મૂત્રવર્ધકો (diuretics) : વધુ પ્રમાણમાં પેશાબ ઉત્પન્ન કરે તેવાં ઔષધો. તેમને મુખ્ય 5 જૂથોમાં વહેંચવામાં આવે છે : આસૃતિજન્ય મૂત્રવર્ધન (osmotic diuresis) કરતાં ઔષધો (દા.ત., મેનિટોલ); સમીપીમૂત્રકનલિકા (proximal renal tubular) પર કાર્યરત ઔષધો (દા.ત., એસેટાઝોલેમાઇડ, મેટોલેઝોન); ગલવૃત્તીય મૂત્રવર્ધકો (loop diuretics) (દા.ત., ફુરોસેમાઇડ, બ્યુમેટેનાઇડ, ઈથાક્રિનિક ઍસિડ); પ્રારંભિક દૂરસ્થનલિકા (early distal tubule) પર અસર કરતાં ઔષધો (દા.ત., થાયેઝાઇડ, મેટોલેઝોન) તથા અંતીય દૂરસ્થનલિકા (late distal tubule) અથવા સંચયનનલિકા (collecting tubule) પર અસર કરતાં ઔષધો (દા.ત., આલ્ડોસ્ટિરોન વિષમધર્મી ઔષધ–સ્પાયરોનોલૅક્ટોન તથા અન્ય ઔષધો–ટ્રાયેમ્ટેરિન અને ઍમિલોરાઇડ).
(1) આસૃતિજન્ય મૂત્રવર્ધકો : તે લોહીમાં આસૃતિદાબ વધારીને મૂત્રકગુચ્છ (glomerulus) પર કાર્ય કરે છે. ત્યાં તેઓ જ્યારે ગળાય ત્યારે પોતાની સાથે વધુ પ્રમાણમાં પાણીને પણ વહાવી જાય છે. આ સમયે પાણીનો નિકાલ સોડિયમના નિકાલ કરતાં વધે છે અને આમ વિપુલ પ્રમાણમાં પાણી મૂત્રમાર્ગે વહે છે. તેને કારણે શરીરમાં અને લોહીમાં સોડિયમના આયનોનો ભરાવો થાય છે. મધુપ્રમેહના દર્દીમાં ગ્લુકોઝનો લોહીમાં વધારો થાય ત્યારે તે પણ આસૃતિજન્ય મૂત્રવર્ધક જેવું જ કાર્ય કરે છે અને તેથી મધુપ્રમેહના દર્દીને વધુ પડતો પેશાબ થાય છે. આસૃતિજન્ય મૂત્રવર્ધન ક્યારેક સોડિયમ આયનોનો ભરાવો કરીને અતિસોડિયમરુધિરતા(hypernatraemia)નો વિકાર પણ સર્જે છે. થોડાક સમય(3–4 દિવસ)ના ઉપયોગ પછી મૂત્રક અને લોહીની નસોમાં આસૃતિદાબ સરખો થાય છે અને તેથી આવાં ઔષધો તે સમયે તેમની અસરકારકતા ગુમાવે છે. મગજ પર ગાંઠ કે અન્ય કારણે સોજો આવ્યો હોય કે સિસપ્લેટિન જેવી મૂત્રપિંડને ઈજા કરતી દવા અપાતી હોય ત્યારે મેનિટોલની મદદથી આસૃતિજન્ય મૂત્રવર્ધન કરીને, અનુક્રમે, મગજ પરનો સોજો ઘટાડી શકાય છે તથા સિસપ્લેટિનનો ઉત્સર્ગ વધારી શકાય છે. મેનિટોલ સમીપી મૂત્રકનલિકામાંની પુન:શોષણની ક્રિયાને અટકાવે છે અને તેથી તેને ઉગ્ર મૂત્રનલિકા કોષનાશ (acute tubular necrosis) અટકાવવા માટે પણ વપરાય છે.
(2) સમીપી મૂત્રકનલિકાગત મૂત્રવર્ધકો (proxymal tubular diuretics) : આ જૂથનો પ્રમુખ સભ્ય છે એસેટાઝોલેમાઇડ કે જે કાર્બોનિક એન્હાઇડ્રેઝ નામના ઉત્સેચક(enzyme)નો અવદાબક (inhibitor) છે. તે આ પ્રક્રિયા વડે સમીપી મૂત્રકનલિકામાં સોડિયમ બાયકાર્બોનેટનું પુન:શોષણ અટકાવે છે. તેનો મુખ્ય ઉપયોગ આંખની અંદરના અગ્રસ્થ ખંડ(anterior chamber)માં દબાણ વધવાથી ઝામર (glaucoma) નામનો જે રોગ થાય તેમાં આંખમાંનું દબાણ ઘટાડવામાં થાય છે. તેની મદદથી મગજની આસપાસ (ખોપરીની અંદર) જો દબાણ વધ્યું હોય તો તે પણ ઘટે છે. મૂત્રવર્ધક તરીકે તે સોડિયમના આયનો (Na+) તથા હાઇડ્રોજનના આયનો (H+) વચ્ચેનો વિનિમય ઘટાડે છે, પોટૅશિયમના આયનોની નિકાસ તથા બાયકાર્બોનેટ આયનો(HCO3–)ની નિકાસ વધારે છે અને તેના કારણે અલ્પપોટૅશિયમરુધિરી અતિક્લોરાઇડરુધિરી અમ્લતાવિકાર (hypokalaemic hyperchloraemic acidosis) થાય છે. તે સમયે તેની મૂત્રવર્ધનક્ષમતા ઘટી જાય છે.
મિટોલેઝોન એક પ્રકારનું થાયેઝાઇડ જૂથનું સભ્ય-ઔષધ છે. તે સોડિયમનું પુન:શોષણ ઘટાડીને પોટૅશિયમ અને ક્લોરાઇડની નિકાસ વધારે છે. તેને કારણે આનુષંગિક તકલીફ રૂપે અલ્પપોટૅશિયમરુધિરી આલ્કલીવિકાર (hypokalaemic alkalosis) થાય છે. તેની ક્રિયાપ્રવિધિ જાણમાં નથી. હાલ સમીપી મૂત્રકનલિકાકીય મૂત્રવર્ધકોને મૂત્રવર્ધન માટે ખાસ વાપરવામાં આવતા નથી. મિટોલેઝોનનો ઉપયોગ ગલવૃત્તીય મૂત્રવર્ધકો(loop diuretics)ની અસરકારકતા વધારવા માટે થાય છે.
(3) ગલવૃત્તીય મૂત્રવર્ધકો (loop diuretics) : ફુરોસેમાઇડ, બ્યુમેટેનાઇડ તથા ઈથાક્રિનિક ઍસિડ જેવાં મૂત્રવર્ધકોને આ જૂથમાં સમાવવામાં આવે છે. તેઓ સમીપી અને દૂરસ્થ મૂત્રકનલિકા વચ્ચે એક ગાળિયા જેવા નલિકાના ભાગ (ગલવૃત્ત, loop) પર અસરકારક છે. તેઓ સોડિયમ (Na+) પોટૅશિયમ (K+) અને ક્લોરાઇડ (Cl–)ના આયનોના આંતરસંબંધિત પુન:શોષણને અટકાવે છે, જેથી અનુક્રમિત અસર રૂપે K+ અને H+નું વિસ્રવણ વધે છે. તેના કારણે આનુષંગિક તકલીફ રૂપે ક્યારેક અલ્પપોટૅશિયમરુધિરી આલ્કલીવિકાર (hypokalaemic alkalosis) થાય છે. તેની અન્ય આડઅસરોમાં બહેરાશ તથા અલ્પમૅગ્નેશિયમરુધિરતા (hypomagnesaemia) થાય છે. તેઓ ગલવૃત્ત(loop)ના ઉપર ચડતા ભાગની નલિકા (હેન્લેની આરોહી નલિકા) પર કાર્યરત રહે છે. ત્યાં તેઓ સોડિયમનું પુન:શોષણ ઘટાડે છે અને તેથી સોડિયમની નિકાસ વધે છે, જે સાથે સાથે પાણીની પણ નિકાસ વધારે છે. ગલવૃત્તીય મૂત્રવર્ધકોની માત્રા (dose), તેમના દ્વારા થતી સોડિયમની નિકાસ અને પાણીનો ઉત્સર્ગ લગભગ એક સીધી રેખાના આલેખ જેટલો સંબંધ ધરાવે છે. તેથી ગલવૃત્તીય મૂત્રવર્ધકો ઘણા અસરકારક મૂત્રવર્ધકો પુરવાર થયેલા છે. હાલ તેમનો સૌથી વધુ વપરાશ છે.
(4) દૂરસ્થ મૂત્રકનલિકાગત મૂત્રવર્ધકો (distal tubular diuretics) : તેમાં મુખ્ય ઉદાહરણો રૂપે થાયેઝાઇડ મૂત્રવર્ધકો અને મેટોલેઝોન છે. તેઓને પ્રારંભિક દૂરસ્થનલિકાગત મૂત્રવર્ધકો પણ કહે છે. તેઓ સોડિયમ ક્લોરાઇડના પુન:શોષણને અટકાવે છે. એસેટાઝોલેમાઇડ સિવાયના બધા જ સમીપી અને દૂરસ્થનલિકાગત મૂત્રવર્ધકો તથા ગલવૃત્તી મૂત્રવર્ધકોના વપરાશમાં આનુષંગિક તકલીફ રૂપે લોહીમાં પોટૅશિયમ ઘટે છે (અલ્પપોટૅશિયમરુધિરતા) તથા ચયાપચયી આલ્કલીવિકાર (metabolic alkalosis) થાય છે. તેથી જરૂર પડ્યે આવા કિસ્સામાં મુખમાર્ગે પોટૅશિયમ અપાય છે. પ્રારંભિક દૂરસ્થ મૂત્રકનલિકાગત મૂત્રવર્ધકો અને ગલવૃત્તીય મૂત્રવર્ધકોને લગભગ સમાન રીતે વાપરી શકાય છે. જોકે થાયેઝાઇડ મૂત્રવર્ધકો દીર્ઘકાલી મૂત્રપિંડ નિષ્ફળતામાં વપરાતા નથી. ફૂરોસેમાઇડને બદલે થાયેઝાઇડના ઉપયોગ વડે શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધ્યું હોય તો ઘટાડી શકાય છે. થાયેઝાઇડ મૂત્રવર્ધકનો ઉપયોગ લોહીનું દબાણ ઘટાડતી દવા તરીકે પણ થાય છે.
(5) અંતીય દૂરસ્થનલિકાગત મૂત્રવર્ધકો (late distal tabular diuretics) : તેઓને સંચયન-નલિકાગત મૂત્રવર્ધકો (collecting tube diuretics) પણ કહે છે. તેમાં 2 પ્રકારનાં ઔષધોનો સમાવેશ થાય છે. આલ્ડોસ્ટિરોનનું વિષમધર્મી ઔષધ (સ્પાયરોનો લેક્ટોન) તથા અન્ય ઔષધો (ટ્રાયમ્ટેરિન અને ઍમિલોરાઇડ). તેઓ દૂરસ્થનલિકાના પાછલા ભાગમાં તથા સંચયન-નલિકામાં સોડિયમનું પુન:શોષણ તથા પોટૅશિયમનું વિસ્રવણ ઘટાડે છે. સ્પાયરોનૉલેક્ટોન નામની દવા આલ્ડોસિસ્ટોન સાથે સ્પર્ધા કરીને તેનું કાર્ય ઘટાડે છે. તેથી તે આલ્ડોસ્ટિરોનની અધિકતાવાળા વિકારો(દા.ત., યકૃતકાઠિન્ય – liver cirrhosisમાં થતું જળોદર)માં વપરાય છે. ટ્રાયમ્ટેરિન અને ઍમિલોરાઇડની આલ્ડેસ્ટિરોન પર કોઈ અસર નથી. તેઓ પણ સોડિયમનું પુન:શોષણ તથા પોટૅશિયમનું વિસ્રવણ ઘટાડે છે. તેથી આ પ્રકારનાં મૂત્રવર્ધકોમાં પોટૅશિયમનો સંગ્રહ વધે છે અને તેથી અમ્લતાવિકાર (acidosis) પણ થાય છે. તેના કારણે તે મૂત્રપિંડી નિષ્ફળતાની સ્થિતિમાં વાપરી શકાતાં નથી.
મૂત્રકવર્ધકોનો મુખ્ય ઉપયોગ શરીરમાંથી પાણીના ભરાવાને દૂર કરવાનો છે. તેઓ શરીરમાંના ક્ષાર-આયનોના ચયાપચયને અસર કરીને લોહીનું દબાણ જાળવી રાખવામાં મદદ કરે છે. પ્રવાહીનો સ્થાનિક સંગ્રહ (દા.ત., જળોદર) તથા તેને કારણે વધતા સ્થાનિક દબાણ(દા.ત., ખોપરીમાં વધતું દબાણ કે ઝામર)માં પણ સારવાર અર્થે તેમનો ઉપયોગ થાય છે. તેઓ વિવિધ પ્રકારના ચયાપચયી વિકારો (આયનોની વિષમતા કે અમ્લ-આલ્કલી-અસંતુલન) સર્જીને તથા શરીરમાંથી વધુ પ્રમાણમાં પાણીનો નિકાલ કરીને પણ આનુષંગિક તકલીફો સર્જે છે. મૂત્રવર્ધકોનો અતિશય ઉપયોગ અથવા કુપ્રયોગ (abuse) લોહીનું દબાણ ઘટાડે છે, લોહીને ઘટ્ટ બનાવે છે અને ક્યારેક નત્રલવિષરુધિરતા(azotaemia)નો વિકાર પણ સર્જે છે.
શિલીન નં. શુક્લ