મૂર, આર્ચી (જ. 13 ડિસેમ્બર 1913 અથવા 1916, બૅનૉઇટ, મિશિગન; અ. 9 ડિસેમ્બર 1998, સૅન ડાયેગો, કેલિફોર્નિયા) : અમેરિકાના જાણીતા મુક્કાબાજ. મૂળ નામ આર્ચિબાલ્ડ લી રાઇટ. તેમના કહેવા મુજબ તેમની સાચી જન્મતારીખ વિશે કોઈ ચોકસાઈ નથી. તેઓ અત્યારે પણ સૌથી મોટી વયના મુક્કાબાજ છે. લાઇટ-હેવી વેટના કોઈ પણ અન્ય ચૅમ્પિયન કરતાં તેમણે એ પદક વધારે લાંબો સમય (9 વર્ષ અને એક મહિનો) ભોગવ્યું. તેમણે જૉય મૅક્સિમને લાઇટ-હેવી ટાઇટલના પદક માટે 1952માં હાર આપી ત્યારે તેમની વય 36 (કે 39) વર્ષની હતી. તેમણે વ્યવસાયી ધોરણે કુલ 228 મુક્કા-સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને તેમાંથી 194માં જીત મેળવી હતી. 141 જેટલા પ્રતિસ્પર્ધીઓને હરાવીને વિક્રમ સ્થાપ્યો હતો. 1962માં કૅસિયસ ક્લેની સામે તેમનો પરાજય થયો અને પછી 1968માં તેઓ નિવૃત્ત થયા.

મહેશ ચોકસી