મૂર, હેન્રી (જ. 30 જુલાઈ 1898, કૅસલફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1986, હર્ટફોર્ડશાયર, ઇંગ્લૅન્ડ) : મહાન આંગ્લ શિલ્પી. ઇંગ્લૅન્ડની શિલ્પકળાની પરંપરામાં તેમણે હિંમતભેર નવી કેડી પાડી. એમની અભિનવ અને ચોટદાર લાક્ષણિકતાઓને કારણે તે વિશ્વભરમાં ખ્યાતનામ બન્યા. બારમા વર્ષે શિષ્યવૃત્તિ મળવાથી કળાનો અભ્યાસ શરૂ કરેલો; પરંતુ કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ છોડી પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ લશ્કરમાં જોડાયા. યુદ્ધ પૂરું થતાં પાછા શિક્ષણ-ક્ષેત્રમાં લાગી ગયા. નિવૃત્ત સૈનિક તરીકેનો લાભ લઈ ‘લીડ્ઝ સ્કૂલ ઑવ્ આર્ટ’માં શિલ્પકળાની તાલીમ માટે જોડાયા. ત્યાં જૂનાં શિલ્પોની અનુકૃતિ કરવાની રૂઢિથી કંટાળીને લંડનની ‘રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ’માં જોડાયા. એ જ કૉલેજમાં શિલ્પકળા વિશે અધ્યયન (1924–1931). ત્યારબાદ ચેલ્સિયા સ્કૂલ ઑવ્ આર્ટમાં અધ્યાપનકાર્ય સંભાળ્યું (1931–1939). 1925માં શિષ્યવૃત્તિ મળતાં ફ્રાન્સ અને એની આસપાસનાં કલાધામોની યાત્રા કરી. મેક્સિકોના અને આફ્રિકાના હબસીઓનાં શિલ્પોમાં આકારોની પ્રતિભાથી અને મિસરનાં શિલ્પોની ભવ્યતાથી તેમજ પ્રાગૈતિહાસિક માનવજીવનનાં ર્દશ્યોથી તેઓ વધારે પ્રભાવિત થયા.

તેમણે પોતાનાં શિલ્પોમાં વિગતોને બને તેટલા વધુ પ્રમાણમાં ઓગાળી નાખીને ચહેરા અને શરીરના વળાંકો, ગોળાકારો અને છિદ્રાળુતાની ઉત્તમ સુંદરતા કંડારી છે. તેમણે પોતાનાં શિલ્પોમાં અંતર્ગોળ આકારો અને તેની વચ્ચે વચ્ચે ખાલી ગાળા કંડારવાનો નવતર પ્રયોગ કર્યો. એમણે કાષ્ઠમાં, કાંસામાં, પથ્થરમાં અને ઍલબાસ્ટરમાં સંખ્યાબંધ શિલ્પો કર્યાં છે. છેક 1930માં એમની આ આગવી પ્રતિભા પ્રકાશમાં આવી. 1946માં અમેરિકામાં એમની કૃતિઓનું પ્રદર્શન ખૂબ પ્રશંસાપાત્ર બન્યું. તેમનાં શિલ્પોને 1980માં ઇટાલીની સરકારે યોજેલી આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં પ્રથમ ઇનામ મળ્યું હતું. સ્વીડનથી માંડીને ઑસ્ટ્રેલિયા સુધીના કલાસંગ્રહોમાં જ નહિ, પણ દેવળો અને ઉદ્યાનો કે મહત્વની ઇમારતોનાં પ્રાંગણ જેવાં જાહેર સ્થળોમાં એમની કૃતિઓ સ્થાન પામી. એમની શિલ્પશૈલીની પ્રેરણા લઈને વેપારી પેઢીઓએ અનેક પ્રકારની ચીજોમાં અવનવા આકારો ઉતાર્યા. તેઓ પોતે અચ્છા ચિત્રકાર પણ હતા. એમણે કાપડની વિવિધ અને આગવી અનેક ભાતો ઉપજાવી. વિશ્વયુદ્ધમાં ઘવાયેલા અને ખાઈઓ કે ભૂગર્ભમાં આશરો લેતા લોકોનાં ચિત્રોમાં ભયવ્યાકુલ માનવીની કરુણતાને બહુ જ ચોટદાર રીતે તેમણે આલેખી છે.

તેમનાં અત્યંત જાણીતાં શિલ્પોમાં નૉર્ધૅમ્પ્ટન ખાતે સેંટ મેથ્યૂઝ ચર્ચમાં મૂકેલ ‘મેડૉના ઍન્ડ ચાઇલ્ડ’ (1943–44); લંડન ખાતે ટાઇમ-લાઇફ બિલ્ડિંગ પર ગાઠવેલું ‘ધ ડેકોરેટિવ ફ્રિજ’ (1952); પૅરિસમાં યુનેસ્કો બિલ્ડિંગ માટે (1958) અને ન્યૂયૉર્ક સિટીમાં લિંકન સેન્ટર ખાતે મૂકેલું અઢેલીને બેઠેલી મહિલાઓનું મહાશિલ્પ (1965) ઉલ્લેખનીય છે.

તેમનાં મોટાભાગનાં શિલ્પોનો સંગ્રહ હેન્રી મૂર સ્કલ્પચર સેન્ટર-ટોરૉન્ટો’, ધ ટેટ ગૅલરી-લંડન, હર્ટફર્ડશાયરમાં તેમના નિવાસસ્થાને જોવા મળે છે.

અમિતાભ મડિયા

બળદેવભાઈ કનીજિયા