મૂત્રમાર્ગતા, નિમ્ન (Hypospadias) : શિશ્ન પરનું છિદ્ર તેની ટોચને બદલે નીચેની સપાટી પર કે ઉપસ્થ વિસ્તાર(perineum)માં હોય તે. દર 350 નર બાળકોમાંથી એકને તેના શિશ્ન(penis)ની ટોચને બદલે તેની નીચલી સપાટી પર હોય છે. મૂત્રાશયનળી તેને લીધે શિશ્નની ટોચ પર ખૂલવાને બદલે તેની નીચેની તરફ ખૂલે છે. આ સાથે શિશ્નના મુકુટ પરનું ચામડીનું આવરણ-ચર્માવરણ (prepuce) પણ નીચેની બાજુએ બરાબર વિકસેલું હોતું નથી. મૂત્રાશયનળીની જન્મજાત કુરચનાઓમાં આ સૌથી વધુ જોવા મળતી કુરચના છે. છિદ્રના સ્થાન પ્રમાણે નિમ્નમૂત્રમાર્ગતાનું વર્ગીકરણ કરાય છે. તેના 4 પ્રકારો વર્ણવેલા છે – (1) અધોમુકુટીય નિમ્નમૂત્રમાર્ગતા (glandular hypospadias), કે જેમાં છિદ્ર શિશ્નમુકુટની ટોચને બદલે નીચેની તરફ હોય છે અને છિદ્રની સામાન્ય જગ્યાએ ખાડો હોય છે. તેને ખાસ સારવારની જરૂર પડતી નથી. (2) કિનારીગત નિમ્નમૂત્રમાર્ગતા (coronal hypospadias) કે જેમાં છિદ્ર શિશ્નમુકુટની કિનારી પર અથવા તેના અને શિશ્નકાયના જોડાણ પર હોય છે. (3) શિશ્નકાયગત નિમ્નમૂત્રમાર્ગતા (penile hypospadias) અથવા શિશ્ન-વૃષણ કોશાગત નિમ્નમૂત્રમાર્ગતા (penoscrotal hypospadias) કે જેમાં છિદ્ર શિશ્નકાયની નીચલી સપાટી પર કે શુક્રપિંડની કોથળી(વૃષણકોશા, scrotum)ની ચામડીમાં આવેલું હોય છે. (4) સૌથી તીવ્ર વિકૃતિ રૂપે છિદ્ર ઉપસ્થ વિસ્તારમાં હોય છે. તેમાં વૃષણકોશા બે ભાગમાં વહેંચાયેલી હોય છે અને તેમની વચ્ચેની ફાડમાં મૂત્રાશયનળી છિદ્ર રૂપે ખૂલે છે. ક્યારેક તે સમયે શુક્રપિંડનું વૃષણકોશામાંનું આવરણ પણ વિષમ બને છે અને તેથી બહાર શુક્રપિંડો જોવા ન મળતા હોવાને લીધે બાળકનું લિંગ નક્કી કરવામાં પણ મુશ્કેલી પડે છે. આનાથી વધુ તીવ્ર વિકારોમાં વિષમસ્થાની છિદ્ર હોવા ઉપરાંત છિદ્ર પછીની મૂત્રાશયનલિકા વિકસેલી હોતી નથી તેમજ શિશ્નનો કોઈ ભાગ પણ વિકસેલો હોતો નથી. તેમને સ્થાને તંતુઓનો રજ્જુ બનેલો હોય છે. તેને કારણે શિશ્ન ધનુષ-આકારે વાંકું વળેલું હોય છે. જેટલું છિદ્ર તેના યોગ્ય સ્થાનથી દૂર, તેટલી શિશ્નધનુષતા (bowing of penis) વધુ હોય છે. જો મૂત્રાશયનળીનું બાહ્ય છિદ્ર શિશ્નની ઉપલી સપાટી પર હોય તો તેને ઊર્ધ્વ-મૂત્રમાર્ગતા (epispadias) કહે છે. તે દર 30,000 નર બાળકોએ 1ને તથા દર 40,000 માદા બાળકોએ 1ને થાય છે. વધુ તીવ્ર વિકૃતિ હોય તો મૂત્રાશય પણ વિષમ સ્થાને હોય છે.

મૂત્રાશયનળીના છિદ્રની વિષમસ્થાનિતા (ચિત્રાત્મક) : (1) મૂત્રાશય; (2) પુર:સ્થ ગ્રંથિ (prostate gland); (3) મૂત્રાશયનળી (urethra); (4) શિશ્નકાય; (5) શિશ્નમુકુટ; (4 અને 5) શિશ્ન; (6) શુક્રપિંડ (વૃષણ); (7) વૃષણકોશા (scrotum); (8) મૂત્રાશયનળીનું બાહ્ય છિદ્ર – સામાન્ય; (9) અધોમુકુટીય નિમ્નમૂત્રમાર્ગતા; (10) કિનારીગત નિમ્નમૂત્રમાર્ગતા; (11) શિશ્નકાયગત નિમ્નમૂત્રમાર્ગતા; (12) શિશ્ન-વૃષણકોશાગત નિમ્નમૂત્રમાર્ગતા; (13) ઉપસ્થવિસ્તારીય નિમ્નમૂત્રમાર્ગતા

સારવાર : અધોમુકુટીય મૂત્રમાર્ગતાના દર્દીને ખાસ સારવારની જરૂર હોતી નથી, પરંતુ જો છિદ્ર સાંકડું હોય તો તેને પહોળું કરાય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયાને છિદ્રછેદન (meatomy) કહે છે. અન્ય પ્રકારના વિકારોમાં લૈંગિક ક્રિયાઓ માટે તથા સુયોગ્ય દેખાવ સર્જવા માટે શસ્ત્રક્રિયા કરાય છે. તે માટે વિવિધ પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયાઓ (plastic surgeries) વર્ણવવામાં આવેલી છે. તેને માટે નિષ્ણાત બાળમૂત્રમાર્ગ શસ્ત્રક્રિયાવિદ (paediatric urologist) પાસે સારવાર લેવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ