મૂરીલ્યો, બાર્થોલો મ એસ્ટેબાન

February, 2002

મૂરીલ્યો, બાર્થોલો મ એસ્ટેબાન (જ. 1617, સેવિલ, સ્પેન; અ. 1682, કાર્ડિઝ, સ્પેન) : સ્પેનના પ્રસિદ્ધ બરોક ચિત્રકાર. 1645માં તેમણે સાન ફ્રાન્સિસ્કો કૉન્વેન્ટ માટે 11 નોંધપાત્ર ચિત્રો તૈયાર કર્યાં અને તેનાથી તે ખ્યાતિ પામ્યા. 1660માં તેમણે ‘એકૅડેમી ઑવ્ સેવિલ’ની સ્થાપના કરી અને તે સંસ્થાના તે પ્રથમ અધ્યક્ષ બન્યા. કારાવાજિયોની શૈલીમાં ચિત્રાલેખન કરનાર સ્પેનિશ ચિત્રકાર ઝુર્બારાનના તે મહત્વના અનુગામી ચિત્રકાર લેખાયા. મૂરીલ્યોના ચિત્રોમાં ચિત્રકારો રેમ્બ્રાં, રુબેન્સ, રેની અને જ્વેર્ચિનોની શૈલીઓનું અદભુત સંયોજન અને લાવણ્યપૂર્ણ શૈલી જોવા મળે છે. યુરોપના આ વિવિધ ચિત્રકારોની અસરને કારણે તેમનાં ચિત્રોમાં સર્વદેશીય તત્વ ઊપસી આવવા ઉપરાંત સ્પેનનાં સ્થાનિક લક્ષણોનો પણ બળકટ આવિષ્કાર થયો છે. ચહેરા પરના કુમળા ઋજુ ભાવ, મનોહર રંગઆયોજન અને મૃદુ ચિત્રાંકન માટે મૂરીલ્યો જાણીતા છે. તેમનાં મોટાભાગનાં ચિત્રો ખ્રિસ્તી ધર્મને લગતાં છે. અનેક વાર તેમણે ‘ઇમેમ્યૂલેટ કન્સેપ્શન’ અથવા ‘ઍઝમ્પ્શન ઑવ્ ધ વર્જિન’નો વિષય પસંદ કર્યો છે. બીજા વિષય-વર્ગનાં તેમનાં ચિત્રોમાં ખાસ કરીને કારકિર્દીની શરૂઆતનાં વર્ષોનાં ચિત્રોમાં નીચલા સ્તરમાંથી એટલે કે જિપ્સી અને ભિક્ષુક બાળકો જેવા વિષયો પસંદ કર્યા છે. કારકિર્દી તેમણે સેવિલ નગરમાં વિતાવી. સમગ્ર યુરોપ અને મેક્સિકોમાં તેમનો બહોળો અનુયાયી વર્ગ ઊભો થયો, પરંતુ તેમાંથી મોટાભાગના ચિત્રકારો માત્ર અનુકરણમાં જ રાચતા રહ્યા. એ ચિત્રકારોનાં નિર્જીવ ફિક્કાં અનુકરણોને પરિણામે અઢારમી અને ઓગણીસમી સદીમાં મૂરીલ્યોની આંતરરાષ્ટ્રીય ખ્યાતિને હાનિ પહોંચી હતી. 1682માં કાર્ડિઝ ખાતે એક કથીડ્રલમાં પ્રભુભોજનની વેદી પાછળનું ચિત્ર દોરતી વખતે માંચડા પરથી પડી જવાથી તે મૃત્યુ પામ્યા.

અમિતાભ મડિયા