મૂર, રૉજર (જ્યૉર્જ) (જ. 14 ઑક્ટોબર, 1927, લંડન, ઇંગ્લૅન્ડ) : જાણીતા આંગ્લ ફિલ્મ-અભિનેતા. તે એક આર્ટસ્કૂલમાં ચિત્રકલાના વિદ્યાર્થી હતા. 1945માં તેમણે એક એક્સ્ટ્રા તરીકે ફિલ્મક્ષેત્રે અભિનયનો પ્રારંભ કર્યો; સાથોસાથ તેઓ રંગભૂમિ-ક્ષેત્રે પણ નાનાં-નાનાં પાત્રોમાં અભિનય આપતા રહ્યા. તે પછી તેઓ લશ્કરી સેવામાં પણ જોડાયા.

રૉજર (જ્યૉર્જ) મૂર

1953માં તેમણે ‘ઍ પિન ટુ સી ધ પીપ શો’માં બ્રૉડવે પર અભિનય આપ્યો અને 1954માં હૉલિવુડનિર્મિત ફિલ્મ ‘ધ લાસ્ટ ટાઇમ આઇ સૉ પૅરિસ’માં અભિનય કરવાની તક મળી. ટેલિવિઝન પર તેઓ ‘આઇવનહો’ (1958), ‘ધી અલાસ્કન્સ’ (1960–61) તથા ‘પર્સ્વેડર્સ’ (1972–73) અને વિશેષે કરીને ‘ધ સેઇન્ટ’ (1962–1969) જેવી શ્રેણીઓમાં જોશીલા પ્રતિભાસંપન્ન નાયક તરીકે બેહદ ખ્યાતિ પામ્યા. ‘લિવ ઍન્ડ લેટ ડાઇ’(1973)થી માંડીને ‘એ વ્યૂ ટુ એ કિલ’ (1985) સુધીની કુલ 7 ફિલ્મમાં તેમણે જેમ્સ બૉન્ડનો અભિનય હળવાશભરી બેફિકરાઈથી અનોખી રીતે ભજવી પોતાની વિશિષ્ટ અને આગવી છાપ ઊભી કરી.

મહેશ ચોકસી