મૂર, ચાર્લ્સ વિલાર્ડ (જ. 31 ઑક્ટોબર 1925, બેન્ટન હાર્બર, મિશિગન; અ. 16 ડિસેમ્બર 1993 ઑસ્ટિન, ટેક્સાસ)  : અમેરિકાના સ્થપતિ, શિક્ષક અને લેખક. 1960 પછીના દાયકામાં સ્થાપત્યની આંતરરાષ્ટ્રીય શૈલી પરત્વે ઉદભવેલી પ્રતિક્રિયાના તેઓ અગ્રેસર સ્થપતિ હતા. તેમણે રચેલી સુખ-સગવડભરી અને સુંદર દેખાવની ઇમારતો વ્યવસાયી વર્ગમાં તેમજ સામાન્ય પ્રજાવર્ગમાં પ્રભાવક બની રહી. એમના આવા સર્વવ્યાપક સ્વીકારમાં જ અનુઆધુનિક સ્થાપત્યનું સામર્થ્ય પ્રગટ થાય છે.

તેઓ મિશિગન (1944) તથા પ્રિન્સટન (1957) યુનિવર્સિટીઓના સ્નાતક હતા. તેઓ બર્કલી ખાતેના ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કિટેક્ચરના અધ્યક્ષ (1962–65) પણ રહ્યા હતા. તે પછી 1965–69 દરમિયાન તેઓ એવા જ પદે યેલ યુનિવર્સિટીમાં રહ્યા. ત્યાં જ તેઓ ડિઝાઇન અને પ્લાનિંગ વિદ્યાશાખાના ડીન (1969–71) બન્યા. 1974માં તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સ્થાપત્યના પ્રાધ્યાપક નિમાયા. મૂર તથા તેમના પ્રિન્સટન ખાતેના 2 વિદ્યાર્થીઓ ડૉનલિન લિંડન તથા વિલિયમ ટર્નબુલે બર્કલી ખાતે રૉબર્ટ વિટેકરના સહયોગથી સ્થાપત્યનો વ્યવસાય આરંભ્યો.

તેમની રચેલી ઇમારતોમાં ખાનગી વ્યક્તિઓનાં નાનાં મકાનો (જેમ કે ઑરિન્ડા, કૅલિફૉર્નિયામાં આવેલું તેમનું પોતાનું મકાન, 1962) તથા અબજો ડૉલરના ગૃહનિર્માણ-સંકુલો (જેમ કે ‘ધ સી રૅન્ચ’ ક્લેન્ડૅલ, કૅલિફૉર્નિયા, 1965; હટિંગ્ટન પ્લાઝા, લાગ આઇલૅન્ડ, ન્યૂયૉર્ક, 1974)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાણિજ્યિક પરિયોજનાઓ તથા જાહેર કામોની પરિયોજનાઓ (ગટર-પાણીની પ્રક્રિયાનો પ્લાન્ટ, કોલ્ડ સ્પ્રિંગ હાર્બર, ન્યૂયૉર્ક, 1974) જેવાં વિવિધ નિર્માણો પણ તેમના દ્વારા થયાં છે.

તેમણે પરંપરાગત શૈલી, રંગોનો ઉપયોગ તથા સુશોભન જેવી લાક્ષણિકતાઓનો સ્થાપત્યમાં પુન:પ્રસાર કર્યો તથા પ્રકાશ-આયોજન અંગે નવતર અભિગમ પ્રયોજ્યા. તેમણે પોતાની સ્થાપત્ય–કામગીરી વિશે લિન્ડન અને જેરાલ્ડ ઍલન સાથે ‘ધ પ્લૅસ ઑવ્ હાઉસિઝ’ (1974) તથા કેન્ટ સી. બ્લૂમરના સહયોગમાં ‘બૉડી, મીનિંગ ઍન્ડ આર્કિટેક્ચર’ (1977) નામક કૃતિઓ પ્રગટ કરી છે.

મહેશ ચોકસી