મૂર્ચ્છા (syncope) : અચાનક થઈ આવતી અલ્પકાલીન બેભાનાવસ્થા અને મગજના રુધિરાભિસરણની અપર્યાપ્તતા(inadequacy)ને કારણે અંગવિન્યાસ (posture) જાળવી રાખવાની ટૂંકા સમયની મુશ્કેલી. વ્યક્તિના ઊઠવા-બેસવાના અંગઢંગને અંગવિન્યાસ કહે છે. મૂર્ચ્છામાં વ્યક્તિ પોતાના દેહની સ્થિતિ યથાવત્ જાળવી શકતી નથી. મૂર્ચ્છા થયા પછી સામાન્ય રીતે કોઈ પણ સારવાર કે પુનશ્ચેતન(resuscitation)ની ક્રિયા કર્યા વગર ટૂંકા સમયમાં સભાનાવસ્થા અને અંગવિન્યાસી સ્નાયુસજ્જતા (postural tone) પાછાં આવે છે. મોટી ઉંમરે તેનું સવિશેષ પ્રમાણ જોવા મળે છે. તે ઉપરાંત હૃદયરોગના દર્દીઓ અને યુવાન સ્ત્રીમાં પણ તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. પુખ્ત વયની લગભગ ત્રીજા ભાગની વ્યક્તિઓને તે ઓછામાં ઓછી એક વખત થઈ આવે છે અને તેને કારણે સંકટકાલીન સારવારકક્ષ(emergency clinic)માં આવતા દર્દીઓના 3 % દર્દીઓને મૂર્ચ્છાનો વિકાર થયેલો હોય છે. મૂર્ચ્છા થવાનાં મુખ્ય કારણોમાં હૃદય, નસો કે મગજ(ચેતાતંત્ર)ના વિકારોનો સમાવેશ થાય છે. શરૂઆતની તપાસમાં લગભગ અર્ધા જેટલા કિસ્સામાં કારણ જાણી શકાય છે. હૃદયની તકલીફ ન હોય તો અન્ય મોટાભાગના કિસ્સામાં સારવારનું પરિણામ સારું રહે છે. સામાન્ય રીતે તે અચાનક થઈ આવે છે, ટૂંકસમય માટે રહે છે અને ઘણી વખતે તે સમયે ઈજા થાય છે. ટૂંકસમયમાં, ઝડપથી સંપૂર્ણ સભાનાવસ્થા પાછી આવે છે. નસોના સંકોચનના વિકારને લીધે થતી મૂર્ચ્છાને વાહિની-સંચલનજન્ય મૂર્ચ્છા (vasomotor syncope) કહે છે. જો ઊભા થતાં મૂર્ચ્છા આવી જાય તો તેને અંગવિન્યાસી (postural) મૂર્ચ્છા કહે છે. હૃદયરોગ કે ચેતાતંત્રના વિકારને કારણે મૂર્ચ્છા આવે તો તેને અનુક્રમે હૃદયરોગજન્ય (cardiogenic) અને ચેતાજન્ય (nurogenic) મૂર્ચ્છા કહે છે.

વાહિનીસંચલનજન્ય (vasomotor) મૂર્ચ્છા : શરીરના રુધિરાભિસરણનું નિયંત્રણ કરવા માટે ચેતાતંત્ર નસોમાંના સ્નાયુઓની સંકોચનસજ્જતા(tone)નું નિયમન કરે છે. ચેતાતંત્ર દ્વારા થતું નિયંત્રણ વિવિધ ચેતાપરાવર્તી ક્રિયાઓ (reflex actions) અને બહુવિસ્તારી ચેતા(vagus nerve)માંના ચેતાઆવેગો વડે થાય છે. ખોપરીમાંથી નીકળતી ચેતાઓની દસમી જોડને બહુવિસ્તારી ચેતા કહે છે. જ્યારે પણ બહુવિસ્તારી ચેતાની સક્રિયતા વધુ હોય અથવા નસ-સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયાઓ વિશેષ હોય ત્યારે રુધિરાભિસરણમાં વિષમતા આવે છે અને વ્યક્તિને મૂર્ચ્છા થઈ આવે છે. તેને વાહિની-સંચલનજન્ય મૂર્ચ્છા (vasomotor syncope) કહે છે. તે સમયે હૃદયના ધબકારા ઘટી જાય છે અને લોહીની નસો પહોળી થાય છે. તેને કારણે લોહીનું દબાણ ઘટે છે. યુવાન સ્ત્રીઓ ઊંચાઈ પરથી નીચે જુએ, તણાવપૂર્ણ સ્થિતિમાં આવે કે પીડાકારક સ્થિતિમાં આવે ત્યારે તે ઘણી વખત થાય છે. તેના પૂર્વલક્ષણ રૂપે ચહેરાની ફીકાશ જોવા મળે છે. તે સમયે સૂઈ જવાથી કે ઉત્તેજનાકારી પરિબળને દૂર કરવાથી મૂર્ચ્છા આવી જતી અટકે છે. ખૂબ ખાંસી ચડવી, એકદમ પુષ્કળ પેશાબ થવો અથવા ગળામાંની ધમનીઓને મસળવાની ક્રિયા (massage) કરવા જેવી વિવિધ ક્રિયાઓ બહુવિસ્તારી ચેતામાં સક્રિયતા વધારે છે અને તેને કારણે મૂર્ચ્છા આવે છે. તે સમયે હૃદયના ધબકારા એકદમ ઘટી ગયેલા હોય છે. ક્યારેક ટૂંકસમય માટે હૃદયના ધબકારા બંધ પણ થયેલા હોય છે અથવા તો હૃદયના ઉપલા અને નીચલા ખંડો વચ્ચેનો તાલમેળ તૂટી ગયેલો હોય છે. આ સ્થિતિઓને અનુક્રમે અલ્પહૃદ્તાલ (bradycardia), હૃદયસ્તંભન (cardiac arrest) તથા કર્ણકાનુક્ષેપકીય વિસ્પંદન (atrio-ventricular dissociation) કહે છે. દર્દી મૂર્ચ્છાસર્જક પરિબળથી દૂર રહે તો તે થતી નથી. જે દર્દીઓમાં હૃદયના ધબકારા ઘટવાની કે બંધ થવાની તકલીફ વારંવાર થતી હોય કે લાંબા સમય માટે થતી હોય તેઓ માટે કૃત્રિમ તાલસર્જક (artificial pacer) તરીકે જાણીતા યંત્રની જરૂર પડે છે. આ પ્રકારનું સાધન હૃદયના ધબકારાના દરને જાળવી રાખે છે. હૃદયનાં સંકોચનો અને હૃદયના ધબકારાની વિષમતાને કારણે ઉદભવતી આ પ્રકારની મૂર્ચ્છાને હૃદયરોગજન્ય મૂર્ચ્છામાં પણ સમાવિષ્ટ કરાય છે.

અંગવિન્યાસી (postural) મૂર્ચ્છા : તેને ઉત્તિષ્ઠન-સ્થિતિજન્ય (orthostatic) મૂર્ચ્છા પણ કહે છે. મોટી ઉંમરે, મધુપ્રમેહના દર્દીમાં, સ્વાયત્ત ચેતાતંત્રી વિકારવાળા દર્દીમાં, ખૂબ લોહી વહી ગયું હોય તેવી સ્થિતિમાં, ઝાડા-ઊલટી કે ગરમીને કારણે ખૂબ પરસેવો થઈ ગયો હોય ત્યારે, નસોને પહોળી કરીને લોહીનું દબાણ ઘટાડતી દવાઓ અપાઈ હોય ત્યારે કે મૂત્રવર્ધક ઔષધોના વધુ પડતા ઉપયોગ પછી વ્યક્તિ સૂતા કે બેઠા હોવાની સ્થિતિમાંથી એકદમ ઊભી થાય ત્યારે તેના હૃદય સુધી પહોંચતા લોહીના પુરવઠામાં એકદમ ઘટાડો થાય છે. તેને કારણે હૃદય પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો શરીર અને ખાસ કરીને મગજમાં ધકેલી શકતું નથી અને તેથી તેને મૂર્ચ્છા આવી જાય છે. મોટી ઉંમરે પગની નસોના સ્નાયુઓની સંકોચનસજ્જતા ઘટેલી હોવાથી લાંબા ગાળાના વિકારરૂપે પણ આવી સ્થિતિ જોવા મળે છે. વ્યક્તિ ઊભી થાય ત્યારે તેનું લોહીનું દબાણ પારાના 20 મિમી. જેટલું ઘટી જાય છે. આ બધા સંજોગોમાં મૂર્ચ્છા થઈ આવે છે. તે સમયે હૃદયના ધબકારા વધી શકતા નથી અથવા અપૂરતા પ્રમાણમાં વધે છે અને તેથી મગજને મળતા લોહીના પુરવઠામાં એકદમ ઘટાડો થાય છે.

હૃદયરોગજન્ય મૂર્ચ્છા (cardiogenic syncope) : હૃદયના વાલ્વની ખરાબી કે હૃદયના ધબકારાની અનિયમિતતા મૂર્ચ્છા આણે છે. મહાધમની કપાટ(aortic valve)ની વિકૃતિ, ફુપ્ફુસધમની કપાટ(pulmonary valve)ની વિકૃતિ, હૃદયસ્નાયુની અવરોધકારી અતિવૃદ્ધિ કરતી જન્મજાત કુરચના (hyperthrophic cardiomyopathy) વગેરે વિવિધ ભૌતિક પરિબળોને કારણે રુધિરાભિસરણમાં અવરોધ થાય છે. સામાન્ય રીતે આ રોગોમાં પરિશ્રમ કરતી વખતે મૂર્ચ્છા આવી જતી જોવા મળે છે. ક્યારેક હૃદયના ધબકારાના સર્જનમાં, તેમના આવેગના વહનમાં કે દરમાં વિકાર સર્જાય ત્યારે પણ રુધિરાભિસરણ વિષમ બને છે અને મૂર્ચ્છા આવે છે. દા.ત., ક્ષેપકીય અતાલતા (ventricular arrhythmias), આવેગપ્રેરકનું વ્યાધિ-સંલક્ષણ(sick sinus synrome), હૃદયની નસોનું સાંકડાપણું કે હૃદયની નિષ્ફળતા, મૂર્ચ્છાનું કારણ જાણવામાં દર્દીની તકલીફો દર્શાવતું નિદાનલક્ષી વૃત્તાંત (clinical history), શારીરિક તપાસ, હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG), હૃદયનો પ્રતિઘોષાલેખ (echocardiography), હોલ્ટરનું સતત નોંધણી (Holter monitoring) વગેરે મહત્વની માહિતી આપે છે.

ચેતાજન્ય (neurogenic) મૂર્ચ્છા : કરોડરજ્જુના કેટલાક રોગોમાં અંગવિન્યાસી અલ્પરુધિરદાબ(postural hypotension)નો વિકાર થાય છે. તેથી તેઓ ઊભા થાય ત્યારે લોહીનું દબાણ ઘટી જાય છે. તેવું જ ક્યારેક કેટલીક ચેતારુગ્ણતાઓ(neuropathies)માં પણ જોવા મળ્યું છે. એક પ્રકારની આંચકીના વિકારમાં તથા ક્યારેક થોડાક સમય માટે મગજમાં લોહી પરિભ્રમણ કરતું અટકે ત્યારે પણ મૂર્ચ્છા આવી જાય છે. પાર્કિન્સનના રોગમાં તથા નાના મગજના વિકારોમાં પણ ઊભા થતી વખતે લોહીનું દબાણ ઘટે એવું બને તો આ પ્રકારનો વિકાર થઈ આવે છે. આ બધા જ વિકારોમાં સ્વાયત્ત ચેતાતંત્ર અસરગ્રસ્ત થયેલું હોય છે, જે નસોના સ્નાયુઓની સજ્જતા જાળવી રાખવામાં નિષ્ફળતા સર્જે છે. જે-તે મૂળ કારણરૂપ પરિબળને ઘટાડવા કે નાબૂદ કરવા માટે સારવાર અપાય છે. અંગવિન્યાસી મૂર્ચ્છાના દર્દીને ધીમે ધીમે ઊઠવા-બેસવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ

શૈલૈશ દેસાઈ