મૂત્રમાર્ગીય ચેપ (Urinary Tract Infection) : મૂત્રમાર્ગમાં જીવાણુઓ કે અન્ય સૂક્ષ્મ જીવો વડે થતો ચેપ. દર્દીને થતી તકલીફો (દા.ત., મૂત્રદાહ, તાવ આવવો, ઊલટી-ઊબકા થવા વગેરે), પેશાબમાં શ્વેતકોષોનું વહન તથા પેશાબમાંના જીવાણુઓનો પ્રયોગશાળામાં ઉછેર (સંવર્ધન, culture) – એમ મુખ્ય 3 પ્રકારની નોંધ મેળવીને તેનું નિદાન કરાય છે. તુરતના પસાર કરેલા મૂત્રમાંના જીવાણુઓનું સંવર્ધન (culture) કરવામાં આવે અને જો ઓછામાં ઓછા 105ની સંખ્યામાં જીવાણુ-સંસ્થાનકારી એકમો (colony forming units, CFU) બને તો તે મૂત્રમાર્ગીય ચેપ માટે નિદાનલક્ષી આધાર (diagnostic evidence) ગણાય છે. આવી સ્થિતિને મહત્વપૂર્ણ જીવાણુમેહ (significant bacteruria) કહે છે, જેમાં દર મિલિલિટર પેશાબમાંથી 105 CFU બને છે. જો પેશાબને સૂક્ષ્મદર્શક (microsocpe) વડે તપાસવામાં આવે અને દર બૃહદ્-દર્શી ક્ષેત્ર(high power field)માં 10 કે વધુ તટસ્થ શ્વેતકોષો જોવા મળે તો તેને મહત્વપૂર્ણ સપૂયમેહ (significant pyuria) કહે છે. પેશાબમાંના તટસ્થ શ્વેતકોષો(neutrophils)ને પૂયકોષો (pus cells) પણ કહે છે. પેશાબની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરીને તથા તેમાંના જીવાણુઓનું સંવર્ધન કરીને નિદાન કરાય છે તથા સંવર્ધન વખતે કરાતા પરીક્ષણ વડે ઍન્ટિબાયૉટિકની યોગ્ય પસંદગી કરાય છે.

મૂત્રમાર્ગીય ચેપને ઉગ્ર, પુનરાવર્તી તથા દીર્ઘકાલી – એમ ત્રણ જૂથમાં વિભાજિત કરાય છે. તેવી રીતે તેને ઉપરના અવયવોનો ચેપ અને નીચલા અવયવોનો ચેપ એમ બે જૂથમાં પણ વિભાજિત કરાય છે. પુનરાવર્તી ચેપ બે ઉપપ્રકારના છે : પુન:સક્રિયતાજન્ય (relapsing) કે પુન:ચેપજન્ય (reinfection). મૂત્રમાર્ગમાં ક્ષતચિહન (scar), કોષ્ઠીય રોગ (cystic disease), પથરી કે પુર:સ્થગ્રંથિ(prostate gland)માં ચેપ હોય તો સારવાર વખતે ચેપ શમી જાય, પરંતુ 15 દિવસમાં તે ફરીથી સક્રિય બનીને ઊથલો મારે છે. જો મૂત્રમાર્ગમાં વિકાર ન હોય તો લગભગ 80 % કિસ્સામાં ફરીથી ઉદભવતી તકલીફો ફરીથી લાગતા ચેપને કારણે હોય છે.

મૂત્રમાર્ગી ચેપનું વર્ગીકરણ : ઉપરના મૂત્રમાર્ગના ચેપમાં મૂત્રપિંડ અને તેની આસપાસની પેશીમાં લાગતા ચેપનો સમાવેશ કરાય છે. તેમાં ઉગ્ર સદ્રોણીય (સકુંડીય) મૂત્રપિંડશોથ (actue pyelonephritis), દીર્ઘકાલી સદ્રોણીય (સકુંડીય) મૂત્રપિંડશોથ (chronic pyelonephritis), લક્ષણરહિત (subclinical) સદ્રોણીય (સકુંડીય) મૂત્રપિંડશોથ, મૂત્રપિંડબાહ્યક(renal cortex)માં ગૂમડું તથા પરિમૂત્રપિંડી (પરિવૃક્કીય) ગૂમડું – એમ વિવિધ પ્રકારના રોગોનો સમાવેશ થાય છે. નીચેના મૂત્રમાર્ગના ચેપમાં મૂત્રાશય, મૂત્રાશયનલિકા તથા પુર:સ્થગ્રંથિ(prostate gland)ના ચેપનો સમાવેશ થાય છે અને તેમાં, અનુક્રમે, ઉગ્ર મૂત્રાશયશોથ (acute cystitis), ઉગ્ર મૂત્રાશય-નલિકાગત સંલક્ષણ (acute urethral syndrome) અથવા મૂત્રાશય-નલિકાશોથ (urethritis) તથા ઉગ્ર અને દીર્ઘકાલી પુર:સ્થગ્રંથિશોથ(acute and chronic prostatitis)નો સમાવેશ થાય છે.

કારણવિદ્યા : મૂત્રમાર્ગમાંનો ચેપ કાં તો લોહી દ્વારા ફેલાઈને આવે છે અથવા મૂત્રાશયનલિકા દ્વારા ઉપર ચડે છે. તેનાં વિવિધ કારક પરિબળો છે. સ્ત્રીઓની મૂત્રાશયનલિકા ટૂંકી હોય છે તેથી તેના દ્વારા ઉપર ચડીને ઝડપથી ચેપ ફેલાય છે (દા.ત., લૈંગિક સમાગમ). મૂત્રમાર્ગમાં પથરી હોય, જન્મજાત કુરચના થયેલી હોય કે આસપાસના અવયવો (યોનિ કે મળાશય) સાથે જોડતી સંયોગનળી (fistula) થઈ હોય તો પણ ચેપ લાગે છે. મૂત્રાશયની દીવાલમાં નાની કોથળીઓ જેવી અંધનાલીઓ (diverticula) હોય, પુર:સ્થગ્રંથિ મોટી થયેલી હોય, મૂત્રમાર્ગમાં અવરોધ હોય કે મૂત્રાશયમાંથી વિપરીત માર્ગે મૂત્રપિંડ-નલિકામાં પેશાબ ચડી જતો હોય એવા સંજોગોમાં મૂત્રાશય પૂરેપૂરું ખાલી થતું નથી અને તેમાં ભરાઈ રહેલો પેશાબ જીવાણુઓના સંવર્ધન માટે ઉપયોગી માધ્યમ પૂરું પાડે છે. મૂત્રમાર્ગમાં નિદાનલક્ષી સાધનો કે નિવેશિકાનળી (catheter) વગેરે વડે ઈજા થયેલી હોય કે શસ્ત્રક્રિયા કરાઈ હોય તો ચેપ લાગવાની સંભાવના રહે છે. મૂત્રપિંડમાં બહુકોષ્ઠી રોગ (polycystic disease of kidney) થયેલો હોય તોપણ ચેપ લાગવાની સંભાવના રહે છે. ચેતાતંત્રના રોગોને કારણે ઘણી વખતે મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહે છે, જેથી ચેપ લાગે છે. સગર્ભાવસ્થામાં પણ મૂત્રાશય પૂરેપૂરું ખાલી ન થાય તો ક્યારેક ચેપ લાગે છે. મધુપ્રમેહના દર્દીમાં પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય છે. તેમાં જીવાણુ-સંવર્ધન સહેલાઈથી થતું હોવાથી વારંવાર ચેપ લાગે છે. લોહીનાં કેટલાંક વિશિષ્ટ જૂથોવાળી વ્યક્તિઓમાં પેશાબમાં ચેપ લાગવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે; જેમ કે, ‘બી’ જૂથ તથા લૂઈ (Lewનું રુધિરજૂથ (a+b+)ની હાજરી તથા P1 રુધિરજૂથની ગેરહાજરી.

વિવિધ પ્રકારના ગ્રામ-અનભિરંજિત જીવાણુઓ (gram-negative bacteria) મૂત્રમાર્ગમાં ચેપ કરે છે. તેમાં મુખ્ય છે ઈ.કોલી. આ ઉપરાંત ક્લેબ્સિએલા તથા પ્રૉટિયસ પણ ચેપ કરે છે. જો મૂત્રમાર્ગમાં સાધનનો પ્રવેશ કરાવેલો હોય (નિવેશિકાનળી કે અંત:દર્શક) તો સ્યૂડોમોનાસ તથા સ્ટૅફાયલોકૉકસ જૂથના જીવાણુઓ પણ ચેપ કરે છે.

નિદાન અને સારવાર : ઉગ્ર સદ્રોણી (સકુંડીય) મૂત્રપિંડશોથના દર્દીને ટાઢ વાઈને તાવ આવે છે, શરીરમાં માંદગીનો અહેસાસ થાય છે (malaise), ભૂખ મરી જાય છે, ઊબકા અને ઊલટી થઈ આવે છે, કમરમાં દુખાવો થાય છે અને તીવ્ર વિકાર હોય તો ચેપ લોહીમાર્ગે શરીરમાં બધે ફેલાય છે. તેને સપૂયરુધિરતા (septicaemia) કહે છે. જો દર્દીના મૂત્રપિંડની આસપાસ ગૂમડું થયેલું હોય કે મૂત્રપિંડમાં પરુ ભરાઈને તે મોટું થયેલું હોય તો તેમને અનુક્રમે પરિમૂત્રપિંડી (પરિવૃક્કીય) સપૂયગડ (perinephric abscess) અને સપૂયમૂત્રપિંડશોફ (pyonephrosis) કહે છે. આ બંને સ્થિતિમાં સખત ટાઢ સાથે તાવ આવે છે, કમરમાં દુખાવો થાય છે અને સોજો આવે છે, કરોડસ્તંભ એક બાજુ વાંકો વળે છે (પાર્શ્વખૂંધ, scoliosis), વજન ઘટે છે તથા રાત્રે પરસેવો વળ્યા કરે છે.

મૂત્રમાર્ગમાં નીચેથી ઉપર તરફ પ્રસરતો ચેપ (કૌંસમાં ત્યાંના ચેપનો ઉલ્લેખ) : (1) શિશ્ન, (2) મૂત્રમાર્ગનું બહારનું છિદ્ર, (3) મૂત્રાશયનળી (મૂત્રાશયનળી શોથ, urethritis), (4) નિવેશિકાનળી (catheter), (5) પુર:સ્થગ્રંથિ (prostate gland), (પુર:સ્થગ્રંથિ શોથ, prostatis), (6) મૂત્રાશય, (મૂત્રાશયશોથ, cystitis), (7) વીર્યનળી, (8) શુક્રપિંડ (શુક્રપિંડશોથ, orchitis), (9) અધિશુક્રપિંડ (અધિશુક્રપિંડ શોથ, epididymitis), (10) મૂત્રપિંડનળી, (11) મૂત્રપિંડ-દ્રોણી, (12) મૂત્રપિંડ (સદ્રોણી મૂત્રપિંડશોથ, pyelonephritis). નોંધ : તીર એમના ફેલાવાની દિશા દર્શાવે છે.

નીચલા મૂત્રમાર્ગના ચેપમાં દર્દીને પેશાબ કરતી વખતે બળતરા થાય છે (ખાસ કરીને મૂત્રણના અંતે). તેને દુર્મૂત્રતા (dysuria) અથવા મૂત્રદાહ (burning uricturition) કહે છે. આ ઉપરાંત તેમને વારંવાર પેશાબ માટે જવું પડે છે (મૂત્રની અત્યાવૃત્તિતા, frequency of micturition), રાત્રે પેશાબ માટે ઊઠવું પડે છે (નિશામૂત્રતા, nocturia), પેશાબ માટે અતિશય ઉતાવળ થઈ જાય છે (અતિશીઘ્રમૂત્રતા, urgency micturition). દર્દીનો પેશાબ ટીપાં રૂપે અને અતિશય પીડાથી થાય છે, તેને સપીડબિંદુપાત (stranguary) કહે છે.

જો મૂત્રપિંડમાં કે તેની આસપાસ પરુ ભરાયેલું હોય તો શરીર આખાને ધ્રુજાવતી ટાઢ સાથે તાવ, કેડમાં દુખાવો, કેડમાં સોજો, એક બાજુ વળી ગયેલી કેડ, વજનનો ઘટાડો તથા રાત્રે પરસેવો વળવો જેવાં લક્ષણો અને ચિહનો થઈ આવે છે.

નિદાન માટે પેશાબની તપાસ મુખ્ય રહે છે. મૂત્રપ્રવાહના વચલા ભાગમાંનું મૂત્ર જંતુરહિત કસનળીમાં લેવામાં આવે છે અને તેનું પરીક્ષણ કરાય છે. જો તે શક્ય ન હોય તો મૂત્રાશયનળી દ્વારા નંખાયેલી નિવેશિકાનળી (catheter) વડે કે ગુપ્તાસ્થાસ્થિ(pubic bone)ની ઉપરથી સોય દ્વારા મૂત્રાશયમાંથી સીધેસીધું મૂત્ર મેળવાય છે. મૂત્રપરીક્ષણમાં મૂત્રનું પ્રમાણ, રંગ, ગંધ, pH મૂલ્ય, તેમાં શર્કરા કે પ્રોટીનની હાજરી તથા તેનું સૂક્ષ્મદર્શક વડે કરાતું પરીક્ષણ વગેરે નિદાનસૂચક મહત્વની માહિતી આપે છે. સૂક્ષ્મદર્શક વડે મૂત્રમાં શ્વેતકોષો અથવા પૂયકોષો (pus cells), રક્તકોષો, જીવાણુઓ તથા અવક્ષેપો (sediments), ઘાટરૂપો(casts) અને સ્ફટિકોની હાજરી જાણી શકાય છે. પૂયકોષો મૂત્રમાર્ગમાં ચેપ સૂચવે છે, જ્યારે અવક્ષેપો, ઘાટરૂપો અને સ્ફટિકો વડે મૂત્રમાર્ગમાં ક્યાં રોગ થયો છે તેનો અંદાજ મેળવી શકાય છે. મૂત્રમાંના જીવાણુઓનો ઉછેર અથવા સંવર્ધન (culture) કરાય છે અને તેના વડે તેમને ઓળખી કાઢીને તેમની સામે અસરકારક કયાં ઍન્ટિબાયૉટિક ઔષધો છે તે જાણી શકાય છે. પેશાબમાં પૂયકોષો હોય, પરંતુ જીવાણુ ન હોય તેવી સ્થિતિ કેટલાક વિકારો અને રોગમાં થાય છે; જેમ કે, મૂત્રમાર્ગનો ક્ષયરોગ. આવી સ્થિતિને જીવાણુરહિત પૂયમેહ (sterile pyuria) કહે છે. મૂત્રમાર્ગના ચેપની અપૂર્ણ સારવાર, મૂત્રમાર્ગના ચેપ વગરના શોથકારી (inflammatory) વિકારો, જેમ કે, મૂત્રમાર્ગમાં પથરી, પીડાનાશક દવાથી મૂત્રપિંડના પ્રાંકુરો(papilla)માં કોષનાશ(papillary necrosis), રસાયણોને કારણે થતો મૂત્રાશયશોથ (chemical cystitis), મૂત્રાશયનલિકાના કેટલાક ચેપ, દા.ત., હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ, ક્લેમાડિયા તથા ગોનોરિયા (પરમિયો) વગેરે. ક્યારેક સ્ત્રીઓમાં મૂત્રમાર્ગમાં નહિ, પરંતુ યોનિ(vagina)માં ચેપ લાગેલો હોય તો પેશાબમાં પૂયકોષો જોવા મળે છે; પણ તેમાંથી જીવાણુસંવર્ધન (bacterial culture) થઈ શકતું નથી. મૂત્રમાર્ગના ચેપમાં મૂત્રપરીક્ષણ અને જીવાણુસંવર્ધનની કસોટી પરથી યોગ્ય પ્રકારની ઍન્ટિબાયૉટિક દવા અપાય છે.

દર્દીને વારંવાર મૂત્રમાર્ગનો ચેપ લાગતો હોય, પુરુષ દર્દી હોય, બાળપણમાં પ્રથમ વખત ચેપ લાગેલો હોય, મૂત્રમાર્ગની અન્ય તકલીફો હોય, પેશાબમાં સતત લોહી પડતું હોય (રુધિરમેહ, haematuria), પેશાબના ચેપમાં પ્રૉટિયસ કે સ્યૂડોમોનાસ જેવા જવલ્લે જોવા મળતા જીવાણુઓનો ચેપ હોય તો વધુ તપાસ કરવી જરૂરી ગણાય છે. તેમાં વિવિધ પ્રકારનાં મૂત્રમાર્ગ દર્શાવતાં ચિત્રણો કરાય છે. (જુઓ મૂત્રમાર્ગ-ચિત્રણ.) તેમના વડે અન્ય રોગો, દા.ત., પથરી, ગાંઠ, ઈજા કે મૂત્રમાર્ગમાં અવરોધ થયો હોય તો જાણી શકાય છે. મૂત્રમાર્ગ-ચિત્રણોમાં ધ્વનિ-ચિત્રણ (sonography), શિરામાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ (intravenous pyelography, IVP), મૂત્રણક્રિયા વખતે કરાતું મૂત્રાશય-ચિત્રણ (micturating cystography) તથા સી.એ.ટી. સ્કૅન મુખ્ય છે. મૂત્રણક્રિયા વખતે લેવાતાં ચિત્રણો વડે વિપરીતમાર્ગે મૂત્રવહન થાય છે કે નહિ તેની જાણકારી મળે છે તથા પૂરો પેશાબ કર્યા પછી મૂત્રાશયમાં અવશિષ્ટ મૂત્ર (residual urine) રહી જાય છે કે કેમ તે પણ જાણી શકાય છે. જો મૂત્રમાર્ગ-ચેપનું કારણ પથરી, ગાંઠ, ઈજા, અવરોધ, વિપરીતમાર્ગી મૂત્રવહન કે વધુ પડતું અવશિષ્ટ મૂત્ર હોય તો તેની પણ સારવાર કરવી પડે છે.

મૂત્રમાર્ગના ચેપમાં ક્વિનોલો-જૂથની દવાઓ (દા.ત., નૉરફ્લૉક્સાલિન, સિપ્રોફ્લૉક્સાલિન, ઑફ્લૉક્સાલિન, સ્પારફ્લૉક્સાલિન વગેરે), કૉ-ટ્રાઇમેક્ઝેઝોલ, ટ્રાઇમિથોપ્રિમ, નાઇટ્રોફ્યુરેન્ટોઇન, ઍમૉક્સિસિલિન, સિફેલોસ્પૉરિન્સ વગેરે વિવિધ ઍન્ટિબાયૉટિકો વપરાય છે. નીચલા મૂત્રમાર્ગના ચેપમાં મુખ વાટે કે નિક્ષેપિકા (injection) વડે 3 અઠવાડિયાં માટે દવા અપાય છે. જો ઉગ્ર સદ્રોણી-મૂત્રપિંડશોથ (acute pyelonephritis) હોય તો સારવાર 6 અઠવાડિયાં સુધી લંબાવવી પડે છે.

વિશિષ્ટ પરિસ્થિતિઓ : દર્દીને કોઈ તકલીફ ન હોય, પરંતુ તેના પેશાબમાં આધારભૂત સ્તરે જીવાણુઓ વહી જતા હોય તો તેને અલાક્ષિક હાજરી હોય તેને લક્ષણરહિત જીવાણુમેહ (asymptomatic bacteriuria) કહે છે. જો દર્દી સગર્ભા સ્ત્રી હોય, 4 વર્ષનું કે નાનું બાળક હોય, મૂત્રમાર્ગમાં અવરોધ કે વિપરીત વહન હોય, મધુપ્રમેહ હોય, પીડાશામક દવાથી થતો મૂત્રપિંડનો વિકાર હોય કે દાત્રકોષી રોગ (sickle cell disease) હોય તો આવા દર્દીને સારવાર આપવી જરૂરી ગણાય છે. દર્દીને પેશાબમાં કે નીચલા મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય, પરંતુ પેશાબમાં જીવાણુ ઓછા હોય તોપણ ઍન્ટિબાયૉટિક વડે સારવાર કરવાનું સૂચવાય છે. દર્દીને દીર્ઘકાલી સદ્રોણી(સકુંડી)-મૂત્રપિંડશોથ (chronic pyelonephritis) હોય તો તેને મૂત્રમાર્ગના ચેપથી અલગ એવા એક બીજા રોગ તરીકે ગણવામાં આવે છે. આવા દર્દીમાં પણ જો મૂત્રમાર્ગનો ચેપ હોય, લોહીનું દબાણ વધ્યું હોય કે અન્ય કોઈ વિકાર કે વિકૃતિ જણાય તો તેની સારવાર કરવાનું સૂચવાય છે.

મૂત્રમાર્ગમાં ચેપ લાગે તેવી સંભાવનાવાળા દરેક દર્દીમાં તે થતો અટકાવવા પ્રયત્ન કરાય છે. તે માટે મૂત્રમાર્ગ કે અન્ય રોગ જવાબદાર હોય તો તેની સારવાર કરાય છે. દર્દીને પુષ્કળ પાણી પીવાનું કહેવાય છે. સ્ત્રીઓને તેમનાં બાહ્ય જનનાંગોને સ્વચ્છ રાખવા તથા મળની હાજત પછી પરિગુદાવિસ્તારને યોગ્ય રીતે સાફ કરવાનું સૂચવાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં નાઇટ્રોફ્યુરેન્ટોઇન, મેન્ડેલામાઇન, ટ્રાઇમિથોપ્રિમ, ક્વિનોલોન-જૂથ કે સિફેલોસ્પૉરિન દવા વડે ચેપ રોકવા માટે પ્રયત્ન કરાય છે (જુઓ મૂત્રપૂયરોધકો.)

મધુપ્રમેહ, કૅન્સર, લાંબા ગાળાનો કોઈ રોગ, એઇડ્ઝ કે અન્ય પ્રતિરક્ષાલક્ષી ઊણપ સર્જતા વિકારો હોય તો મૂત્રમાર્ગમાં ફૂગનો ચેપ લાગે છે. મુખ્ય ફૂગનો પ્રકાર છે શ્વેત ફૂગ (candida); પરંતુ ક્યારેક એસ્પર્જિલસ, બ્લાટોમાસિસ, ક્રિપ્ટોકોકસ કે ડૉક્સિડૉઇડ્ઝ જેવી ફૂગનો પણ ચેપ લાગે છે. શ્વેત ફૂગના દર્દીમાં ફ્લુકેનેઝોલ, ઇટ્રાકોનેઝોલ અને જરૂર પડે ત્યારે એમ્ફોટેરિસિન-બી નામની દવાનો ઉપયોગ કરાય છે.

શિલીન નં. શુક્લ

પ્રવીણ અ. દવે