મૂર, ટૉમસ (સર) (જ. 1478; અ. 1535) : અંગ્રેજ રાજનીતિજ્ઞ. લંડન અને ઑક્સફર્ડ ખાતે તેમણે શિક્ષણ મેળવ્યું, પછી 4 વર્ષ ખ્રિસ્તી મઠમાં રહ્યા. લૅટિન ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ નવા વિચારપ્રવાહોના સતત સંપર્કમાં રહેતા તેમજ તે યુગના અગ્રણી બુદ્ધિજીવીઓ – કૉલેટ, લીલી અને ઇરૅસ્મસ સાથે ઘનિષ્ઠ મિત્રતાને કારણે પ્રખર માનવવાદી બન્યા. તેઓ લંડનના સફળ ઍડ્વોકેટ હતા. હેનરી આઠમા સાથે ઘનિષ્ઠ સંબંધોને કારણે તેમણે રાજાના સલાહકાર, નાણામંત્રી (1521), અને લૉર્ડ ચાન્સેલર (1532) જેવા બ્રિટનના મહત્વના રાજકીય હોદ્દાઓ શોભાવેલા.

ખરાબ તબિયતને કારણે તથા કદાચ રાજા હેનરીની નીતિઓ અંગે વધતા જતા મતભેદોને કારણે તેમણે રાજીનામું આપ્યું. અંગ્રેજ ચર્ચના વડા તરીકે રાજા હેનરીને સ્વીકારવાની તેમણે ના પાડી, આથી રાજ્યદ્રોહના આરોપસર તેમને જેલ(1534)માં પૂરવામાં આવેલા અને તેમનો શિરચ્છેદ (1535) કરવામાં આવ્યો હતો.

ઊંડી ધાર્મિક માન્યતા ધરાવતા સૌંદર્યવાન, આનંદી અને નિર્ભય વ્યક્તિત્વવાળા ખાનદાન નબીરા તરીકે સમાજમાં તેમની પહેચાન હતી.

સર ટૉમસ મૂર

તેમના લૅટિન ભાષાના ગ્રંથ ‘યુટોપિયા’(1516)માં સંપૂર્ણપણે તર્કસંગતિને આધારે સ્થપાયેલા આદર્શ રાજ્યની વાત છે. ‘ધ લાઇફ ઑવ્ જૉન પીક્સ, અર્લ ઑવ્ મીરાન્દુલા’ (1510) તેમના અન્ય ગ્રંથ છે. તેમના ‘અ હિસ્ટરી ઑવ્ રિચાર્ડ થર્ડ’ ગ્રંથને આધારે શેક્સપિયરે એક નાટક લખ્યું હતું.

1935માં તેઓ સંતોની શ્રેણીમાં મુકાતાં ખ્રિસ્તી સંત તરીકે જાણીતા થયા.

રક્ષા મ. વ્યાસ