મૂર્તિપૂજા : અરૂપ, અવ્યક્ત, અગોચર અને નિરાકાર એવા પરમ તત્વની સરૂપ, વ્યક્ત, ગોચર અને સાકાર રૂપે પ્રતીતિ જે મૂર્ત આલંબનો કે પ્રતીકો દ્વારા થાય તેમનું પૂજન-અર્ચન કરવાની પરંપરાગત ભક્તિમૂલક હિંદુ વિધિ, જેનું વિશેષભાવે અનુસંધાન જૈન, બૌદ્ધ, શીખ આદિ ધર્મ-સંપ્રદાયોમાં પણ જોઈ શકાય છે.

ભારત ધર્મપ્રાણ દેશ છે. મૂર્તિ પૂજાનું અહીં વિશિષ્ટ મહત્વ છે. નિરાકારનું પ્રાણપ્રતિષ્ઠાથી કોઈ મૂર્ત આકારમાં ભાવનિરૂપણ કરવામાં આવે ત્યારે તે મૂર્ત આકાર–મૂર્તિપૂજ્ય બને છે. શાસ્ત્રીય ર્દષ્ટિએ મનોવિકાસમાં, જીવનવિકાસમાં મૂર્તિપૂજા અત્યન્ત સહાયક થાય છે. ઋષિમુનિઓના મતાનુસાર ઉપાસના માટેનું સાધન સગુણ જ હોવું જોઈએ, ઇન્દ્રિયોને તે પ્રત્યક્ષ થવું જોઈએ. જે પ્રત્યક્ષ ન હોય તેની ઉપાસના કષ્ટદાયી થઈ પડે છે. क्लेशोडधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । (ગીતા, 12-5)]

ઋષિઓને તે ચિદધન શક્તિનાં પોતાની ભાવના મુજબ દર્શન થયાં અને તેનું તેમણે વર્ણન કર્યું, કલાકારે તેને પોતાની કલામાં ઉતાર્યું. આમ મૂર્તિનું સર્જન થયું.

સગુણ-ઉપાસના જેવી કોઈ દિવ્ય કલ્પના નથી અને તેના જેવો કોઈ આનંદ નથી. સગુણોપાસનામાં નિત્યનવીન ભાવોની નિર્મિતિ છે. શાસ્ત્રીય ર્દષ્ટિથી સગુણોપાસનામાં વસ્તુ(મૂર્તિ-પ્રતીક)ની પૂજા છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે ઋગ્વેદમાં મૂર્તિપૂજાનો ઉલ્લેખ નથી; તે પાછળથી પ્રચલિત થઈ લાગે છે. મૂર્તિપૂજા એ અધૂરા વિકસેલા માનસનું લક્ષણ છે, એમ હંમેશાં મનાયું છે. માણસને પોતાનાં જેવાં જ રૂપગુણવાળો ઈશ્વર પૂજવો ગમે છે; એટલે તે ઈશ્વરની ભભકભરી, અને ચિત્રવિચિત્ર આકૃતિઓ કલ્પે છે. માણસ પોતાના મનની કલ્પનાઓને પ્રતીકો તથા કલાકૃતિઓ સિવાય બીજી રીતે વ્યક્ત કરી શકતો નથી. એણે કલ્પેલાં કે ઘડેલાં પ્રતીકો પરબ્રહ્મનું યથાર્થ રૂપ પ્રગટ કરવા ભલે ગમે તેટલાં અસમર્થ હોય, છતાં જ્યાં લગી તે આત્માને પરમાત્મપ્રાપ્તિની સાધનામાં મદદ કરે છે, ત્યાં સુધી તેમને સ્વીકારી લેવામાં આવે છે. મૂર્તિ કે પ્રતીક, ઉપાસનાનો સાચો માર્ગ દેખાડતાં હોય તો તેનો ત્યાગ ઇષ્ટ નથી. આમ તો જગતમાં પ્રત્યેક વસ્તુ પરમેશ્વરનું જ સ્વરૂપ છે. એ નિરાકાર સાકાર રૂપ ધારણ કરે છે. પછી તે આકાર શિવનો હોય કે વિષ્ણુનો, ગણપતિનો હોય કે ભવાનીનો. તે આકારમાં, મૂર્તિમાં ઉપાસકનું ચિત્ત એકાગ્ર થાય છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’માં કવિ પુષ્પદંત કહે છે : ‘હે મહેશ્વર, તમે કેવા છો કે તમારું તાત્વિક સ્વરૂપ કેવું છે તે હું જાણતો નથી; પરંતુ હે મહાદેવ ! તમે જેવા છો તેવા, તમને મારા વારંવાર નમસ્કાર હો !’ મૂર્તિપૂજા એ એક સાધન માત્ર છે, એ બાબત વિચારશીલ હિન્દુ કદી ભૂલતો નથી. બાકી અગ્નિપુરાણમાં જણાવ્યું છે તેમ ‘અંતતોગત્વા, યોગીઓ શિવને પોતાના આત્મામાં જુએ છે, પ્રતિમાઓમાં જોતા નથી.’

હિંદુ ધર્મે જે ધાર્મિક વાતાવરણ પેદા કર્યું છે, તેમાં ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન સમાયેલું છે. મૂર્તિપૂજા તેમાં સીધી રીતે સંલગ્ન છે. એ મૂર્તિપૂજાને અનુલક્ષીને જ મૂર્તિવિધાનની સુંદર અને ભવ્ય કલા પણ નિર્માણ થયેલી છે. પૂજન માટેની મૂર્તિઓ બનાવવા માટેના વિશિષ્ટ સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે. સાંસ્કૃતિક ઇતિહાસના સાધન તરીકે મૂર્તિવિધાનનું મહત્વ, તેના માટેના પદાર્થો (પથ્થર, કાષ્ઠ વગેરે) અને તેની શિલ્પપદ્ધતિઓ, મૂર્તિઓનાં દેહમાન, અંગઉપાંગ, આભૂષણો, આયુધો, ઉપકરણો, વાહનો વગેરેની ચર્ચા કરતા ગ્રંથો આજે જિજ્ઞાસુઓ માટે ઉપલબ્ધ છે. મૂર્તિવિધાન માટે ઉત્તર ભારતીય તથા દક્ષિણ ભારતીય પરંપરાઓ વચ્ચેના ભેદ પણ લક્ષમાં લેવા જેવા છે.

હિન્દુ ધર્મની વિભિન્ન શાખાઓના કેન્દ્રમાં કોઈ ને કોઈ એક ઇષ્ટદેવ હોય છે, જેની વિશિષ્ટતા પર જે તે સંપ્રદાયની વિશિષ્ટતા પણ અવલંબતી હોય છે.

વૈષ્ણવ ધર્મમાં વિષ્ણુ સર્વોપરી દેવ તરીકે પૂજાય છે. પ્રાચીન ઋષિઓએ વૈદિક વિષ્ણુની કલ્પના એક વ્યાપક દેવના રૂપમાં કરી છે. બ્રાહ્મણ ગ્રંથોમાં વિષ્ણુ અધિદેવ બનતા ગયા. ઉપનિષદોમાં વિષ્ણુનું દેવાધિદેવત્વ પૂર્ણ રૂપે પ્રતિષ્ઠિત થયેલું જોવા મળે છે. સૂત્રગ્રંથો તથા મહાભારતકાળમાં પણ વિષ્ણુનું સર્વશ્રેષ્ઠ અધીશ્વરત્વ જોવા મળે છે. પાંચરાત્રોમાં ચતુર્વ્યૂહ દર્શાવ્યા છે. ભાગવત ધર્મમાં વાસુદેવ-કૃષ્ણભક્તિનો પ્રસાર થયો છે. શૈવ ધર્મની વિભિન્ન પરંપરાઓ તથા તેના વિભિન્ન સંપ્રદાયો પ્રચલિત છે. શિવની પૂજા શિવલિંગ રૂપે તથા પશુપતિ શિવના રૂપમાં થતી જોવા મળે છે. શાક્ત સંપ્રદાય અનુસાર શક્તિને લીધે જ શિવ, વિષ્ણુ, બ્રહ્મા આદિ તમામ દેવતાઓ શક્તિવિશિષ્ટ બની કામગીરી બજાવે છે. પૌરાણિક અને આગમ એમ બન્ને પરંપરાઓમાં દેવીનાં વિભિન્ન અવસ્થાસૂચક રૂપોની પૂજા થાય છે. વૈદિક સાહિત્યમાં (રુદ્રાણી, ઇન્દ્રાણી, ભવાની આદિ) અને મહાભારતમાં (દુર્ગાસ્તુતિ) શક્તિપૂજાના ઉલ્લેખો છે. સૌર સંપ્રદાયમાં સૂર્યની તથા ગાણપત્ય સંપ્રદાયમાં ગણપતિની ઉપાસના થાય છે. બૌદ્ધ ધર્મ નિરીશ્વરવાદી હોઈ તેમાં મૂર્તિપૂજાને સ્થાન ન હતું, પણ બુદ્ધના નિર્વાણ પછી સમય જતાં બ્રાહ્મણ અને જૈન ધર્મની સામે ટકી રહેવા માટે તેમાં પણ મૂર્તિપૂજાની – પ્રતિમાઓ અને પ્રતીકોની – પૂજા દાખલ થઈ ગઈ. જૈન ધર્મમાં પણ સૃષ્ટિના સર્જનહાર એવા કોઈ ઈશ્વરની કલ્પનાને સ્થાન નથી; પરંતુ તેમાં પણ તીર્થંકરોની મૂર્તિઓ બનાવી તેની વિધિપુર:સર ઉપાસના-પૂજા કરવામાં આવે છે.

વિધિ બાહ્યોપચાર અથવા સાધન શાસ્ત્રોક્ત ન હોય તો પણ ઇતર દેવતાનું શ્રદ્ધાથી એટલે કે તેમાં પરમેશ્વરની શુદ્ધ ભાવના રાખીને (यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी) યજન કરનાર ઈશ્વરનું જ યજન કરે છે. મૂર્તિમાં પરમેશ્વરનું જો ભાવનિરૂપણ કરવામાં ન આવે તો તે પૂજા દ્વારા કોઈ અર્થ સરતો નથી. જ્યાં સુધી ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ શકે એવી કોઈ પણ સ્થિર વસ્તુ–આધાર–મનની સામે ન હોય ત્યાં સુધી મન કશામાં સ્થિર થતું નથી; અને મન સ્થિર ન થાય તો ઉપાસના સંભવી શકતી નથી અને ઉપાસના ન હોય તો જીવનના પરમ ધ્યેયની પ્રાપ્તિ શક્ય થતી નથી. શંકરાચાર્ય જેવા પ્રખર નિર્ગુણ બ્રહ્મવાદી પણ સગુણ, સાકાર ભગવાનના ગુણ પ્રેમપૂર્વક ગાય છે.

કેટલાક લોકો એવી ટીકા કરે છે કે મૂર્તિપૂજા એ તૂત છે, ઘેલછા છે. જીવનવિકાસ માટે, જીવનની પરમોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તેની આવશ્યકતા નથી. મૂર્તિપૂજા સામે આર્યસમાજીઓ શી રીતે વાંધો લઈ શકે છે તે સમજાતું નથી. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ, ‘तस्य प्रतिमा नास्ति’ એનો મૂર્તિપૂજાના પ્રશ્ન સાથે કોઈ પણ સાક્ષાત્ સંબંધ નથી. યજ્ઞની વેદિ ઉપર અગ્નિ પ્રગટાવીને અગ્નિમાં પરમેશ્વરની (વિશ્વદેવની) ભાવના કરવી અથવા તો અગ્નિ દ્વારા પરમેશ્વરને ભજવો અને જળાધારી ઉપર શિવની મૂર્તિ સ્થાપીને એ મૂર્તિમાં પરમેશ્વરની ભાવના કરવી અથવા તો એ મૂર્તિ દ્વારા પરમેશ્વરને ભજવો, એમાં શો ભેદ છે ? સાદો પથ્થર વાપરો કે આરસપહાણની મૂર્તિ કરો, દીવો પ્રજવાળો કે પુસ્તક પધરાવો – એ સર્વ જેમ સરખાં જ છે, તેમ અગ્નિ પ્રકટાવીને પરમાત્માનું યજન કરો કે શિવલિંગ બનાવીને કરો એમાં ફેર નથી.

મૂર્તિપૂજા એ ખરી ધાર્મિકતાનો ઉદગાર છે. પરમતત્વને પ્રત્યક્ષ કરી તેને જોવા, સેવવા અને આલિંગવાનો એમાં યત્ન છે. પરમેશ્વર સચરાચરમાં વ્યાપી રહેલો છે; તે જગતથી પર (transcendent) તેમજ જગતમાં અનુસ્યૂત (immanent) પણ છે એ વાત ભૂલી જઈ, ઉપર સ્વર્ગમાં બેઠેલો પરમાત્મા છે અને તેની મૂર્તિથી તે ભિન્ન છે એવી ભ્રાન્તિમાં પડી, અન્ય ધર્માવલંબીઓનું અનુકરણ કરી, અર્વાચીન સુધારકો મૂર્તિપૂજાનું ખંડન કરવા જાય છે તે બરાબર નથી. મૂર્તિપૂજા, ગાંધીજી કહે છે એમ, મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. મનુષ્ય કંઈ ને કંઈ સ્થૂળ વસ્તુને માનવા-પૂજવા પ્રેરાય છે. માણસ બીજી જગાના કરતાં મંદિર કે દેવાલયમાં જ કંઈકે વધારે શાંત અને સાત્વિક મનોવૃત્તિવાળો બને છે, એનું રહસ્ય બીજું શું છે ? મૂર્તિપૂજા એ પરમાત્માને સંકડાવી નાખવાના પ્રયત્નમાંથી નીકળી નથી, બલકે એનો અવ્યવહિત રીતે સાક્ષાત્કાર કરવાની ઉત્સુકતામાંથી ઉદભવી છે. પછીના વખતમાં મૂર્તિપૂજામાં કાં તો ધંધાકીય ભાવ આવ્યો, અથવા તો યાંત્રિક જડતા પ્રવેશી ગઈ; તેથી કદાચ મૂર્તિપૂજામાંથી લોકોની શ્રદ્ધા ડગતી જતી જોવા મળે છે. મૂર્તિપૂજાનું સાધન પવિત્ર છે, પણ સ્વાર્થી લોકોએ તેને ભ્રષ્ટ કર્યું છે. મૂર્તિનો આકાર કાલ્પનિક હોવાના ખ્યાલમાત્રથી ગેરમાર્ગે ન દોરાવાય તે જોવું જરૂરી છે. મૂર્તિની તાકાત સમજવા માટે, તેની પૂજા માટે શક્તિ અને કૌશલ્ય અપેક્ષિત છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ