મૂત્રદાહ
February, 2002
મૂત્રદાહ : પેશાબ કરતી વખતે અથવા ત્યારપછી તુરત થતી પીડા. દુર્મૂત્રતા(dysuria)ની સંજ્ઞાથી ઓળખાતી તકલીફોમાં ઘણી વખત પીડાકારક મૂત્રણ (micturition) ઉપરાંત મૂત્રણક્રિયામાં અટકાવ કે અવરોધ અનુભવાય તેનો પણ સમાવેશ કરાય છે. મૂત્રદાહ(દુ:મૂત્રતા) કરતા વિવિધ વિકારોમાં મૂત્રમાર્ગમાં ચેપ, ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પછી થતી ઇસ્ટ્રોજન નામના અંત:સ્રાવની ઊણપ, યોનિશોથ(vaginitis), જનનાંગોમાં ચેપ, અંતરાલીય મૂત્રાશયશોથ (intestitial cystitis), રાસાયણિક ક્ષોભન (irritation), મૂત્રાશયના બહિ:દ્વારનું સાંકડાપણું, રિટરનું સંલક્ષણ, મૂત્રાશયમાં ગાંઠ, આંતરડામાં ક્રોહનનો રોગ, મૂત્રાશય કે તેના દ્વારરક્ષકનું ક્ષતિપૂર્ણ કાર્ય, ઈજા પછી લાંબા સમયની તંતુતા, કૅન્સરની વિકિરણ-ચિકિત્સા તથા પુર:સ્થગ્રંથિ(prostate gland)માં ચેપ. પેશાબ કરતી વખતે કે તે પછી થતી બળતરા જેવી પીડાના સ્થાન અને મૂત્રણક્રિયા સાથેના તેના સમયસંબંધને આધારે જે તે નિદાન કરાય છે. જો મૂત્રાશયનળીમાં સાંકડાપણું કે ચેપ હોય તો મૂત્રણ-સમયે મૂત્રાશયનળી અથવા બાહ્ય જનનાંગમાં દુખાવો થાય છે. ક્યારેક તેની સાથે મૂત્રાશયનળીમાંથી થોડો બહિ:સ્રાવ (discharge) પણ થાય છે. મૂત્રાશયમાંના ત્રિભુજ (trigone) વિસ્તારમાં કોઈ પીડાકારક રોગ હોય તો તેનો દુખાવો મૂત્રણસમયે શિશ્નમુકુટ (glans penis) પર સોય ભોંકાતી હોય એવા પ્રકારે અનુભવાય છે. મૂત્રાશયમાં પથરી હોય, મૂત્રાશયમાં ચેપને કારણે મૂત્રાશયશોથ (cystitis) હોય કે મૂત્રાશયનો ક્ષયરોગ થયેલો હોય તો આવો દુખાવો થાય છે. આ ઉપરાંત મૂત્રાશયની બેઠકના વિસ્તારમાં ફેલાતા કૅન્સર કે પુર:સ્થગ્રંથિના ચેપથી થતા પુર:સ્થગ્રંથિશોથ(prostatitis)માં પણ આ પ્રકારનો દુખાવો થાય છે. પુરુષોમાં મૂત્રાશયનળીનું બાહ્ય દ્વાર–છિદ્ર (meatus) સાંકડું હોય કે તેના પર ચાંદી પડેલી હોય તોપણ શિશ્નમુકુટ પર મૂત્રણ-સમયે દુખાવો (બળતરા) થાય છે. પુર:સ્થગ્રંથિના ચેપમાં મૂત્રણ-સમયે દુખાવો ઉપસ્થવિસ્તાર(perineum)માં તથા ગુદાની આસપાસ પણ અનુભવાય છે. સ્ત્રીઓમાં મૂત્રાશયશોથ હોય કે યોનિ(vagina)માં કૅન્સર થાય તો મૂત્રાશયનળીના મુખ પાસે કે ભગવિસ્તારમાં મૂત્રણ-સમયે દુખાવો થાય છે. મૂત્રપિંડનળીના નીચલા છેડે પથરી ફસાઈ ગયેલી હોય તો પેશાબ કર્યા પછી છેલ્લે મૂત્રાશયનળીની બહારના છિદ્ર પાસે સખત દુખાવો થાય છે. રોગ કે ઈજાને કારણે કૃત્રિમ મૂત્રમાર્ગ બને તો તેવી સંયોગનળી(fistula)માંથી પેશાબ પસાર થતાં પણ જે તે સ્થાને બળતરા સાથેનો દુખાવો થાય છે.
શિલીન નં. શુક્લ
પ્રવીણ અ. દવે