મૂત્રણ (micturition) : મૂત્રાશયમાં પેશાબનો સંગ્રહ કરીને તેને સમયાંતરે ખાલી કરવાની ક્રિયા. તેના પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. મૂત્રાશય(urinary bladder)ના મુખ્ય બે ભાગ છે – મૂત્રાશય-કાય તથા મૂત્રાશય-ત્રિભુજ (trigone). મૂત્રાશય-કાય એક પોલી તથા પેશાબના સંગ્રહ સાથે અમુક અંશે પહોળી થઈ શકતી કોથળી છે. તે મૂત્રક્ષેપી સ્નાયુ(detrusor muscle)ની બનેલી છે. મૂત્રાશયની અંદરની દીવાલ પર સંક્રામી અધિચ્છદ(transitional epithelium)નું આચ્છાદન આવેલું હોય છે. તેમાં ગડીઓ (rugae) હોય છે. જ્યારે મૂત્રાશયમાં પેશાબ ભરાય ત્યારે આ ગડીઓ ખૂલીને મૂત્રાશયને ફુલાવીને પહોળું કરે છે. બંને મૂત્રપિંડમાંથી આવતી મૂત્રપિંડનલિકાઓ(ureters)ના મુખ તથા મૂત્રાશયમાંથી નીકળતી મૂત્રાશયનલિકા(urethra)ના મુખને જોડતા ત્રિકોણાકાર વિસ્તારને મૂત્રાશય-ત્રિભુજ કહે છે. તેમાંનો સ્નાયુ સતત સંકુચિત અને સજ્જ રહે છે અને મૂત્રાશયનલિકાના મુખને બંધ રાખે છે. મૂત્રાશયનલિકાના આ અંદરના મુખની ગોળ ફરતા સ્નાયુના તંતુઓ મૂત્રાશય-ત્રિભુજ સ્નાયુનો એક ભાગ છે. તેને અંતર્ગત ચક્રીય દ્વારરક્ષક (internal sphincter) કહે છે. તે સતત સંકોચાયેલો અને સજ્જ રહેતો હોવાથી  મૂત્રાશયનલિકાનું મુખ બંધ રહે છે. તેને કારણે મૂત્રાશયમાં પેશાબ ભરાય છે. જ્યારે મૂત્રક્ષેપી સ્નાયુ સંકોચાય છે ત્યારે મૂત્રાશય-ત્રિભુજનો અંતર્ગત ચક્રીય દ્વારરક્ષક ખૂલીને મૂત્રને બહાર વહેવા દે છે. મૂત્રાશયનલિકામાં એક બીજો ચક્રીય દ્વારરક્ષક (external sphincter) કહે છે. તે વ્યક્તિની ઇચ્છાના આધારે સંકોચાયેલો રહે છે અને વ્યક્તિ તેને શિથિલ કરીને પેશાબનું બહાર વહન થવા દે છે. મૂત્રાશય અને મૂત્રાશયનલિકાના સ્નાયુઓનું નિયંત્રણ 3 પ્રકારની ચેતાઓ કરે છે : કાયિક ચેતાઓ (somatic nerves), અનુકંપી ચેતાઓ (sympathetic nerves) તથા પરાનુકંપી ચેતાઓ (parasympathetic nerves). આ ચેતાઓ કરોડરજ્જુની T11 થી S4 ખંડિકાઓ(segments)માંથી આવે છે. મૂત્રણ અંગેની સંવેદનાઓ વિવિધ ચેતાઓ દ્વારા કેન્દ્રીય ચેતાતંત્રમાં પહોંચે છે તથા મૂત્રણની ક્રિયાના આરંભ, અંત, અટકાવ તથા અન્ય નિયંત્રણો માટેના ચેતાતંત્રીય સંદેશાઓ પણ આ ચેતાઓ દ્વારા મૂત્રાશય, મૂત્રાશયનલિકા તથા તેના દ્વારરક્ષકો સુધી પહોંચે છે.

આકૃતિ 1 : બૅરિંગ્ટનની મૂત્રણલક્ષી ચેતાપરાવર્તી ક્રિયાઓના માર્ગો. નોંધ : ત્રણ પ્રકારની ઉત્તેજનાઓ ત્રણ જુદી જુદી કેન્દ્રાભિસારી (afferent) ચેતાઓ દ્વારા કરોડરજ્જુ અને પશ્ચસ્થ મસ્તિષ્કમાં સંવેદના પહોંચાડે છે. તેમને ‘’ની સંજ્ઞા વડે દર્શાવી છે. (1) શ્રોણીય ચેતા (pelvic nerve), (2) નિમ્નોદરીય ચેતા (hypogastric nerve) અને (3) બાહ્યજનનાંગ ચેતા (pudental nerve). ચેતાકેન્દ્રમાંની પ્રતિભાવકારક પ્રેરક સંવેદનાઓ તે જ ત્રણ ચેતાઓ દ્વારા વહે છે. તેમને કેન્દ્રાપસારી (efferent) ચેતાઓ કહે છે અને તેમને ‘’ની સંજ્ઞા વડે દર્શાવી છે.

મૂત્રસંગ્રહ : મૂત્રપિંડમાંથી આવતી બંને નલિકાઓમાંથી આવતો પેશાબ મૂત્રાશયમાં એકઠો થાય છે. મૂત્રપિંડનલિકામાંની લહરીગતિ(peristalsis)ના તરંગો દ્વારા તેનું મૂત્રાશયમાં વહન થાય છે. દરેક તરંગ સાથે પેશાબની નાની પિચકારી (jet) મૂત્રાશયમાં આવે છે. તેમનો વેગ 20–25 મિમિ/સેકન્ડ હોય છે અને દર મિનિટે 1થી 5 વખત મૂત્ર-પિચકારી થાય છે. દરેક વખતે મૂત્રાશયમાં દબાણ વધે છે અને મૂત્રક્ષેપક સ્નાયુના શિથિલનને કારણે તે પહોળું થાય છે અને તે કારણે મૂત્રાશયનું કદ વધે છે અને દબાણ સહેજ ઘટે છે. ક્રમશ: ઉમેરાતા જતા મૂત્રથી મૂત્રાશયનું કદ વધતું રહે છે, પરંતુ લાપ્લાસના નિયમ પ્રમાણે મૂત્રાશયમાંનું દબાણ કે તેની દીવાલમાં તણાવ વધતું નથી. આવું મૂત્રાશયમાં 400 મિલી મૂત્ર એકઠું થાય ત્યાં સુધી બને છે. તે પછી મૂત્રાશયના સ્નાયુઓ વધુ શિથિલન પામતા નથી અને તેને કારણે મૂત્રના વધતા કદ સાથે મૂત્રાશયમાં દબાણ પણ વધે છે તથા તેની દીવાલમાં તણાવ વધે છે અને તેથી જ્યારે મૂત્રાશયમાં 350થી 400 મિલી. મૂત્ર ભરાય ત્યારે પેશાબ કરવાની કુદરતી ઇચ્છા થઈ આવે છે. વ્યક્તિ પોતે નિર્ણય કરીને 700થી 800 મિલી. જેટલું મૂત્ર એકઠું થાય ત્યાં સુધી મૂત્રણ-ઇચ્છા (desire for micturition) દબાવી શકે છે, પરંતુ ત્યારપછી મૂત્રાશયમાં પીડા થાય છે અને મૂત્રણની તાકીદ અથવા અતિશીઘ્રતા (urgency) વધી જાય છે. મૂત્રણ થતું અટકાવી શકાતું નથી અને તે આપોઆપ થવા માંડે છે. જોકે તે સમયે બંને દ્વારરક્ષકો સજ્જ-સંકોચનની સ્થિતિમાં હોય છે, પણ તેઓ મૂત્રપ્રવાહને રોકી શકતા નથી.

આકૃતિ 2 : મૂત્રણની ક્રિયાનું ચેતાતંત્રીય નિયંત્રણ : (અ) કેન્દ્રીય ચેતાતંત્રના ભાગો; (આ) મૂત્રાશય સાથે જોડાતી ચેતાઓ – (1) મોટું મગજ, (2) મૂત્રણ રોકતા ચેતાઆવેગો સર્જતો મગજનો ભાગ, (3) મૂત્રક્ષેપક સ્નાયુનું નિયંત્રણ કરતું ચેતાતંત્ર, (4) કરોડરજ્જુ (T11, T12 L1, L2, S2, S3, S4 વગેરે કરોડરજ્જુના વિખંડો), (5) ચેતામૂળ, (6) અનુકંપી ચેતાકંદ શૃંખલા (Sympathatic chain), (7) નિમ્નોદરીય ચેતા (hypogastric nerve), (8) શ્રોણીય અવયવીય ચેતા (pelvic splanchnic nerve), (9) બાહ્ય જનનાંગ ચેતા (pudental nerve), (10) મૂત્રાશય, (11) પુર:સ્થગ્રંથિ (prostate gland), (12) મૂત્રાશય નળી (urethra), (13) બાહ્ય ચક્રીય દ્વારરક્ષક (external sphincter)

મૂત્રણપ્રવિધિ (mechanism of micturition) : મૂત્રણની પ્રક્રિયામાં મૂત્રાશય અને બહારના સ્નાયુઓનું સુસંગત સંકોચન-શિથિલન થયેલું હોય છે. તે સમયે મૂત્રાશય, પેટની દીવાલ તથા શ્રોણીના તળિયા(floor of pelvis)ના સ્નાયુઓ સંકોચાય છે. છાતીની દીવાલ અને ઉરોદરપટલ(diaphragm)ના સ્નાયુઓ સંકોચાઈને સ્થિર અવસ્થામાં રહે છે અને બહિર્ગત અને અંતર્ગત ચક્રીય દ્વારરક્ષકોના સ્નાયુઓ શિથિલન પામે છે. તેને કારણે મૂત્રાશયની અંદર અને બહાર દબાણ વધે છે અને મૂત્રાશયનલિકાનું છિદ્ર ખુલ્લું થાય છે, જેથી વેગથી મૂત્ર બહાર તરફ વહી જાય છે. આમ આ સમયે ઐચ્છિક અને અનૈચ્છિક સ્નાયુઓના સંકોચન-શિથિલનમાં સુસંગતતા આવેલી હોય છે. મૂત્રાશયમાં નિવેશિકા (catheter) નાંખીને મૂત્રાશયમાં થતા દબાણોના ફેરફાર અને મૂત્રવહનના વેગને તથા મળાશયમાં પણ નિવેશિકા મૂકીને પેટના પોલાણમાં થતા દબાણના ફેરફારને નોંધી શકાય છે. તેને મૂત્રાશયમાપન(cystometry)નું પરીક્ષણ કહે છે.

મૂત્રણલક્ષી ચેતાપરાવર્તી ક્રિયાઓ(micturition reflexes) : મૂત્રાશયમાં પેશાબના ભરાવાને કારણે ઉદભવતી સંવેદનાઓ કરોડરજ્જુ કે મગજમાં જાય છે, જ્યાંથી સ્નાયુઓના સંકોચન-શિથિલન માટેના આવેગો પાછા આવે છે. તે મૂત્રણની ક્રિયાને અટકાવે છે, શરૂ કરે છે કે ચાલુ રાખે છે. આ પ્રકારના ચેતાઓમાં થતાં આવેગ-વહનો અને ચેતાકેન્દ્રો દ્વારા થતા મૂત્રણ-પ્રક્રિયાના નિયંત્રણને મૂત્રણલક્ષી ચેતાપરાવર્તી ક્રિયાઓ કહે છે. કુલ 6 ચેતાપરાવર્તી ક્રિયાઓ વર્ણવાઈ છે. તેમને બૅરિંગ્ટનની મૂત્રણ-ચેતાપરાવર્તી ક્રિયાઓ કહે છે.

સારણી 1 : બૅરિંગ્ટનની મૂત્રણલક્ષી ચેતાપરાવર્તી ક્રિયાઓ

ક્રમ ઉત્તેજના ઉત્તેજનાની સંવેદના લઈ જતી કેન્દ્રાભિસારી (afferent) ચેતા ચેતાકેન્દ્ર પ્રતિભાવપ્રેરક આવેગો લઈ જતી કેન્દ્રાપસારી (efferent) ચેતા પ્રતિભાવ
1. પેશાબ ભરાવાથી મૂત્રાશયનું ફૂલવું શ્રોણીય (pelvic) ચેતા પશ્ચસ્થ મસ્તિષ્ક (hind brain) શ્રોણીય ચેતા મૂત્રાશયમાંના મૂત્રક્ષેપક (detrusor) સ્નાયુનું સંકોચન
કરોડરજ્જુ શ્રોણીય ચેતા પશ્ચસ્થ મૂત્રાશયનલિકાના સ્નાયુઓનું શિથિલન અને મૂત્રપ્રવેશ
બાહ્ય જનનાંગી ચેતા (pudental nerve) મૂત્રાશયનલિકાના સ્નાયુઓનું શિથિલન અને મૂત્રપ્રવેશ
2. મૂત્રપ્રવેશથી પશ્ચસ્થ મૂત્રાશય-નલિકાનું ફૂલવું નિમ્નોદરીય (hypogastric) ચેતા કરોડરજ્જુ નિમ્નોદરીય ચેતા મૂત્રક્ષેપક સ્નાયુનું સંકોચન
3. મૂત્રાશયન નલિકામાં મૂત્ર-પ્રવેશ અને વહન બાહ્ય જનનાંગી ચેતા (pudental nerve) પશ્ચસ્થ મસ્તિષ્ક શ્રોણીય ચેતા મૂત્રક્ષેપક સ્નાયુનું સંકોચન
કરોડરજ્જુ બાહ્ય જનનાંગી ચેતા મૂત્રાશયનલિકાના સ્નાયુઓનું શિથિલન, મૂત્રવહન

જુદા જુદા 6 પ્રતિભાવો ઉત્પન્ન કરતી ચેતા-પરાવર્તી ક્રિયાઓ વડે મૂત્રણની પ્રક્રિયા સંભવિત બને છે. પેશાબ ભરાવાથી મૂત્રાશય પહોળું થાય છે અને તેની દીવાલમાં તણાવ ઉત્પન્ન થાય છે. તેને કારણે ઉદભવતી ઉત્તેજનાઓ શ્રોણીય ચેતા (pelvic nerve) દ્વારા કરોડરજ્જુ અને મગજમાં જાય છે અને તેમાં આવેલાં ચેતાકેન્દ્રોમાંથી તેના પ્રતિભાવ રૂપે આવેગો ઉદભવે છે, જે મૂત્રાશયમાંના મૂત્રક્ષેપક સ્નાયુ(detrusor muscle)નું સંકોચન કરાવે છે અને મૂત્રાશયનલિકાની આસપાસના સ્નાયુઓને શિથિલ કરે છે. તેને કારણે મૂત્રાશયમાંનો પેશાબ મૂત્રાશયનલિકામાં પ્રવેશે છે અને વહેવા માંડે છે. સારણી-1 તથા આકૃતિ-1માં ચેતાપરાવર્તી ક્રિયાઓના ચેતાપથને દર્શાવેલા છે. મૂત્રાશયનલિકામાં પેશાબ આવે એટલે તેનાથી ઉદભવતી સંવેદનાઓ કરોડરજ્જુ અને મગજનાં ચેતાકેન્દ્રો દ્વારા મૂત્રક્ષેપક સ્નાયુના સંકોચનને તથા મૂત્રાશયનલિકાના સ્નાયુઓના શિથિલનને વધુ તીવ્ર કરે છે. આમ મૂત્રણની પ્રક્રિયા પૂરી થાય છે. મૂત્રણની પ્રક્રિયાનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રો મોટા મગજના બાહ્યક(cortex)માં, અધશ્ર્ચેતક(hypothalamus)માં, મસ્તિષ્ક-પ્રકાંડ(brain stem)માં તથા કરોડરજ્જુમાં આવેલાં છે.

મૂત્રાશયના સ્નાયુઓ, ચેતાઓ, કરોડરજ્જુ અને ઉપરના ચેતાતંત્રમાં વિકાર થાય ત્યારે મૂત્રણની પ્રક્રિયા અસરગ્રસ્ત થાય છે. તેના કારણે કાં તો તેમાં પેશાબ ભરાઈ રહે છે અથવા વારંવાર પેશાબ થયા કરે છે અને તેને નિયંત્રિત કરી શકાતો નથી. આવી સ્થિતિને ચેતારુગ્ણતાજન્ય મૂત્રાશયવિકાર (neurogenic bladder) કહે છે. તેના પ્રકારને આધારે ચેતાતંત્રમાં કયો વિકાર થયો છે તે જાણી શકાય છે. મોટા મગજના સ્નાયુઓનું નિયંત્રણ કરતા બાહ્યકમાં જો બંને બાજુએ (ડાબા અને જમણા ગોળાર્ધોમાં) રોગ કે વિકાર થયો હોય તો પેશાબ રોકી રાખવામાં તકલીફ ઉદભવે છે અને વ્યક્તિ અનૈચ્છિક રીતે પેશાબ કરી નાંખે છે. અધશ્ચેતકના આગલા ભાગનાં ચેતાકેન્દ્રો મૂત્રક્ષેપક સ્નાયુની સજ્જતા વધારે છે, જ્યારે પાછલા ભાગનાં ચેતાકેન્દ્રો તેની સજ્જતા ઘટાડે છે. મસ્તિષ્ક-પ્રકાંડના ઉપલા ભાગનાં ચેતાકેન્દ્રો મૂત્રાશયના સંવેદનાજન્ય સંકોચનને વધારે છે જ્યારે નીચલા ભાગનાં ચેતાકેન્દ્રો તેને ઘટાડે છે. આમ કરોડરજ્જુનો જે ભાગ મૂત્રાશય અને મૂત્રાશયનલિકા સ્નાયુઓનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રો ધરાવે છે તેનાથી ઉપરના ચેતાતંત્રમાંનાં ચેતાકેન્દ્રોમાં મૂત્રણની ક્રિયાનું વર્ધન કે અવદાબન કરતા આવેગો ઉદભવે છે; જ્યારે મોટા મગજમાં મુખ્યત્વે તેનું અવદાબન કરતા ચેતા-આવેગો ઉદભવે છે. તેથી કરોડરજ્જુના ઉપલા ભાગમાં જો વિકાર થાય તો ઉપલાં ચેતાકેન્દ્રો દ્વારા થતું નિયંત્રણ ઘટે છે. કરોડરજ્જુના ત્રિકાસ્થિ ખંડિકાઓ(sacral segments)માંનાં ચેતાકેન્દ્રો મૂત્રક્ષેપક સ્નાયુઓનું સંકોચન અને મૂત્રાશયનલિકાના સ્નાયુઓનું સીધું નિયંત્રણ કરે છે; તેથી પરિધીય ચેતાઓ અને કરોડરજ્જુમાંનાં ચેતાકેન્દ્રોમાં વિકાર થાય તો મૂત્રણલક્ષી ચેતાપરાવર્તી ક્રિયાના પથમાં વિકાર ઉદભવે છે. આવા સમયે કાં તો મૂત્રાશયમાં પેશાબ ભરાવાની સંવેદના ચેતાકેન્દ્ર સુધી પહોંચતી નથી (સંવેદનાલક્ષી ક્ષતિ) અથવા તેના પ્રતિભાવ રૂપે મૂત્રક્ષેપક સ્નાયુનું સંકોચન કરાવીને મૂત્રણક્રિયા કરાવવાની પ્રક્રિયા થતી નથી (પ્રેરણાલક્ષી ક્ષતિ). આ બંને સંજોગોમાં મૂત્રાશયમાં પેશાબ ભરાય છે અને વધુ પડતા ભરાવાને કારણે પેશાબનાં ટપકાં પડવા માંડે છે. તેને અતિસંગ્રહજન્ય ઉદભારણ (retention with overflow) કહે છે. જો સંવેદનાલક્ષી ક્ષતિ હોય તો પેશાબ ભરાવાથી ખાસ દુખાવો થતો નથી; પરંતુ જો તે પ્રેરણાલક્ષી ક્ષતિ હોય તો પેશાબ ભરાવાથી દુખાવો થાય છે. આવા સમયે કરોડરજ્જુમાંનાં ચેતાકેન્દ્રો સક્રિય હોતાં નથી; માટે મૂત્રાશય પોતે પોતાની ફૂલવાની ક્ષમતાથી વધુ પેશાબ ભરાય ત્યારે સ્વાયત્ત રીતે સંકોચાઈને અપૂર્ણપણે ખાલી થાય છે. તેથી તેવી સ્થિતિને સ્વાયત્ત મૂત્રાશયતા (autonomous bladder) કહે છે. કરોડરજ્જુમાંનાં ચેતાકેન્દ્રો પરનું ઉપરનાં ચેતાકેન્દ્રોનું નિયમન કપાઈ જાય તેવા ચેતાતંત્રના ઉપરના ભાગના વિકારોમાં ચેતાપરાવર્તી રૂપે મૂત્રાશય ભરાય એટલે તેનું સંકોચન થઈને મૂત્રણની ક્રિયા થાય છે. આવા વિકારને સ્વયંસંચાલિત મૂત્રાશયતા (automatic bladder) કહે છે. મૂત્રણની પ્રક્રિયા પત્યા પછી મૂત્રાશયમાં જેટલું મૂત્ર ભરાઈ રહે તેને અવશેષીય મૂત્ર (residual urine) કહે છે. સામાન્ય રીતે તે 30 મિલી.થી ઓછું હોય છે. કરોડરજ્જુની ખંડિકાઓ તથા મૂત્રાશયની ચેતાઓના વિકારોમાં મૂત્રાશયમાં ઘણો પેશાબ ભરાઈ રહે છે અને તેથી મૂત્રાશયના મૂત્રક્ષેપક સ્નાયુની સજ્જતા ઘટે છે. તેને અસજ્જી મૂત્રાશયતા (atonic bladder) કરે છે. આ વિકારમાં અવશેષીય મૂત્રનું પ્રમાણ વધુ હોય છે.

મૂત્રાશયના ચેતાતંત્રીય વિકારો ઉપરાંત મૂત્રાશયનલિકામાં અવરોધ ઉદભવે કે મૂત્રાશય પર બહારથી કે અંદરથી ગાંઠ કે અન્ય રીતે દબાણ થાય તો પણ મૂત્રણની પ્રક્રિયામાં વિક્ષેપ ઉદભવે છે. મોટી ઉંમરે મૂત્રાશયનલિકાની બહાર આવેલી પુર:સ્થ ગ્રંથિ (prostat gland) મોટી થાય તો તે અવરોધ કરીને મૂત્રણની પ્રક્રિયાને અવરોધે છે. મૂત્રાશયમાં, મૂત્રાશયની બહાર જનનાંગોમાં કે પુર:સ્થગ્રંથિમાં કૅન્સર ઉદભવે તો તે મૂત્રમાર્ગમાં અવરોધ કે મૂત્રાશયના સંકોચનમાં વિકાર પેદા થાય છે અને તેથી મૂત્રણની પ્રક્રિયામાં અટકાવ થાય છે. આવી રીતે ક્યારેક મૂત્રાશયનલિકામાં પથરી ભરાઈ રહે તો પણ મૂત્રણની પ્રક્રિયા અવરોધાય છે. આ બધા જ સંજોગોમાં મૂત્રાશય પહોળું થાય છે, ક્યારેક તેની દીવાલમાં ગડીઓ પડે છે અને દીવાલ જાડી થઈ જાય છે. મૂત્રપિંડનલિકા તેમજ મૂત્રપિંડમાં પણ દબાણ વધવાથી તે પહોળાં થાય છે.

મૂત્રણના વિકારોના નિદાનમાં મૂત્રાશયમાપન (cystometry) નામની નિદાનપદ્ધતિ વપરાય છે. તેમાં મૂત્રાશયમાપક (cystometer) નામનું યંત્ર વપરાય છે. તે મૂત્રાશયમાં ઉદભવતાં દબાણ, મૂત્રાશયની દીવાલમાં ઉદભવતા તણાવ તથા મૂત્રણની પ્રક્રિયા વખતે મૂત્રક્ષેપનો વેગ વગેરે વિવિધ પરિમાણોનું માપન કરીને નિદાન કરવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત મૂત્રમાર્ગનાં ચિત્રણો મેળવીને પણ નિદાન કરાય છે, જેમ કે શિરામાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ (intravenous pyelography, IVP), સી.એ.ટી. સ્કેન, એમ.આર.આઈ. વગેરે. જે તે કારણરૂપ વિકાર પ્રમાણે સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ

બશીર એહમદી