મુસહફી, ગુલામ હમદાની (જ. 1728, અકબરપુર, ઉત્તરપ્રદેશ; અ. 1828) : અઢારમા શતકના ઉર્દૂ કવિ તથા લેખક. તેમણે શાહજહાંબાદ (દિલ્હી) અને લખનૌમાં કવિ તરીકે નામના મેળવી હતી. તેમના કાવ્યસંગ્રહ ‘કુલ્લિયાત’માં ઉર્દૂ તથા ફારસી ભાષાનાં કાવ્યોનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. તેમણે ઊર્મિકાવ્યો (ગઝલો), પ્રશંસાકાવ્યો (કસીદા) અને વૃત્તાંતકાવ્યો (મસ્નવીઓ) લખ્યાં છે. તેમણે ‘તઝકિરએ હિન્દી ગોયાં’ (હિંદી કવિઓનો વૃત્તાંત-સંગ્રહ) નામે, ફારસી ભાષામાં તથા ઉર્દૂ કવિઓનાં જીવનવૃત્તાંત તથા ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ તૈયાર કર્યો હતો. આ પ્રકારની તેમની બીજી ગદ્યકૃતિ ‘રિયાઝ-ઉલ-ફુસ્હા’ (વાક્ચાતુર્યનું ઉદ્યાન) પણ જાણીતી છે. તેમના ત્રીજા તઝકિરાનું નામ ‘ઇકદે સુરૈયા’ છે. તેમની ચોથી ગદ્યકૃતિ ‘મજમઉલ ફવાઈદ’ છે, તેમાં કવિએ પોતાના જીવનપ્રસંગો વિસ્તારથી લખ્યા છે અને લખનૌ તથા અન્ય શહેરોમાં જે અમીર-ઉમરાવો તથા કવિઓ-વિદ્વાનોના સંપર્કમાં તેઓ આવ્યા હતા તેમનો અહેવાલ પણ આપ્યો છે.

મુસહફી એક વિદ્વાન કવિ હતા. તેમણે અરબી તથા ફારસી ભાષા ઉપરાંત, કેટલાક ધાર્મિક ગ્રંથો અને વિશેષ કરીને અરબી વ્યાકરણ, ભાષાશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર ઇત્યાદિનો પણ અભ્યાસ કર્યો હતો. તેઓ કવિતા અંગે આગવી ર્દષ્ટિ ધરાવતા હતા. કવિતામાં સ્વયંસ્ફુરણાના તત્વ ઉપરાંત કાવ્યશાસ્ત્રના નિયમોનું પાલન કરવાનું પણ તેઓ આવશ્યક ગણતા હતા. તેમણે પોતાની ગદ્યકૃતિઓમાં કવિઓ વિશે જે આલોચનાત્મક નોંધો લખી છે તે તેમના ર્દષ્ટિબિંદુને સ્પષ્ટ કરે છે. કવિ મુસહફીનો સમય હિંદમાં મુઘલ જાહોજલાલીની પડતીનો કાળ હતો. આર્થિક તથા સામાજિક અવદશાની સાથે સાથે માનવીય મૂલ્યો પણ અર્દશ્ય થઈ રહ્યાં હતાં. આ પરિસ્થિતિમાં મુસહફીએ આર્થિક સંકડામણની સાથે સાથે વૈચારિક અધોગતિનો પણ સામનો કર્યો હતો. તેમનું દુ:ખ તેમની ગદ્ય-પદ્ય કૃતિઓમાં વ્યક્ત થયું છે. તેમની ઉર્દૂ રચનાઓમાં મસ્નવી પ્રકારનાં કાવ્યો ઘણું મહત્વ ધરાવે છે. આવાં કાવ્યોમાં સામાન્ય માણસને નડતી મુશ્કેલીઓ, તકલીફો, કનડગતો તથા સમાજમાં નજરે પડતી નબળાઈઓ તરફ તેમણે સચોટ રીતે ધ્યાન દોર્યું છે. તેમના કાવ્યસંગ્રહોમાંનાં કાવ્યોની સંખ્યા ઉપરથી લાગે છે કે તેઓ કાવ્યરચનાની પ્રવૃત્તિમાં સતત પરોવાયેલા રહેતા હતા, એટલું જ નહિ, બલકે તે સમયના રિવાજ મુજબ તેઓ નવોદિત કવિઓને માર્ગદર્શન પણ પૂરું પાડતા હતા. આથી જ તેમના કવિ-શિષ્યોની સંખ્યા સેંકડો સુધી પહોંચે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી