મુહમદ કુલી કુતુબશાહ (જ. 1565; અ. 1612) : દક્ષિણ ભારતના કુતુબશાહી વંશના પ્રખ્યાત રાજવી, ઉર્દૂના પ્રથમ પંક્તિના કવિ, હૈદરાબાદ શહેરના સ્થાપક અને ચહાર મિનાર નામની ભવ્ય ઇમારતના સર્જક. તે 1580માં ગાદીએ આવ્યા અને 35 વર્ષના લાંબા રાજ્યકાળ દરમિયાન તેમણે અનેક શિક્ષણસંસ્થાઓ, પુસ્તકાલયો તથા નહેરો-બગીચાઓ બંધાવ્યાં અને વિદ્યા તથા લલિતકલાઓને પ્રોત્સાહન આપ્યું. તેમણે સ્થાનિક એટલે કે તૈલંગણ-આંધ્ર સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું અને મુસ્લિમ સભ્યતાનું ભારતીયકરણ કર્યું.

મુખ્યત્વે તો તેઓ ઉર્દૂ ભાષાના પ્રથમ સાહબે દીવાન શાયર છે એટલે કે જેમનો એક સ્વતંત્ર કાવ્યસંગ્રહ અસ્તિત્વ ધરાવે છે તેવા એ કવિ છે. તેમના કાવ્યસંગ્રહને 1616માં તેમના ભત્રીજા, જમાઈ તથા અનુગામી સુલતાન મુહંમદે તૈયાર કર્યો હતો. તેમાં 50 હજાર પંક્તિઓનો સમાવેશ થતો હતો અને તેમાં ઉર્દૂમાં પહેલી જ વાર કક્કાવારીના ક્રમે કાવ્યો ગોઠવવામાં આવ્યાં હતાં. તેમણે કાવ્યોમાં પોતાનાં 17 જેટલાં તખલ્લુસો(ઉપનામ)નો ઉપયોગ કર્યો. ભારતીય સમાજમાં ત્યારે ઉચ્ચ વર્ગના અમીર-ઉમરાવ ફારસી ભાષા તથા પરંપરાનો ઉપયોગ કરતા હતા અને નિમ્ન વર્ગના લોકો પોતાની પ્રાદેશિક ભાષા તથા તેની શૈલીઓનો ઉપયોગ કરતા હતા ત્યારે કુલી કુતુબશાહે એક નવી ભાત પાડી. તેમણે ઉચ્ચ વર્ગની પરંપરાઓ, વિચારો તથા ભાવનાઓને પ્રાદેશિક અવિકસિત શૈલીઓમાં ઢાળીને પોતાની એક નવી જ શૈલી વિકસાવી; જે સામાન્ય પ્રજાની વધુ નજીક હતી. તેમણે પ્રચલિત ફારસીને બદલે સ્થાનિક દક્કની ઉર્દૂ અપનાવી. તેમણે ચીલાચાલુ વિષયોના સ્થાને સમગ્ર જીવનની નાની-મોટી અનેક વાતોને કવિતામાં સ્થાન આપ્યું. તેમનાં કાવ્યોમાં દરબારી જીવન, રાજમહેલોના રાગ-રંગ ને ભોગ-વિલાસ, પ્રાકૃતિક ર્દશ્યો, ગરીબ લોકોના વાસ્તવિક જીવન-પ્રસંગો, હિંદુ-મુસ્લિમ રીત-રિવાજો, ઉત્સવો, રમત-ગમત, વ્યવસાયો, વિરહ અને મિલનના પ્રસંગો વગેરે જોવા મળે છે. તેમણે કવિતામાં કલ્પનાની સજાવટ કરી છે. તેમણે જીવનભર ધર્મ અને પ્રેમને મહત્વ આપ્યું હતું. તેમનાં કાવ્યોમાં પ્રેમનો અર્થ માત્ર મિલન થાય છે. આ મિલનના વર્ણનમાં તેમણે નવીનતાઓ દાખલ કરી છે. ફારસી કવિતામાં પ્રેમિકા એકવિધ સ્વરૂપમાં દેખાય છે. દરેક કવિ માટે પ્રેમિકા એક જ પ્રકારનાં લક્ષણો ધરાવે છે, જ્યારે કુલી કુતુબશાહે પોતાની દરેક પ્રેમિકાને આગવી લાક્ષણિકતાઓથી વર્ણવી છે અને પાત્રોની જુદી જુદી તસવીરો ઉપસાવી છે. તેમનાં કાવ્યોમાં પ્રેમનું કોઈ ઊર્ધ્વીકૃત રૂપ દેખાતું નથી. તે માત્ર એક રોજિંદા વ્યવહારસંબંધનું રૂપ બની રહે છે. તેઓ પોતાની પ્રેમક્રીડાને પયગંબર સાહેબ કે પવિત્ર ઇમામોનાં નામ સાથે જોડતાં ખચકાતા નથી. આ પ્રકારની કાવ્યરચનાઓ હિન્દીમાં ગોપી-કૃષ્ણની વાતોની યાદ દેવડાવે છે. બીજી તરફ તેમનાં બધાં ગીતો-ગઝલો ફારસી કાવ્યશૈલીના અનુકરણમાં લખાયાં છે. તેઓ છંદ તથા પ્રાસ બાબતમાં ફારસી પરંપરાના અનુયાયી રહ્યા છે. કુલી કુતુબશાહ ઉર્દૂ કાવ્યપરંપરામાં તેમના જીવનલક્ષી અભિગમને લઈને ચિરસ્થાયી સ્થાન પામ્યા છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી