મૂત્રસ્રાવ, અનૈચ્છિક (Enuresis) : ઇચ્છાવિરુદ્ધ અને અનિયંત્રિત રૂપે પેશાબ થઈ જવો તે. તે મુખ્યત્વે ચેતાતંત્ર-સંબંધિત વિકારો દ્વારા તથા અન્ય વિકારોને કારણે થઈ આવે છે. તેને અનિયંત્રિત મૂત્રસ્રાવ (incontinence of urine) પણ કહે છે. મૂત્રાશયમાં આવેલા મૂત્રક્ષેપક સ્નાયુ(detrusor muscle)ની અસ્થિરતા (instability) થયેલી હોય, મૂત્રમાર્ગમાં ચેપ લાગેલો હોય અને તેનાથી મૂત્રાશયની સંવેદિતા વધી હોય, મૂત્રાશયમાં પથરી થયેલી હોય કે તેમાં ક્ષયરોગને કારણે, વિકિરણ(radiation)ની સારવારથી ઉદભવતા શોથ(inflammation)ને કારણે કે મૂત્રાશયની દીવાલમાંની અંતરાલીય પેશીમાં શોથનો વિકાર થયો હોય અને તેને કારણે પણ મૂત્રાશયની સંવેદિતા વધી હોય તો તાત્કાલિક પેશાબની હાજતે જવું પડે છે. મૂત્રાશયની દીવાલમાં ચેપ, વિકિરણ કે અન્ય કોઈ કારણે જો પીડાકારક સોજો આવે અને તે લાલ રંગની થાય તો તેને શોથ(inflammation)નો વિકાર થયો છે એમ કહે છે. આવે સમયે ક્ષોભન (irritability) અને અતિસંવેદિતાને કારણે તત્કાલ પેશાબ કરવો પડે છે અને તેને રોકી શકાતો નથી. તેને શીઘ્રતાપૂર્ણ મૂત્ર-અનિયંત્રિતતા(urge-incontenence) કહે છે.

પુર:સ્થ ગ્રંથિ (prostate gland) પરની શસ્ત્રક્રિયા પછી કે મૂત્રાશયનલિકા પરના બહારના દ્વારરક્ષક (sphincter) નામના સ્નાયુના બનેલા ગોળ-વાલ્વ(કપાટ)ની નબળાઈ હોય તો મૂત્રણની ક્રિયા પત્યા પછી પણ રહેલા અવશિષ્ટ મૂત્ર(residual urine)નાં ટીપાં પડે છે. તેને મૂત્રણોત્તર બિન્દુપાત (post-micturition dribbling) કહે છે. આવું પુરુષોમાં થાય છે. સ્ત્રીઓમાં કે પુરુષોના મૂત્રાશયમાં લાંબા સમયથી મૂત્રનો ભરાવો થતો હોય અને પેટમાં કોઈ પણ કારણે દબાણ વધે ત્યારે કોઈ પણ જાતની સંવેદના વગર થોડો મૂત્રસ્રાવ થઈ જાય છે અને તેથી તેમનાં ઉપસ્થ-વસ્ત્રો ભીનાં થાય છે. તેને અસંવેદિત મૂત્ર-અનિયંત્રિતતા (insensible incontenence) કહે છે. મૂત્રમાર્ગને અન્ય અવયવો સાથે જોડતી સંયોગનળી (fistula) થઈ હોય, ચેતાતંત્રના વિકારોને કારણે ચેતારુગ્ણતાજન્ય (neuropathic) મૂત્રાશય-વિકાર થયો હોય, પુર:સ્થગ્રંથિ પરની શસ્ત્રક્રિયા પછી દ્વારરક્ષક ઈજાગ્રસ્ત થયેલો હોય કે લાંબા સમયના પેશાબના ભરાવા પછી પેશાબ ટપક્યા કરતો હોય ત્યારે ક્યારેક તેવું ટપકવું કોઈ પણ અટકાવ વગર સતત ચાલુ રહે તેમ પણ બને છે. તેને પૂર્ણ મૂત્ર-અનિયંત્રિતતા (total incontenence) કહે છે. નાનાં બાળકોમાં ચેતાતંત્રીય નિયંત્રણ ન વિકસ્યું હોય, તેમને ભય લાગતો હોય કે કોઈ માનસિક અસ્વસ્થતા થઈ હોય ત્યારે તેમજ મોટી ઉંમરે ચેતાતંત્રના ઉપરના ભાગનાં ચેતાકેન્દ્રો(મગજ વગેરે)ના વ્યાધિમાં પણ અનિયંત્રિત સ્વરૂપે પેશાબ થઈ જાય છે. ખાસ કરીને રાત્રે ઊંઘમાં ખબર ન પડે તેમ આવું થઈ જતું હોવાથી તેને શય્યાર્દ્રતા (bed-wetting) કહે છે. માનસિક વિકારોને કારણે જો કોઈ વ્યક્તિ યોગ્યાયોગ્યનો ભેદ ભૂલીને અસામાજિક રીતે પેશાબ કરી નાંખે તો તેને અસામાજિક મૂત્ર-અનિયંત્રિતતા (asocial incontinence) કહે છે.

મૂત્રાશયમાં મુકાતો કૃત્રિમ વાલ્વ – (1) નિયંત્રક પંપ, (2) દબાણનું નિયંત્રણ કરતો ફુગ્ગો, (3) હવા ભરવા માટેનો ફુગ્ગો (cuff)

વિવિધ પ્રકારના ચેતાતંત્રીય વિકારો થાય તો ચેતારુગ્ણતાજન્ય મૂત્રાશય વ્યાધિ(neurogenic bladder)નો વિકાર ઉદભવે છે. તેમાં મૂત્રાશયની ચેતાઓ (nerves), કરોડરજ્જુ તથા સંવેદી અને પરાસંવેદી ચેતાતંત્રના વિસ્તારો તથા મસ્તિષ્કપ્રકાંડ (brain stem) અને મગજના રોગો અને વિકારોનો સમાવેશ થાય છે.

પેટમાં દબાણ વધવાથી મૂત્રસ્રાવ પરનું નિયંત્રણ જતું રહેતું હોય તો દર્દીને ઉપસ્થવિસ્તાર(perinium)ના સ્નાયુઓની કસરત કરવાનું સૂચવાય છે. જો સ્ત્રીઓનાં ગર્ભાશય નીચે ઊતરતાં હોય કે તે વિસ્તારના સ્નાયુઓ ઈજાગ્રસ્ત હોય તો ક્યારેક શસ્ત્રક્રિયા કરવી પડે છે. મૂત્રક્ષેપક(detrussor) સ્નાયુની અસ્થિરતા થયેલી હોય તો તેને માટે મૂત્રાશયને વ્યાયામ અપાય છે. તેના વડે બે મૂત્રણ-ક્રિયાઓ વચ્ચેનો સમયગાળો લંબાવાય છે. કેટલાક કિસ્સામાં ઍન્ટિકોલિનર્જિક દવા કે ઇમિપ્રેમિન અપાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં શસ્ત્રક્રિયા કરાય છે. મૂત્રાશયની સંવેદિતા વધેલી હોય તો તે ઘટાડવા માટે કારણરૂપ વિકારની સારવાર કરાય છે. જો મૂત્રાશય સાંકડું થયેલું હોય તો મૂત્રાશય-પુનર્રચના(cystoplasty)ની શસ્ત્રક્રિયા કરાય છે. ચેતારુગ્ણતાજન્ય વિકારમાં ઍન્ટિકોલિનર્જિક દવાઓ અપાય છે. જરૂર પડે તે કિસ્સામાં વારંવાર નિવેશિકાનળી (cathater) નાંખીને મૂત્રાશયમાં ભરાયેલું મૂત્ર કાઢી નંખાય છે. દર્દીને પોતાને જાતે આવી નિવેશિકાનળી મૂકવાનું શિખવાડાય છે.

મોટી ઉંમરે જોવા મળતી અનૈચ્છિક મૂત્રસ્રાવતા અથવા મૂત્ર-અનિયંત્રિતતાનાં મુખ્ય કારણોમાં મૂત્રમાર્ગનો ચેપ, મગજની નસોના રોગોથી થતો લકવો, મૂત્રવર્ધક દવાઓ, નિદ્રાપ્રેરક ઔષધો, મળનો ભરાવો, ગર્ભાશય નીચે ઊતરી જવું, પુર:સ્થગ્રંથિતા (prostatism) નામના વિવિધ વિકારો છે. જે તે રોગની સારવાર કરવાથી તેમાં ફાયદો રહે છે.

નાનાં બાળકોમાં થતી અનૈચ્છિક મૂત્રસ્રાવતા અથવા શય્યાર્દ્રતા (bed-wetting) ત્રણ પ્રકારની ગણાય છે : પ્રાથમિક, સંપ્રાપ્ત (aquired) અને પ્રસંગોપાત્ત. નાનાં બાળકોના ચેતાતંત્રની પુખ્તતાપ્રાપ્તિ થવાની ક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ રાત્રે પથારીમાં પેશાબ કરી દે છે. તે સામાન્ય દેહધાર્મિક સ્થિતિ છે. તેને શય્યાર્દ્રતા કહે છે. છોકરાઓમાં, વહેલાં જન્મેલાં બાળકોમાં, નાનપણમાં તણાવપૂર્ણ વાતાવરણ હોય તો કે નીચલા સામાજિક સ્તરમાં જન્મ હોય તો તેવું થવાની સંભાવના વધે છે. 5 વર્ષથી વધુ વયે જો એક પણ રાત્રિ પથારીમાં પેશાબ થઈ ગયા વગર ન જાય તો તેને પ્રાથમિક અનૈચ્છિક મૂત્રસ્રાવતા કહે છે. જો બાળકે મૂત્રસ્રાવ પર 12 મહિના સુધી નિયંત્રણ મેળવી લીધેલું હોય અને ફરીથી તે રાત્રે પથારીમાં પેશાબ કરવા માંડે તો તેને સંપ્રાપ્ત કે આનુષંગિક અનૈચ્છિક મૂત્રસ્રાવતા કહે છે. જો બાળકને મૂત્રસ્રાવ પર નિયંત્રણ થયું હોય પણ ક્યારેક તે પથારીમાં પેશાબ કરી દે તો તેને પ્રસંગોપાત્ત થતો વિકાર કહે છે.

બાળકોમાં થતી અનૈચ્છિક મૂત્રસ્રાવતાનાં વિવિધ કારણો છે – જનીનીય, ચેતાતંત્રીય પુખ્તતા-પ્રાપ્તિમાં ઉદભવતો વિલંબ અને અન્ય શારીરિક રોગોની હાજરી. 5 વર્ષે પ્રસંગોપાત્ત શય્યાર્દ્રતાવાળા છોકરાઓના 75 % કિસ્સાઓમાં કોઈ એક પ્રથમ કક્ષાના કોઈ સંબંધીમાં પણ આવો વિકાર થયેલો હોવાની નોંધ મળે છે. તેથી જનીનીય ઘટકોની તે અસર હોવાની શક્યતા છે. પુખ્તતા-પ્રાપ્તિમાં વિલંબ, દીર્ઘકાલી રોગ કે વિકાર, અપૂરતી મૂત્રનિયંત્રણની તાલીમ કે મૂત્રાશયનું નાનું કદ હોય તો મૂત્રસ્રાવનિયંત્રણમાં વિલંબ થાય છે. વિવિધ પ્રકારના રોગોમાં પણ મૂત્રસ્રાવનું નિયંત્રણ વિષમ રહે છે. તેમાં ચેતાતંત્રીય, અંત:સ્રાવી (endocrine), મૂત્રમાર્ગીય, જનનાંગલક્ષી, માનસિક તથા અન્ય વિકારો કે રોગોનો સમાવેશ થાય છે. વારંવાર આંચકી કે વાઈ (ખેંચ, convulsions) આવે એવો અપસ્માર(epilepsy)નો વિકાર, દ્વિભંજી મણિકા(spina bifida)નો રોગ કે જેમાં કમરના કરોડસ્તંભના મણકાનો પાછલો ભાગ બે ભાગમાં વહેંચાયેલો હોય; મસ્તિષ્કી ઘાત (cerebral palsy) તથા પોષણની ઊણપથી થતા વિકારો જેવા ચેતાતંત્રીય વિકારોમાં અનૈચ્છિક મૂત્રસ્રાવતા થતી જોવા મળે છે. તેવી રીતે મધુપ્રમેહ (diabetes mallitus) અને અતિમૂત્રપ્રમેહ (diabetes insipidus) નામના રોગોમાં પેશાબની વારંવાર હાજત થવાથી ક્યારેક બાળકોમાં અનૈચ્છિક મૂત્રસ્રાવતા થાય છે. મૂત્રમાર્ગમાં ક્ષય કે અન્ય પ્રકારનો ચેપ, જન્મજાત કુરચના, પથરી વગેરે વિવિધ વિકારોમાં પણ મૂત્રસ્રાવનું નિયંત્રણ ઘટે છે. બાહ્યજનનાંગોમાં ચેપ હોય કે ચાંદું પડે તોપણ આવો વિકાર થઈ આવે છે. સૂત્રકૃમિ (thread worm), શસ્ત્રક્રિયા કે ઈજા પછીના મનોવિકારી ચિંતાના વિકારમાં પણ મૂત્રસ્રાવ પરનું નિયંત્રણ ઘટે છે. કેટલાક માનસિક વિકારોમાં પણ તે જોવા મળે છે. પેશાબની તપાસ, ધ્વનિચિત્રણ તથા અન્ય પ્રકારના એક્સ-રે-ચિત્રણો વડે નિદાન કરાય છે.

સારવારમાં મુખ્યત્વે ચાર મહત્વના મુદ્દાઓ છે : આત્મવિશ્વાસ અને તાલીમ, શારીરિક વિકારો અને વિકૃતિઓનો ઉપચાર, અભિસંધાની ચિકિત્સા (conditioning therapy) તથા ઔષધોપચાર. બાળકને લડવા કે સજા કરવાને બદલે તેને રક્ષણ તથા પ્રેમ પૂરો પાડીને તેનો આત્મવિશ્વાસ વધારાય છે અને મૂત્રસ્રાવની ક્રિયા પર નિયંત્રણ કેળવવા પ્રોત્સાહિત કરાય છે. રાત્રે સૂતાં પહેલાં તેને પેશાબની હાજતે જવાનું ખાસ યાદ રાખીને કહેવાય છે. જરૂર પડ્યે રાત્રે 2થી 3 વખત ઉઠાડીને તેને પેશાબ કરવાનું કહેવાય છે, તેવું વહેલી સવારે તો ખાસ કરાય છે. સાંજ પછી પીવાના પાણીમાં ઘટાડો કરવાનું કેટલાક કિસ્સામાં લાભકારક રહે છે. દિવસ દરમિયાન પેશાબ રોકવાનું શીખવીને મૂત્રાશયની ગ્રહણક્ષમતા વધારાય છે. નિષ્ણાત ચિકિત્સકની મદદ વડે તથા વિશિષ્ટ પ્રકારની ચેતવણીસૂચક ઘંટડી (alarm) જેવી સંયોજના વડે પણ આ ક્રિયામાં મદદ મળે છે. તેને અભિસંધાનીય ચિકિત્સા (conditioning therapy) કહે છે. ડેસ્મૉપ્રેસિન જેવા અલ્પમૂત્રક (antidiuretic) ઔષધને વાતબિંદુ ચિકિત્સા(aerosol therapy)ના રૂપમાં નાક દ્વારા અપાય છે, જેમાં ઔષધને નસકોરામાં છાંટવામાં આવે છે. ઇમિપ્રેમિન જેવું પ્રતિખિન્નતા ઔષધ પણ ઉપયોગી રહે છે.

શિવાની શિ. શુક્લ

શિલીન નં. શુક્લ