનકપ્રકરણ’ અને ‘સ્થાનકાનિ’ એવાં નામ પણ મળે છે. આખો ગ્રંથ પ્રાકૃત પદ્યમાં છે. તેના રચયિતા પૂર્ણતલ્લગચ્છના પ્રદ્યુમ્નસૂરિ (ઈ. સ.ની દસમી સદી) છે.

આનો વિષય પ્રતિમાઓ, મંદિરો, ગ્રંથો તથા ચતુર્વિધ સંઘ પ્રત્યેની શ્રાવકની ફરજોનો હોઈ તેનું વિષયવર્તુળ મર્યાદિત બની રહે છે; પરંતુ તેના ઉપરની દેવચન્દ્રસૂરિની 1089–90માં લખાયેલી સંસ્કૃત ટીકા અનેક ર્દષ્ટિએ મહત્વની હોઈ આ ગ્રંથને મહત્વ અર્પે છે. પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય ગુણસેનસૂરિના શિષ્ય અને કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના ગુરુ દેવચન્દ્રસૂરિની આ ટીકાનું નામ ‘મૂલશુદ્ધિટીકા’ અથવા ‘સ્થાનકપ્રકરણવૃત્તિ’ છે. ટીકાકારે તેના માટે ‘વ્યાખ્યા’ અને ‘વિવરણ’ શબ્દો પણ પ્રયોજ્યા છે. આ ગ્રંથનો પ્રથમ ભાગ, ટીકા સાથે, પં. અમૃતલાલ મોહનલાલ ભોજક વડે સંપાદિત, અમદાવાદની પ્રાકૃત ગ્રંથ પરિષદ દ્વારા 1971માં પ્રકાશિત થયો છે.

શરૂઆતની ગાથાઓમાં ગુરુના ઉપદેશ તેમજ સમ્યક્ત્વશુદ્ધિનું વર્ણન કર્યું છે.

આ ટીકા આખ્યાનો, કથાનકો તથા ઉદાહરણરૂપ કથાઓથી સભર હોઈ કથાકોશની ગરજ સારે છે. તેમાં કાલકાચાર્ય કે કાલિકાચાર્ય, ચન્દ્રગુપ્ત, ચાણક્ય, આર્દ્રકુમાર, આર્યખપુટાચાર્ય, આર્યમહાગિરિ, રૌહિણેય, આરામશોભા, કુલપુત્રક, દેવાનંદા, શિખરસેન, ભીમ-મહાભીમ, એલકાક્ષ, શ્રીધર, ઇન્દ્રદત્ત, પૃથ્વીસાર, કીર્તિદેવ, જિનદાસ, કાર્તિકશ્રેષ્ઠિ, રંગાપણમલ્લ, જિનદેવ, ધન્ય અને ગજાગ્રપદ પર્વતની ઉત્પત્તિની કથાઓ છે.

પ્રથમ સ્થાનકમાં જિનબિમ્બનું પ્રતિપાદન અને તેના પૂજનનું વિધાન છે. ટીકામાં આપેલી કાલિકાચાર્યની કથા અન્યત્ર આવતી તેમની કથાઓ કરતાં મોટી તેમજ પ્રાચીન હોઈ આદર્શરૂપ ગણાઈ છે. તે ગદ્ય તથા પદ્યમાં લખાઈ છે અને તેમાં અપભ્રંશ પદ્યો પણ મળે છે. આથી પછીના સાહિત્યમાં પ્રચલિત કથાઓના મૂળસ્રોત તરીકે તે આગવું મહત્વ ધરાવે છે. હરિભદ્રકૃત ‘સમ્યક્ત્વસપ્તતિ’ની ટીકામાં સંઘતિલકસૂરિએ અહીં આપેલી કાલિકાચાર્યકથા પ્રાય: શબ્દશ: ઉતારી છે.

‘સુલસક્ખાણુ’ અર્થાત્ ‘સુલસાખ્યાન’ આખું અપભ્રંશ ભાષામાં આપેલું છે. તેને આખ્યાન પણ કહ્યું છે અને સંધિ પણ. તેનું બંધારણ અપભ્રંશની ઉત્તરાવસ્થાની સંધિ-પ્રકારની કાવ્યરચનાઓને મળતું આવે છે. આ જ કથા ‘સુલસાસંધિ’ નામની સ્વતંત્ર પુસ્તિકા રૂપેય મળે છે. આ ગ્રંથમાં આવતા અપભ્રંશના નાના ફકરાઓનું મહત્ત્વ હેમચન્દ્રાચાર્યના સમયની અપભ્રંશના નમૂનાઓ તરીકે પણ ઘણું ગણાય.

‘કુમારપાલપ્રતિબોધ’માંની મૂલદેવની કથાનો મૂળસ્રોત અહીં આપેલી કથા હોવાનો પૂરો સંભવ છે.

તેમાં પ્રાકૃતમાં પણ અપભ્રંશ તેમજ જૂની ગુજરાતી ભાષાના અભ્યાસ માટે મહત્વ ધરાવતા ઘણા શબ્દો તેમજ રૂઢિપ્રયોગો આવે છે. દા.ત., ‘ઇન્દોપગ’ = ઇન્દ્રગોપક; ‘ઝાડ’ = વૃક્ષ; ‘ખોલા’ કે ‘કોલા’ = ખોળો; ‘ભત્તુલ્લગ’ = ભાતલું, ભાતું અને ‘લુયાઓ વાયંતિ’ = લૂ વાય છે.

આમ ‘મૂલશુદ્ધિ પ્રકરણ’ અને તેની ટીકા વાર્તાઓની પરંપરાના અભ્યાસ માટે જ નહિ, પરંતુ સાહિત્યિક તથા ભાષાની ર્દષ્ટિએ પણ આગવું મહત્વ ધરાવે છે.

જયન્ત પ્રે. ઠાકર