મૂલકદેશ : ઈસવી સનની બીજી સદીમાં આંધ્રના સાતવાહન વંશના રાજા અને મહાન વિજેતા ગૌતમીપુત્ર શાતકર્ણીની સત્તા હેઠળનો પ્રદેશ. આ પ્રદેશનું પાટનગર ગોદાવરી નદીના કાંઠે આવેલ પ્રતિષ્ઠાન અથવા હાલનું પૈઠણ હતું. ગૌતમીપુત્ર શાતકર્ણીએ મૂલકદેશ સહિત બીજો ઘણો પ્રદેશ ક્ષહરાત વંશના રાજા નહપાન પાસેથી જીતી લીધો હતો. જૂનાગઢમાં આવેલા ઈ. સ. 150ના મહાક્ષત્રપ રુદ્રદામનના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે, નહપાનને હરાવીને તેની પાસેથી શાતકર્ણીએ જીતી લીધેલ, મૂલકદેશ સહિતના બધા પ્રદેશો રુદ્રદામને શાતકર્ણીના અવસાન અગાઉ તેની પાસેથી પાછા જીતી લીધા હતા. પ્રો. વી. વી. મિરાશીના મતાનુસાર, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ગોદાવરી નદીના કિનારે આવેલા પ્રાચીન પ્રતિષ્ઠાન(હાલનું પૈઠણ)ને તેણે રાજધાની બનાવી હતી. તેના ઉપર દંતિદુર્ગના પૂર્વજો રાજ્ય કરતા હતા.

જયકુમાર ર. શુક્લ