મુસ્તફાબાદ : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ સ્થાપેલું શહેર. જૂનાગઢના રાજવી રા’ માંડલિકને ઈ. સ. 1469માં હરાવી જૂનાગઢ જીતીને મહમૂદ બેગડાએ જે નવું શહેર વસાવ્યું તે આ. ‘મુસ્તફા’ એટલે ‘અલ્લાહની પ્રસન્નતા પામેલ પયગંબર’ એવો અર્થ થાય છે. આ શહેર તેણે જૂનાગઢ આસપાસના કુદરતી સૌંદર્યથી પ્રસન્ન થઈને જૂનાગઢના તત્કાલીન વસવાટથી દૂર ગિરનારની તળેટીમાં નવી જગ્યાએ વસાવ્યું. બીજા મંતવ્ય પ્રમાણે રા’ માંડલિકના આશ્રિતો, સેનાપતિ, ન્યાયાધીશ વગેરે રાજદરબાર સાથે સંકળાયેલા લોકો તેમનો વસવાટ ખાલી કરી ગયા હશે અને તે સ્થળે મહમૂદે પોતાના અમીરો અને લશ્કરના અમલદારો, સૈયદો, ધર્માનુરાગી કાઝીઓ, વિદ્વાનો વગેરેને વસાવ્યા હશે. મહમૂદે લડાઈના અંત પછી જૂનાગઢનો કોટ સમરાવ્યો હતો. સુલતાને જૂનાગઢમાં રહીને તેની આબાદી વધારી હતી. જહાંપનાહે કિલ્લામાં મોટા મહેલો બંધાવ્યા હતા. તેણે તેના અમીરોને પણ અહીં મોટાં મકાનો બાંધવા ફરજ પાડી હતી. આ શહેરની રોનકને લીધે તે અમદાવાદની નકલ જેવું હતું એવું ‘તબકાતે અકબરી’માં વિધાન છે. મહમૂદે મુસ્તફાબાદને તેના સોરઠના પાયતખ્ત તરીકે માનવંતું સ્થાન આપ્યું હતું. અહીં તેના નામના સિક્કા માટેની ટંકશાળ પણ સ્થપાઈ હતી. હિ. સં. 875થી 915 વરસ દર્શાવતા ચાંદીના, મિશ્ર ધાતુના તથા તાંબાના પચાસેક સિક્કાઓ મળ્યા છે. સિક્કાઓ પૈકી તાંબાના સિક્કાની સંખ્યા વધુ છે. આ શહેર બાંધવા માટે સોરઠમાં ઇસ્લામનો પ્રચાર કરવાનો તેનો ઉદ્દેશ હોય તેમ જણાય છે.

શિવપ્રસાદ રાજગોર