મૂર, જ્યૉર્જ (જ. 24 ફેબ્રુઆરી 1852, બેલીગ્લાસ, કાઉન્ટી મેયો, આયર્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1933, લંડન, યુ.કે.) : આઇરિશ લેખક. અંગ્રેજી સાહિત્યમાં પ્રકૃતિપરક અથવા વાસ્તવલક્ષી નવલકથાના તેઓ આદ્ય પ્રણેતા લેખાય છે. તેમની સૌથી જાણીતી નવલકથા ‘એસ્થર વૉટર્સ’(1894)માં ધાર્મિક મનોવૃત્તિની યુવતી તથા તેના અવૈધ પુત્રની કથાની પશ્ચાદભૂમિકામાં પ્રતિકૂળતા તથા ગરીબી સામેના એ યુવતીના સંઘર્ષનું રોચક નિરૂપણ છે.

જ્યૉર્જ મૂર

લશ્કરમાં જોડાવાની ર્દષ્ટિએ તેમનો ઉછેર થયો હતો, પરંતુ તેમણે તો સ્વૈરવિહારપૂર્વક લંડનમાં જીવવાનું પસંદ કર્યું. 1870માં તેમના પિતાનું અવસાન થતાં તેઓ પૅરિસમાં શોખીન કલાકાર અને લેખક તરીકે જીવવા લાગ્યા. 1901થી 1911 સુધી તેઓ ડબ્લિનમાં રહ્યા અને ત્યાં ડબ્લ્યૂ. બી. યેટ્સને આઇરિશ લિટરરી થિયેટર(પછીથી ઍબી થિયેટરના અંગરૂપ થિયેટર)માં સહાય કરવામાં પ્રવૃત્ત બન્યા. તેમણે લખેલાં નાટકોમાં ‘ધ સ્ટ્રાઇક ઍટ આરલિંગ્ટન’ (1893) તથા ‘ધ બેન્ડિંગ ઑવ્ ધ બાઉ’(1900)નો સમાવેશ થાય છે. બાલ્ઝાક, ફ્લોબેર તથા ઝોલા જેવા લેખકોનો તેમના પર પુષ્કળ પ્રભાવ પડ્યો હતો અને આયર્લૅંન્ડના સાહિત્યિક રેનેસાંસમાં તેમની કૃતિઓનો અગ્રગણ્ય ફાળો રહ્યો. એમની એવી કૃતિઓમાંના ‘ધી અનટાઇટલ્ડ ફીલ્ડ’ (1903) નામના ટૂંકી વાર્તાઓના સંગ્રહમાં જૅમ્સ જૉઇસ, ફ્રૅન્ક ઓ’કૉનર તથા સીન ‘ઓ’ફાઓલેન જેવા લેખકોની સ્પષ્ટ અસર ઝિલાઈ હતી.; આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક નવલકથા ‘ધ લેક’ (1905) તથા નવલત્રયી ‘હેલ ઍન્ડ ફેરવેલ’ નામની આત્મકથાત્મક રચના ગણનાપાત્ર રચનાઓ છે. આ નવલત્રયીમાં 10 વર્ષના ડબ્લિન-નિવાસનો તાર્દશ વૃત્તાંત છે તેમજ તેમાં તેમણે પોતાના સાહિત્યિક સાથીઓનું દુર્ભાવ-પ્રેરિત વ્યંગ્યપૂર્ણ  વર્ણન કર્યું છે.

કાવ્યલેખન ક્ષેત્રે તેમણે ‘ફ્લાવર્સ ઑવ્ પૅશન’ (1878) તથા ‘પેગન પોએમ્સ’ –એ કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘મૉડર્ન પેઇન્ટિંગ’ (1893) નામની વિવેચનાત્મક કૃતિમાં તેમણે ફ્રેન્ચ પ્રતીકવાદનો બચાવ કર્યો છે. કારકિર્દીના છેલ્લા તબક્કા દરમિયાન, તેમણે ‘બ્રુક કેરિથ’ (1916) તથા ‘હેલૉઇઝ ઍન્ડ ઍબિલાર્ડ’ (1923) જેવી કૃતિઓમાં ઇતિહાસને રંગદર્શી ઓપ આપી આલેખવાનો અભિગમ અપનાવેલો.

મહેશ ચોકસી