મુહાફિઝખાન (પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના શાસનકાળ દરમિયાન ચાંપાનેર અને અમદાવાદ વચ્ચેના પ્રદેશનો ફોજદાર. તેનું નામ મલેક જમાલુદ્દીન હતું અને તે લશ્કરી સરંજામની વખારોનો દારોગા હતો. મહમૂદ બેગડાએ ઈ. સ. 1471માં તેને ‘મુહાફિઝખાન’નો ખિતાબ એનાયત કરી, ચાંપાનેર તથા અમદાવાદની વચ્ચેના પ્રદેશનો ફોજદાર નીમ્યો તથા તેને એના રક્ષણની જવાબદારી સોંપી. તેણે કડક હાથે કામ લઈ તે વિસ્તારમાં થતી ચોરી અને લૂંટફાટ દબાવી દીધી. તેણે તે પ્રદેશની અસામાજિક વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને તેથી બાકી રહી ગયેલ ચોર-લૂંટારાઓ નાસી ગયા. ઈ. સ. 1492માં તેણે અમદાવાદમાં ઘીકાંટાને રસ્તે ત્રણ મહેરાબવાળી એક મસ્જિદ બંધાવી. આ મસ્જિદ ત્રણ કમાનોવાળી છે અને તેમની ઉપર ઝરૂખા કરેલા છે. તેમાં ખૂબ સુંદર નકશીકામ કરેલું છે. મસ્જિદને છેડે મિનારા કર્યા છે, તે અષ્ટકોણીય છે, અને તેમને અલંકરણોથી સુશોભિત કરેલા છે. આ મસ્જિદના મિનારા હાલે છે. એનો એક મિનારો હલાવવાથી, બીજો પણ હાલે છે.

જયકુમાર ર. શુક્લ