મૂલર, યોહાનિસ પીટર

February, 2002

મૂલર, યોહાનિસ પીટર (જ. 14 જુલાઈ 1801, કૉબ્લેન્ઝ, ફ્રાંસ; અ. 28 એપ્રિલ 1858) : એક પ્રખર પ્રાણીશાસ્ત્રજ્ઞ. તેઓ મોચીના પુત્ર હતા. 1819માં તેઓ બૉન યુનિવર્સિટીમાં દાખલ થયા અને ‘પ્રાણીઓના હલનચલનના સિદ્ધાંત’ પર નિબંધ લખી તે 1822માં પ્રસિદ્ધ કર્યો. ત્યારપછીનો અભ્યાસ તેમણે બર્લિન યુનિવર્સિટીમાં કર્યો. ત્યારબાદ તેઓ બૉન યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા અને ત્યાં તેઓ દેહધર્મવિદ્યા અને તુલનાત્મક શરીરરચના ભણાવતા. આ બંને વિષયના જ્ઞાતા તરીકે તેઓ જર્મનીમાં ખ્યાતિ પામ્યા. તેમણે દેહધર્મવિદ્યા પર એક પુસ્તક Elements of Physiology પણ લખેલું. તેઓ માનતા કે દેહધર્મવિજ્ઞાનની સાથે ફિલસૂફીનો સમન્વય થવો જરૂરી છે. 1830માં તેઓ પ્રાધ્યાપક બન્યા. તેમણે ર્દષ્ટિ–એક સંવેદાંગ વિશે માનવ અને અન્ય પ્રાણીઓના સંબંધમાં ઘણો અભ્યાસ કરેલો. તેના ફલસ્વરૂપે ‘પ્રત્યેક સંવેદાંગ જુદી જુદી અનેક પ્રકારની ઉત્તેજનાઓ પ્રત્યે પોતાની આગવી અને નોખી પ્રતિક્રિયા વ્યક્ત કરે છે’ – એવો સિદ્ધાંત તારવ્યો. આ સિદ્ધાંતને તેમનું આગવું અને વિશિષ્ટ પ્રદાન ગણવામાં આવે છે. તેમણે વધુમાં એવું પણ પ્રતિપાદન કરેલું કે આંખ માત્ર બાહ્ય પ્રકાશથી જ ઉત્તેજિત થતી નથી, પરંતુ આંતરિક કલ્પનાઓથી પણ ઉત્તેજિત થઈ, ર્દશ્યો રચે છે. આમ જે વ્યક્તિઓ ધાર્મિક ર્દશ્યો, ભૂતપ્રેત કે છાયાભાસ જોવાનો દાવો કરે છે તેમના એ દાવાઓ ખરેખર તો તેમની મનોલીલાનું પરિણામ હોય છે. બાહ્ય ર્દષ્ટિએ તેમણે આવું કશુંય ખરેખર જોયું હોતું નથી. આ સંશોધને મૂલરને ખૂબ જ ખ્યાતિ આપી.

તેમણે અંતર્વાહી ચેતા(sensory nerves)માંથી બહિર્વાહી ચેતા(motor nerves)માં ઊર્મિવેગો કેવી રીતે પસાર થાય છે અને પરાવર્તી ક્રિયા કઈ રીતે બને છે તેની સમજૂતી આપી. તેમણે નિમ્ન કક્ષાનાં પ્રાણીઓ અને દેડકાના પરાનુકંપી ચેતાતંત્રનો પણ અભ્યાસ કરેલો. વળી જનનાંગોના અભ્યાસ દરમિયાન માદાનાં આંતરિક જનનાંગોમાં પરિણમતી નળીઓની શોધ કરી, જે આજે મૂલરની નળીઓ તરીકે ઓળખાય છે. મૂલરે રુધિર, રુધિરનું જામવું, દેડકાના હૃદયની રચના, લસિકા, નેત્રપટલ પર થતી ર્દશ્યની રચના અને મધ્યકર્ણમાં અવાજનાં મોજાંઓની આગળ વધવાની ક્રિયા વગેરેનો પણ અભ્યાસ કર્યો હતો. 1833માં મૂલર બર્લિન ગયા અને ત્યાં દેહધર્મવિદ્યા પર એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું; જે હાલમાં વિશ્વભરમાં જાણીતું છે. 1838માં તેમણે થિયોડૉર શ્વાન સાથે મળીને કૅન્સર પર સંશોધનો કર્યાં; આ દરમિયાન તેમણે રોગજન્ય પેશીવિદ્યા (pathological histology) જેવી શાખાની રચના કરી.

મૂલર પોતાને શિક્ષક માનતા હતા. તેમના વિદ્યાર્થીઓમાં હર્મૅન હેલમૉલ્ટ્ઝ રોગનિદાનકાર (physicist) તરીકે અને રૂડૉલ્ફ વિરર્ચા કોષીય દેહધર્મ–વિજ્ઞાની (physiologist) તરીકે જાણીતા છે. 1840ના ગાળામાં મૂલરે પોતાનો અભ્યાસ તુલનાત્મક શરીરરચના અને પ્રાણીશાસ્ત્ર પર કેન્દ્રિત કર્યો. તેઓ પ્રાણીઓના નમૂનાઓ એકઠા કરી દરેકનું વર્ગીકરણ કરવામાં નિષ્ણાત હતા. માછલીના વર્ગીકરણમાં તેમણે ઘણા સુધારા સૂચવ્યા. તેમનો સાગરગોટા (crinoid) અને તેનાં જેવાં શૂળત્વચી સમુદાયનાં પ્રાણીઓના વિકાસનો અભ્યાસ નોંધપાત્ર છે. તેમણે પ્રજીવ સમુદાયના રેડિયોલારિયા અને ફોરામેનિફેરા જેવા સૂક્ષ્મ-જીવોનો અભ્યાસ પણ કર્યો હતો. આમ પ્રાણીશાસ્ત્રની વિવિધ શાખાઓમાં તેમણે કરેલાં સંશોધનો અને લખેલાં પુસ્તકો ઉલ્લેખનીય છે અને તે કારણે તેમને ઓગણીસમી સદીના મહાન નૈસર્ગિક ફિલસૂફ માનવામાં આવે છે.

તેઓ ઘણી વાર માનસિક રોગથી પીડાતા હતા. આના પરિણામે તેઓ કેટલોક સમય સંશોધનનું કાર્ય કરી શક્યા નહોતા. કેટલાકના મતે મૂલરનું અવસાન આત્મહત્યાના પરિણામે થયું હતું.

વિનોદ સોની