મૂર : પ્રાચીન કાળમાં આફ્રિકાના વાયવ્ય પ્રદેશમાં વસતા અરબી અને બર્બર મુસ્લિમો. તેમનો પ્રદેશ મોરેતાનિયા કહેવાતો હતો. આઠમી સદીની શરૂઆતમાં તેમણે સ્પેન જીતી લીધું. આ લોકોએ બર્બર ભાષા ઉપરાંત અરબી ભાષા પણ અપનાવી હતી. સ્પેનની મોટાભાગની ઇસ્લામી ઇમારતો આ પ્રજાનું પ્રદાન છે. મધ્ય યુગમાં મૂર સંસ્કૃતિ અરબી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી હતી. તેરમી સદીમાં મૂર લોકોએ સ્પેનમાંના તેમના પ્રદેશો ગુમાવ્યા અને તેઓ સત્તાવિહીન થયા. સ્પેનના રાજા ફર્ડિનાન્ડે 1492માં મૂર લોકોને સ્પેનમાંથી હાંકી કાઢ્યા. તેથી તેઓ ઉત્તર આફ્રિકામાં જઈને નિરાશ્રિત તરીકે વસ્યા. આફ્રિકાના વાયવ્ય ખૂણે આવેલા દેશ મોરૉક્કોમાં તેમની વસ્તી ઘણી વધારે છે અને મૂર લોકોના નામ પરથી જ એ દેશનું નામ ‘મોરૉક્કો’ પડ્યું છે. હાલમાં આફ્રિકાના વાયવ્ય વિસ્તારમાં વસતા અને અરબી ભાષા બોલતા બધા મુસ્લિમો મૂર કહેવાય છે. ફિલિપાઇન્સ અને શ્રીલંકાના મુસ્લિમો પણ મૂર કહેવાય છે.

રસેશ જમીનદાર