મૂર, સ્ટૅનફર્ડ (જ. 4 સપ્ટેમ્બર 1913, શિકાગો; અ. 23 ઑગસ્ટ 1982, ન્યૂયૉર્ક સિટી) : ઍમીનોઍસિડના વિશ્લેષણ માટેની પદ્ધતિના સહશોધક અને 1972ના નોબેલ પારિતોષિક-વિજેતા જૈવ રસાયણવિદ. 1935માં વૅન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી રસાયણમાં સ્નાતક થયા પછી તેમણે 1938માં વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1939માં રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચ (હવે રૉકફેલર યુનિવર્સિટી), ન્યૂયૉર્કમાં જોડાયા. ત્યાં તેમણે લાંબો સમય ગાળ્યો. 1952માં ત્યાં જ તેઓ પ્રાધ્યાપક બન્યા. પ્રોટીન-રસાયણ-વિજ્ઞાનનો મુખ્ય પ્રશ્ન પ્રોટીન-શ્રેણીમાં કયા ઍમીનોઍસિડ કેટલા પ્રમાણમાં રહેલા છે તે હતો. જો આ જાણી શકાય તો જ શ્રેણીમાં ઍમીનોઍસિડના ક્રમને જાણવો શક્ય બને. સ્ટેઇન (Stein) સાથે મૂરે 1950ની આસપાસ આ વિશ્લેષણ માટે એક સામાન્ય રીત વિકસાવી. આ પદ્ધતિમાં પ્રોટીનનું ઉષ્ણ ઍસિડ જેવા પદાર્થ દ્વારા સંપૂર્ણ જળવિભાજન કરવામાં આવે છે. પરિણામે ઍમીનોઍસિડનું મિશ્રણ મળે છે. આ ઍમીનોઍસિડને એકબીજાથી અલગ કરવા તેમના દ્રાવણને આયનવિનિમય રેઝિનના સ્તંભ ઉપર રેડી, આ સ્તંભમાં વિવિધ અમ્લતા (acidity) ધરાવતાં બફર-દ્રાવણો ઉમેરી સ્તંભના નીચલા છેડેથી નીકળતાં દ્રાવણો અલગ અલગ એકઠાં કરાય છે. આમ, સ્તંભોમાંથી નીકળતા જુદા જુદા ઍમિનોઍસિડને તેમના બહિર્ગમન-દર પરથી પારખી શકાય છે. તેમનાં જુદાં જુદાં પ્રમાણ પણ નીનહાઇડ્રીન સાથે મળતા વાદળી રંગની તીવ્રતા (intensity) ઉપરથી નક્કી કરી શકાય છે. 1958 સુધીમાં તો મૂર તથા સ્ટેઇને આ રીત સ્વયંસંચાલિત વિશ્લેષક દ્વારા સંપૂર્ણ બનાવી, જેના દ્વારા નાના નમૂના (સૅમ્પલ) પણ વિશ્લેષણમાં વાપરી શકાય છે. આ રીતે ઍમિનોઍસિડ અલગ પાડ્યા બાદ તેમના ક્રમને સગરની રીત જેવી રીતો દ્વારા જાણી શકાય. સગરે ઇન્સ્યુલિન માટે (1905) આ રીત શોધેલી. મૂર-સ્ટેઇનની આ રીત સાદા હેપ્ટોપેપ્ટાઇડ ઇવોલિડીન(સાત ઍમીનોઍસિડ – સમૂહો)થી માંડીને 124 ઍમીનોઍસિડ-સમૂહો ધરાવતા રાઇબોન્યૂક્લીએઝ (ribonuclease) માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.
પ્રોટીન-સંયોજનોની આણ્વિક સંરચના અંગેના તેમના સંશોધન બદલ મૂર, સ્ટેઇન અને એન્ફિન્સેન ક્રિશ્ચિયનને સંયુક્ત રીતે 1972નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
જ. પો. ત્રિવેદી