મુસોલીની, બેનીટો (જ. 29 જુલાઈ 1883, ડોવિયા, ઉત્તર ઇટાલી; અ. 28 એપ્રિલ 1945, મિલાન) : ઇટાલીનો ફાસીવાદી સરમુખત્યાર. મુસોલીનીએ ઇટાલીમાં ફાસીવાદી સંગઠન સ્થાપ્યું અને પોતે તેનો સરમુખત્યાર શાસક બન્યો. તેનો જન્મ લુહાર કુટુંબમાં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવી ઉચ્ચશિક્ષણ ફોલીમાં મેળવ્યું. 1902માં તે સ્વિટ્ઝર્લૅન્ડમાં કામદાર બન્યો. તે દરમિયાન તેના પર સમાજવાદની અસર થતાં તેણે ત્યાં કામદારો દ્વારા હડતાળો પડાવતાં 1904માં તેને ઇટાલી પાછા ફરવું પડ્યું. 1907 અને 1908માં શાળાના શિક્ષક બન્યા પછી 1912માં તેણે ‘અવન્તિ’ તથા ‘ઇલ પોપોલો દી ઇટાલિયા’નું સંપાદનકાર્ય કર્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલી મિત્રરાજ્યોના પક્ષે યુદ્ધ લડ્યું ત્યારે મુસોલીનીએ લશ્કરમાં જોડાઈ યુદ્ધમાં કામગીરી કરી હતી અને ઘવાયો હતો. યુદ્ધ બાદ પૅરિસ સંમેલનમાં ઇટાલીને આર્થિક લાભ ન મળતાં તેની ઇટાલી પર ખરાબ અસર થઈ. તે સમાજવાદનો વિરોધી બન્યો. તે સમયે મુસોલીનીએ 23 માર્ચ, 1919ના રોજ મિલાનમાં ફાસિસ્ટ સંગઠન સ્થાપી તેના વિકાસનાં કાર્યો કર્યાં. તેનાં વ્યક્તિત્વ અને ભાષણોથી અનેક લોકો પ્રભાવિત થઈ ફાસીવાદી સંગઠનમાં જોડાયા. ઈ. સ. 1921માં તેની સંખ્યા પાંચ લાખથી વધારે થઈ. મુસોલીનીએ આ સંગઠન દ્વારા સમાજવાદી અને પ્રગતિશીલ આંદોલનોને દબાવ્યાં, ચૂંટણીમાં પાંત્રીસ બેઠકો પ્રાપ્ત કરી. 1922માં પ્રધાનમંત્રી બની પોતાનું પ્રધાનમંડળ રચ્યું, કાયદામાં ઉદાર લોકશાહી પદ્ધતિના સ્થાને ફાસીવાદી પ્રભાવવાળી વ્યવસ્થા દાખલ કરી. પોતે સરમુખત્યાર બન્યો. દેશની આર્થિક સધ્ધરતા માટે ખેતી, ઉદ્યોગ, રેલવે, વીજળી વગેરે ક્ષેત્રે ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન આપ્યું. તેણે બાળલગ્ન અને વધુ સંતાનને પ્રોત્સાહન આપ્યું. ફરજિયાત લશ્કરી સેવા દાખલ કરી. ફાસીવાદી સંગઠનના એક રાજ્ય, એક નેતા, એક ઝંડો તથા લશ્કરવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું.
મુસોલીનીએ ઇટાલીને આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત થાય તેવી વિદેશનીતિ અપનાવી. લશ્કર દ્વારા રોડ્સ, ફ્યૂમ, આલ્બેનિયા અને એબિસિનિયા પર અધિકાર પ્રાપ્ત કર્યો. તેમજ રશિયા, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, રૂમાનિયા, હંગેરી, તુર્કસ્તાન અને યૂનાન સાથે સંધિ કરી. 1936માં જર્મની સાથે સંધિ કરી રાષ્ટ્રસંઘના સભ્યપદનો ત્યાગ કર્યો.
બીજું વિશ્વયુદ્ધ સપ્ટેમ્બર, 1939માં શરૂ થયું અને જર્મનીએ વિજયો મેળવ્યા, તે પછી 10 જૂન, 1940ના રોજ ઇટાલી વિશ્વયુદ્ધમાં જોડાયું. હિટલર સાથેની મુલાકાતો અને નિર્ણયો કરવામાં તેનું મહત્વ ગૌણ રહેતું. હિટલર પોતાની યોજનાઓ મુસોલીનીને અગાઉથી જણાવતો નહિ. સપ્ટેમ્બર, 1940માં ઇટાલીએ ઉત્તર આફ્રિકામાં નવો મોરચો ખોલ્યો. પરંતુ અંગ્રેજોએ ઇજિપ્તમાંથી ઇટાલીના લશ્કરને હાંકી કાઢી મે, 1941 સુધીમાં સોમાલીલૅન્ડ, ઇરિટ્રિયા અને એબિસિનિયામાં ઇટાલીના લશ્કરને હરાવી, તેના આફ્રિકાના સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાંખ્યું. તેનાથી ઇટાલીનો યુદ્ધોન્માદ પૂરો થયો અને મુસોલીનીના પતનની પૂર્વભૂમિકા રચાઈ. મિત્રરાજ્યોના લશ્કરે સિસિલીમાં ઉતરાણ કર્યું, જર્મનીની સેનાને હરાવી સિસિલી કબજે કર્યું (જુલાઈ 1943). તે સાથે ઇટાલીના લોકો મિત્રરાજ્યોના આક્રમણના ભયથી, મુસોલીનીને દોષ દેવા લાગ્યા. ઇટાલીના ફાસીવાદી પક્ષની ગ્રાન્ડ કાઉન્સિલે રાજા વિક્ટર ઇમૅન્યુઅલ ત્રીજાને સર્વ સત્તા સંભાળી લેવા જણાવ્યું. રાજાના હુકમથી મુસોલીનીને પદભ્રષ્ટ કરીને કેદ કરવામાં આવ્યો. તેણે જર્મન સૈનિકના વેશમાં ગુપ્ત રીતે નાસી જવા પ્રયાસ કર્યો; પરંતુ તે ઓળખાઈ ગયો અને તેના દેશવાસીઓએ ગોળીબાર કરી તેને મારી નાખ્યો.
જિગીશ પંડ્યા