મૂલરાજ 2જો (રાજ્યકાલ : ઈ. સ. 1176–1178) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. સોલંકી રાજા અજયપાલ પછી એનો મોટો પુત્ર મૂલરાજ 2જો ગાદીએ આવ્યો. ‘પ્રબંધચિંતામણિ’માં એને ‘બાલ મૂલરાજ’ કહી એનો રાજ્યકાલ ઈ. સ. 1177થી 1179નો કહ્યો છે. જ્યારે ‘વિચારશ્રેણી’માં એને ‘લઘુ મૂલરાજ’ કહ્યો છે અને એનો રાજ્યકાલ ઈ. સ. 1176થી 1178નો જણાવ્યો છે. મૂલરાજનું 1176નું દાનશાસન મળ્યું હોઈ, અહીં ‘વિચારશ્રેણી’માં જણાવેલ વર્ષ સ્વીકાર્ય ગણાય. મૂલરાજની માતા નાઇકિદેવી ચંદેલ્લ રાજા પરમર્દીની પુત્રી હતી.

મૂલરાજના ઉત્તરાધિકારીઓનાં ઘણાં દાનપત્રોમાં મૂલરાજે ગર્જનકના દુર્જય અધિરાજને યુદ્ધમાં હરાવ્યાનો ઉલ્લેખ આવે છે. એને ‘મ્લેચ્છરૂપી તમોરાશિથી છવાયેલા મહીવલયને ઉજાસ આપનાર બાલાર્ક’ તરીકે વર્ણવ્યો છે. ‘કીર્તિકૌમુદી’, ‘વસંતવિલાસ’, ‘સુકૃતસંકીર્તન’ અને ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં મૂલરાજે મુસ્લિમોને હરાવ્યાના નિર્દેશ છે. ગઝનીના મુસ્લિમ સૂબા શિહાબુદ્દીન ઉર્ફે મુઇઝુદ્દીન મુહમ્મદે અણહિલવાડ પર ચડાઈ કરી ત્યારે મૂલરાજે તેને હરાવી પાછો નસાડ્યો હતો. આ અરસામાં ગુજરાતમાં ભારે દુકાળ પડ્યો. પુરોહિત કુમારે રાજા પાસે મહેસૂલ માફ કરાવ્યું હતું. મુસ્લિમ ફોજને પાછી હઠાવ્યા પછી મૂલરાજ થોડા સમયમાં અકાળ અવસાન પામ્યો. આમ એ યુવાન રાજાએ માત્ર બે વર્ષ રાજ્ય ભોગવ્યું.

રામજીભાઈ ઠા. સાવલિયા