મૂર્તિ, ચિદાનંદ (જ. 10 મે 1931, હીરેકોગલુર, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમના વિવેચનગ્રંથ ‘હોસતુ હોસતુ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા પીએચ. ડી. ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના વિષયમાં ઉચ્ચ સંશોધન કર્યું. વિભિન્ન વિષયોને લગતાં તેમનાં 19 પુસ્તકોમાં ઊંડી વિદ્વત્તા જોવા મળે છે; તે ઉપરાંત તેમણે લખેલા 300 ઉપરાંત સંશોધન-લેખો રાષ્ટ્રીય તેમ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા પામ્યા છે. તેમણે મૈસૂર તથા બૅંગલૉર યુનિવર્સિટીમાં કન્નડ ભાષાના પ્રાધ્યાપક તરીકે અધ્યાપન કર્યું છે. સરળ અને પ્રવાહી ગદ્ય-શૈલીમાં લખાયેલી તેમની મુખ્ય કૃતિઓમાં ‘બસવણ્ણા, લિંગાયત અધ્યયનગલુ’ અને ‘ગ્રામીણા’ ઉલ્લેખપાત્ર છે.
કર્ણાટકમાં ‘રાજ્યોત્સવ ઍવૉર્ડ’ સહિત તેમને સંખ્યાબંધ પુરસ્કારો તથા સાહિત્યલક્ષી ઍવૉર્ડ મળ્યા છે.
તેમના પુરસ્કૃત વિવેચન-ગ્રંથમાં કન્નડ સાહિત્ય, સંસ્કૃતિ તથા ઇતિહાસનાં વિવિધ પાસાં પરત્વે ભરચક માહિતી અપાઈ છે. કન્નડ સંસ્કૃતિની બૌદ્ધ તથા તાંત્રિક લક્ષણ-વિશેષતાના સંશોધન વિશે તેમજ હમ્પી અને શ્રવણ બેલગોડાના ઇતિહાસ વિશે તેમણે વિશેષ રુચિ અને લગાવ દર્શાવ્યાં છે. પ્રખર વિદ્વત્તા, વિશ્લેષણની સૂક્ષ્મ સૂઝ અને તાર્કિકતા ઉપરાંત ઉત્તમ ગદ્યશૈલીને પરિણામે આ ગ્રંથ કન્નડ ભાષાની સાહિત્યિક-સાંસ્કૃતિક વિવેચનામાં ઉત્તમ લેખાયો છે.
મહેશ ચોકસી