મૂત્રમાર્ગ-નિરીક્ષા (uroendoscopy) : મૂત્રમાર્ગની અંદર સાધન વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવાની પ્રક્રિયા. આ ક્ષેત્રના વિકાસને કારણે હવે તેને એક વિશિષ્ટ ઉપવિદ્યાશાખા તરીકે પણ જોવામાં આવે છે અને તેને મૂત્રમાર્ગ-નિરીક્ષાવિદ્યા (endourology) કહે છે. નેવુંના દાયકામાં તેને લગતો ઘણો વિકાસ થયેલો છે. તેની મદદથી ઘણી વખત શરીર પર કાપ મૂકીને કરાતી મૂત્રમાર્ગ માટેની શસ્ત્રક્રિયાની કરવાની જરૂરિયાત પણ ઘટી છે. મૂત્રપિંડથી માંડીને મૂત્રાશયનળીમાં અંત:દર્શક (endoscope) વડે કરાતી વિવિધ પ્રક્રિયાઓને તેની અંતર્ગત આવરી લેવાય છે. શરીરમાંના કુદરતી છિદ્ર કે કૃત્રિમ રીતે કરાયેલા છિદ્રમાંથી જે નળી નાંખીને અંદરના ભાગનું નિરીક્ષણ તથા સારવાર કરાય છે તે નળીવાળા સાધનને અંત:દર્શક કહે છે. મૂત્રપિંડ તથા મૂત્રપિંડનળીના ઉપરના છેડે કરાતી પ્રક્રિયાઓ માટે અંત:દર્શકને નીચેના છેડે મૂત્રાશયનળી દ્વારા વિપરીતમાર્ગે ચડાવીને અથવા કમરમાં છિદ્ર પાડીને ઉપરથી નીચે તરફ અંત:દર્શકને પ્રવેશ કરાવીને મૂત્રમાર્ગ-નિરીક્ષા કરાય છે. તેમને અનુક્રમે વિપરીતમાર્ગી અંતર્નિરીક્ષા (retrograde endoscopy) અને પુર:માર્ગી અંતર્નિરીક્ષા (antegrade endoscopy) કહે છે. મૂત્રાશયના પોલાણની નિરીક્ષણ-પ્રક્રિયાને મૂત્રાશયનિરીક્ષા-(cystoscopy), મૂત્રાશયનળીના પોલાણના નિરીક્ષણને મૂત્રાશયનળીનિરીક્ષા (urethroscopy), મૂત્રાશય તથા તેની નળીના પોલાણના નિરીક્ષણને સનલી-મૂત્રાશયનિરીક્ષા (cystourethroscopy) કહે છે. મૂત્રપિંડનળીના પોલાણના નિરીક્ષણ-અભ્યાસને મૂત્રપિંડનળીનિરીક્ષા (urethroscopy) કહે છે. જો તે માટે મૂત્રાશયમાં અંત:દર્શક નાંખીને અવળે માર્ગે અંતર્નિરીક્ષા (endoscopy) કરાય તો તેને વિપરીતમાર્ગી મૂત્રપિંડનળીનિરીક્ષા (retrograde urethroscopy) કહે છે. અંત:દર્શકમાં ઓછામાં ઓછી એક પોલી નળી હોય છે, જેના વડે પ્રકાશને અંદર તરફ નાંખીને દીવાલની સપાટીનું નિરીક્ષણ કરાય છે. વધુ નળીઓ જોડેલી હોય તો તેના વડે અન્ય પ્રક્રિયાઓ (દા.ત.,  પથરી કાઢવી, પેશીનો ટુકડો લેવો, પ્રવાહીનું સિંચન કરવું વગેરે) પણ કરી શકાય છે.

સનલીમૂત્રાશયનિરીક્ષા : આશરે સોએક વર્ષ પહેલાં મીણબત્તીના પરાવર્તિત પ્રકાશ વડે મૂત્રાશય અને તેની નળીની અંતર્નિરીક્ષા શરૂ થઈ હતી. ત્યારબાદ તેના સાધનમાં સુધારા થતા રહ્યા. તેમાં અક્કડ અથવા અવલનશીલ (rigid) નળીવાળા અંત:દર્શક સાથે વિવિધ ક્ષમતાવાળા ર્દકકાચ જોડવાની વ્યવસ્થા થઈ જેથી કરીને અંદરની સપાટી મોટી કરીને જોઈ શકાય. આ સાથે મૂત્રાશયમાં સતત પાણી સીંચીને વહેવડાવવાની સિંચન-પ્રણાલી (irrigation system) પણ જોડેલી હતી. મૂત્રાશયદર્શકની નળીનું માપ ‘15 થી 24 ફ્રેન્ચ’ વચ્ચે રહેતું. હાલ પ્રકાશવાહી તંતુવાળા (fibreoptic) અને વાળી શકાય (વલનશીલ, flexible) તેવી નળીવાળા અંત:દર્શકો ઉપલબ્ધ છે. પ્રકાશવાહી તંતુઓ વડે વાંકાચૂકા માર્ગે પણ ઇચ્છિત જગ્યાએ પ્રકાશ નાંખી શકાય છે. તેને કારણે અંદરનું નિરીક્ષણ વધુ સારું બન્યું છે, પુરુષ દર્દીને તકલીફ ઘટી છે તથા અંદરના દરેક ખૂણા-ખાંચામાં પણ નિરીક્ષણ કરી શકાય છે. વળી વલનશીલ અંત:દર્શકના વપરાશને લીધે બંને પગને ઉપર અને સહેજ પહોળા કરીને લટકાવવાની અંગસ્થિતિને બદલે હવે દર્દી સરળતાથી ચત્તો સૂઈને તપાસ કરાવી શકે છે અને તેને માટે કોઈ પ્રકારની નિશ્ચેતનક્રિયા(anaesthesia)ની જરૂર પડતી નથી. તેની મદદથી મૂત્રાશયની દીવાલ પરની ગાંઠ, શોથકારી વિકાર (inflammatory disorder), કૅન્સર, મૂત્રાશયના બહિર્માર્ગ (exit) પરનો અવરોધ વગેરે વિવિધ સ્થિતિઓનું નિરીક્ષણ દ્વારા અને જરૂર પડ્યે ટુકડો કાપીને સૂક્ષ્મદર્શક વડે કરાતી પેશીપરીક્ષણ(biopsy)ની ક્રિયા દ્વારા નિદાન થઈ શકે છે. નાની ગાંઠને કાપી કાઢીને દૂર પણ કરી શકાય છે તથા જો પુર:સ્થગ્રંથિ (prostate gland) મોટી થવાથી મૂત્રાશયનળીનું અંદરનું છિદ્ર સાંકડું હોય તો તેને પહોળું કરી શકાય છે. આ પ્રક્રિયાને મૂત્રાશયનળીમાર્ગી અનુછેદન (transurethral resection, TUR) કહે છે. આમ નિદાનની સાથે સાથે સારવાર પણ કરી શકાય છે.

મૂત્રાશયનળીમાર્ગી (વિપરીતમાર્ગી) મૂત્રપિંડનળીનિરીક્ષા (transurethral-retrograde urethroscopy) : સૌપ્રથમ 1919માં આ પ્રક્રિયા કરાઈ. તેમાં મૂત્રાશયનળી દ્વારા અંત:દર્શકની નળીને મૂત્રાશયમાં પ્રવેશ અપાય છે. તેની મદદથી મૂત્રાશયમાં મૂત્રપિંડનળીનું ખૂલતું છિદ્ર જોવામાં આવે છે અને તેમાં સાચવીને અંત:દર્શક નળીને પરોવવામાં આવે છે અને વિપરીતમાર્ગે તેને મૂત્રપિંડનળીમાં ઉપર ચડાવવામાં આવે છે. તેને તે રીતે છેક મૂત્રપિંડદ્રોણી અથવા મૂત્રપિંડકુંડ (renal pelvis) સુધી પહોંચાડવામાં આવે છે. તેની મદદથી તેમાં રહેલી પથરી, શોથજન્ય વિકાર કે ગાંઠને જોઈને તેનું નિદાન કરાય છે. નાની પથરી હોય તો તે અંત:દર્શકની નળી દ્વારા એક છાબડી આકારની જાળી નાંખીને કે મગર કે અજગરમુખી ચીપિયો (alligator forceps) નાંખીને તેમની મદદથી પથરીને નીચે તરફ ખેંચી કઢાય છે. પહોળી નળીવાળા અંત:દર્શક દ્વારા લેઝર તંતુઓ કે વીજ-જલદાબી સાધનોને પણ પ્રવેશ આપી શકાય છે. વધુ મોટી નળીવાળા અંત:દર્શક વડે પથરીને ભાંગવાની અથવા પેશીપરીક્ષણ માટે પેશીનો ટુકડો લેવાની ક્રિયા પણ કરી શકાય છે. પેશાબમાં લોહી વહેતું હોય તો તેનું નિદાન કરવાનું પણ સુગમ બને છે. આમ નિદાન તથા સારવાર એમ બંને પ્રકારની પ્રક્રિયાઓ કરી શકાય છે. જોકે ક્યારેક  મૂત્રપિંડનળીમાં કાણું પડી જવાનો ભય રહે છે. અનુભવી તબીબને હાથે તેવું થવાની ઓછી સંભાવના રહે છે.

મૂત્રપિંડનળી-નિરીક્ષા કરતી વખતે ટીવી જેવા પ્રતિદીપ્ત (fluoroscopic) પડદા પર અંદર નંખાયેલી નળીનું સ્થાન જોવાની વ્યવસ્થા રાખવી પડે છે. દર્દીને નિશ્ચેતક દવા વડે બેભાન કરાય છે તથા વ્યાપક ક્રિયાપટ (broad spectrum) ધરાવતી ઍન્ટિબાયૉટિક દવા અપાય છે. સૌપ્રથમ પ્રતિદીપ્ત પડદા પર જોતાં જોતાં એક માર્ગદર્શક તાર(guide wire)ને નાંખવામાં આવે છે અને તેને મૂત્રપિંડનળીના નીચેના ભાગ સુધી પરોવવામાં આવે છે. ત્યારબાદ 7 ફ્રેન્ચના વ્યાસકદ(calibre)વાળા સાધન વડે મૂત્રાશયનળીનું છિદ્ર અને 19 ફ્રેન્ચ વ્યાસકદવાળા વાહિની-પુનર્રચના માટેના ફુગ્ગા (angioplasty balloon) વડે મૂત્રપિંડનળીના નીચલા છેડાને પહોળો કરાય છે. ત્યારબાદ ફુગ્ગાને બહાર કાઢીને માર્ગદર્શક તાર પર મૂત્રપિંડનળી-દર્શકને પસાર કરાય છે. મૂત્રપિંડનળી-દર્શકને ત્યારબાદ મૂત્રપિંડ દ્રોણી (renal pelvis) સુધી ઉપર તરફ ખસેડાય છે અને માર્ગદર્શક તારને બહાર કાઢી નંખાય છે. એક્સ-રે-રોધી દ્રવ્યને અંત:દર્શકની નળીમાં નાખીને તેનું સ્થાન બરાબર છે તે નક્કી કરી લેવાય છે.

વલનશીલ મૂત્રપિંડનળીદર્શક (flexible urethroscopy)ની મુખ્ય મર્યાદા એ છે કે તેમાંની નળી સાંકડી હોય છે. જોકે તેના વડે મૂત્રપિંડનળીમાંના અવરોધો, પથરી, લોહી વહેતું હોય તો તેનું સ્થાન તથા ગાંઠનું પેશીપરીક્ષણ (biopsy) સહિતનું નિદાન અને કોઈ તંતુજન્ય સંકીર્ણતા (stritcture) થયેલી હોય તો તેની સારવાર કરી શકાય છે. મૂત્રપિંડનળી અને મૂત્રપિંડ-દ્રોણીના વિકારોનું 93 % કિસ્સામાં અને દ્રોણિકાઓ(calices)ના વિકારોનું 75 % થી 85 % કિસ્સામાં નિદાન કરી શકાય છે. પરંતુ મૂત્રમાર્ગમાં ચેપ હોય કે પુષ્કળ પ્રમાણમાં લોહી વહેતું હોય (રુધિરસ્રાવ) તો સનલી-મૂત્રપિંડનિરીક્ષા (urethrorenoscopy) કરાતી નથી.

મૂત્રપિંડનિરીક્ષા (nephroscopy or renoscopy) : કમરની ચામડીમાં છિદ્ર પાડીને પહોળા કરેલા માર્ગે મૂત્રપિંડદર્શક(nephroscope)ને પ્રવેશ આપી શકાય છે. તે માટે અક્કડ (અવલનશીલ, rigid) તથા વલનશીલ (flexible) નળીવાળાં સાધનો ઉપલબ્ધ છે. મૂત્રપિંડદર્શકની નળીને મૂત્રપિંડમાં એક છિદ્ર પાડીને (મૂત્રપિંડછિદ્રણ, nephrostomy) મૂત્રપિંડની પેશીમાં પ્રવેશ અપાય છે અને તેના વડે મૂત્રપિંડ-દ્રોણી (renal pelvis) સુધી પહોંચી શકાય છે. સાધનની નળીમાં બે પ્રકાશવાહી તંતુઓની ભારીઓ (fiberoptic bundles), એક ર્દશ્યવાહી તંતુઓની ભારી (fibreoptic image bundle) તથા એક પ્રવાહી વહન અને સિંચન માટેની નળી હોય છે. તેની ટોચ પર દિશા-પરિવર્તન માટેની સંયોજના (deflecting or steering device) હોય છે. અક્કડ નળીવાળા અંત:દર્શક વડે મોટી પથરીને કાઢી શકાય છે. જ્યારે વલનશીલ નળીવાળા અંત:દર્શક વડે પથરી કાઢવાની છાબડી, પેશીપરીક્ષણ માટેનો ટુકડો મેળવવાનો ચીપિયો તથા નિવેશિકાનળી (catheter) પસાર કરી શકાય છે. પથરીભંજન(lithotripsy)ની ક્રિયા વડે અશ્રાવ્ય ધ્વનિના તરંગના આઘાતો વડે મોટી પથરીના નાના ટુકડા કરાયેલા હોય તો તેને પણ અક્કડ અંત:દર્શક વડે બહાર કાઢી શકાય છે.

શિલીન નં. શુક્લ

શૈલેશ શાહ