મુસ્સાદિક, મોહમ્મદ (જ. 1880, તહેરાન; અ. 5 માર્ચ 1967, તહેરાન, ઈરાન) : ઈરાનના રાજકીય નેતા અને વડાપ્રધાન. તેમણે 1914થી ’25 દરમિયાન વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી, પરંતુ 1925માં ઈરાનના શાહે લગભગ સરમુખત્યાર જેવી સત્તાઓ હાંસલ કરતાં સરકારી હોદ્દા પરથી તેઓ ખસી ગયા.

1942માં ઈરાનની મજલિસ(સંસદ)માં તેઓ ચૂંટાયા અને પુન: સરકારી હોદ્દા ધારણ કર્યા. તેમણે આ સમયે ઈરાનમાંની વિદેશી દરમિયાનગીરીનો પ્રખર વિરોધ કરી રાષ્ટ્રવાદી તરીકે પોતાની નવી ઓળખ ર્દઢ કરી. ઉત્તર ઈરાનનાં તેલ-ક્ષેત્રોનું રશિયા દ્વારા થતું શોષણ અટકાવ્યું તથા બ્રિટિશ માલિકીની ઍંગ્લો-ઈરાનિયન તેલ કંપનીના રાષ્ટ્રીયકરણ માટે લડત ચલાવી. પાશ્ચાત્ય તેલ-નિષ્ણાતોની ઈરાનમાંથી રવાનગી કરી. આ રાષ્ટ્રવાદી પગલાંઓથી તેમને અનહદ લોકપ્રિયતા સાંપડી અને 1951માં ઈરાનની મજલિસે તેલક્ષેત્રોના રાષ્ટ્રીયકરણનો કાયદો પસાર કર્યો. આથી બ્રિટિશ કંપનીએ ઈરાનનું તેલ વેચવા વિરુદ્ધ કાનૂની પગલાં ભર્યાં, જેને કારણે ઈરાનના અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી ગઈ અને તે સાથે તેમના સમર્થકો ધીમી પણ ચોક્કસ ગતિએ ખસીને ડાબેરી પક્ષ ‘તુદેહ’(Tudeh)માં ચાલ્યા ગયા. આમ છતાં રાષ્ટ્રીયકરણના કાર્યક્રમને લીધે તેમને અનહદ લોકપ્રિયતા મળતાં ઈરાનના શાહને અનિચ્છાએ 1951માં તેમની વડાપ્રધાન તરીકે નિમણૂક કરવી પડી. 1953 સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા; પરંતુ બ્રિટિશરો સાથે અન્ય બાબતોની પતાવટ કરવા અંગે મંત્રણાઓ કરવાનો ઇનકાર કરતાં શાસકવર્ગના મુખ્ય સભ્યો તેમનાથી અલિપ્ત થઈ ગયા. આથી ઈરાનમાં રાજકીય કટોકટીનું નિર્માણ થયું અને 1953માં શાહે મુસ્સાદિક સરકાર ઉથલાવી પાડી. તેમને ત્રણ વર્ષ જેલમાં રાખ્યા બાદ શેષ વર્ષો તેમના નિવાસસ્થાનમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા.

રક્ષા મ. વ્યાસ