મૂરે, જોસેફ (જ. 1 એપ્રિલ 1919, મિલફોર્ડ, મેસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 26 નવેમ્બર 2012, બોસ્ટન, મેસેચૂસેટ્સ, યુ.એસ.) : સન 1990ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિકના ડૉનેલ ટૉમસ સાથેના અમેરિકી સહવિજેતા. વેસ્ટનની બ્રિગહામ અને વિમૅન્સ હૉસ્પિટલમાં કાર્ય કરતાં તેમને પેશી પ્રત્યારોપણના વિષયમાં સંશોધનો માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયાવિદ (plastic surgeon) તરીકે તેમને ચામડીના નિરોપ અને પેશી પ્રત્યારોપણમાં રસ પડ્યો. સમજનીની જોડકાં(identical twins)ની
ચામડીનો સહેલાઈથી સ્વીકાર થતો જોઈને પેશી પ્રત્યારોપણમાં પણ તેવું હશે એવું તેમણે વિચાર્યું. પહેલાં જોડકાં કૂતરાંઓ પર સફળ પ્રયોગ કરીને 1954માં તેમણે જોડકા સહોદરોમાં મૂત્રપિંડનું સફળ પ્રત્યારોપણ કરી બતાવ્યું. ત્યારબાદ પ્રતિરક્ષાને દબાવવાના કૂતરાંઓ પર પ્રયોગો કર્યા અને તેની સફળતા બાદ પ્રતિરક્ષા દબાવતાં ઔષધોની મદદથી નજીકનાં સગાં અને અન્ય વ્યક્તિઓનાં પેશીદાન કે અવયવદાનનું સફળ પ્રત્યારોપણ કરી બતાવ્યું. તેમની સાથેના સહવિજેતા ટૉમસે લોહી બનાવતી અસ્થિમજ્જાપેશીનું પ્રત્યારોપણ કરી બતાવ્યું હતું.
શિલીન નં. શુક્લ