મુશર્રફ, પરવેઝ (જ. 11 ઑગસ્ટ 1943, દિલ્હી) : પાકિસ્તાનના પ્રમુખ સર્વોચ્ચ વહીવટી અધિકારી અને લશ્કરના સરસેનાધિપતિ. પિતા સઈદ મુશરફુદ્દીન ઉત્તરપ્રદેશના આઝમગઢ ખાતે સરકારી અધિકારી હતા. હિંદુસ્તાનના વિભાજન સમયે લોહિયાળ હુલ્લડો ફાટી નીકળે તે પૂર્વે સહીસલામત પસાર થયેલી છેલ્લી ટ્રેનમાં તેમનું કુટુંબ પાકિસ્તાન રવાના થયું અને કરાંચીમાં સ્થિર થયું. જૂની દિલ્હીના, દરિયાગંજ વિસ્તારની ‘નેહરવાલી હવેલી’માં તેમનો પરિવાર વસતો હતો. પાકિસ્તાન પહોંચ્યા બાદ તેમના પિતા વિદેશ વિભાગમાં જોડાયા અને સંયુક્ત સચિવના પદ સુધી બઢતી મેળવી હતી. તેમનાં માતા મજૂર-સંગઠનમાં સેવાઓ આપતાં હતાં.
1949થી 1956નાં વર્ષો તેમણે તુર્કીમાં ગાળ્યાં; પરિણામે તુર્કી ભાષા પર તેમનું સારું પ્રભુત્વ છે. શાલેય શિક્ષણ કરાંચીમાં અને કૉલેજ-શિક્ષણ લાહોરમાં પ્રાપ્ત કર્યા બાદ કમાન્ડ ઍન્ડ સ્ટાફ કૉલેજ, ક્વેટા(પાકિસ્તાન)માંથી લશ્કરી તાલીમ મેળવી. તેમણે બ્રિટનની રૉયલ કૉલેજ ઑવ્ ડિફેન્સ સ્ટડીઝમાં વધુ લશ્કરી અભ્યાસ કર્યો અને 1961માં પાકિસ્તાન મિલિટરી અકાદમીમાં જોડાયા. 1964માં તેઓ અગ્રણી આર્ટિલરી રેજિમેન્ટમાં અધિકારી બન્યા. 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં તેઓ ખેમકરણ, લાહોર અને સિયાલકોટ મોરચે યુદ્ધ લડ્યા હતા. આ યુદ્ધ દરમિયાન દાખવેલા શૌર્ય માટે તેમને પાકિસ્તાન સરકારે ઇમ્તિયાઝ-સનદ ઍવૉર્ડ એનાયત કર્યો હતો. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાના દેશની કમાન્ડો બટાલિયનના કમાન્ડર તરીકે તેમણે યુદ્ધમોરચે ભાગ લીધો હતો. કારગિલ યુદ્ધની યોજના પણ તેમણે જ ઘડી કાઢી હતી.
વિશિષ્ટ સેવાજૂથના કમાન્ડર તરીકે તેમણે સાત વર્ષ સેવાઓ આપી અને આશાસ્પદ અધિકારી તરીકેની છાપ અંકિત કરી. 1968માં તેમણે લગ્ન કર્યાં. આ પછી કંપની-કમાન્ડર, આર્ટિલરી રેજિમેન્ટના કમાન્ડર – એમ વિવિધ અને જવાબદારીભર્યા લશ્કરી હોદ્દાઓ પર તેઓ ઉત્તરોત્તર બઢતી મેળવતા રહ્યા. તેમને 1991માં મેજર જનરલ, 1995માં લેફ્ટનન્ટ જનરલ અને 1998માં ચીફ ઑવ્ ધી આર્મી સ્ટાફ તરીકે વિશેષ બઢતી મળી. આ બઢતીને પગલે પગલે ‘તમગા-એ બસલાઈ’ જેવું સન્માન હાંસલ કરવા ઉપરાંત લશ્કરમાં અસાધારણ કામગીરી બજાવવા માટે અપાતું સર્વોચ્ચ સન્માન ‘નિશાને ઇમ્તિયાઝ’ પણ તેમને એનાયત થયું છે. તેઓ લશ્કરમાં અતિ લોકપ્રિય હોવા ઉપરાંત લશ્કરી વર્તુળોમાં ‘સૈનિકોના સૈનિક’ તરીકે જાણીતા છે. પાકિસ્તાન હેઠળના બાલ્ટી આદિવાસીઓની લડત કચડવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી.
1997માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે અન્ય બે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને બાજુ પર રાખી વિશ્વાસુ પરવેઝ મુશર્રફને ઑક્ટોબર, 1998માં લશ્કરી વડા બનાવ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે મે, 1999માં કારગિલ યુદ્ધ ખેલાયું હતું, જેમાં પાકિસ્તાનની પીછેહઠ થઈ હતી. આ પીછેહઠને કારણે વડાપ્રધાન અને જનરલ વચ્ચે ભારે તણાવ પેદા થયો. ઑક્ટોબર, 1999માં શ્રીલંકાના લશ્કરના 50મા વાર્ષિકોત્સવ પ્રસંગે હાજરી આપી તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે વડાપ્રધાનના આદેશથી તેમના હવાઈ જહાજને પાકિસ્તાનમાં ઊતરવાની મનાઈ ફરમાવવામાં આવી, છતાં તેમણે ઉતરાણ કર્યું; એ સમયે સફળ અને બિનલોહિયાળ લશ્કરી બળવો થયો અને 12 ઑક્ટોબર, 1999થી તેઓ પાકિસ્તાનના સર્વોચ્ચ વહીવટી અધિકારી બન્યા. આ હોદ્દો ગ્રહણ કર્યા બાદ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી; પરંતુ પાછળથી તેમને દેશ છોડી જવાની મંજૂરી આપવામાં આવી.
2001ના વર્ષમાં પાકિસ્તાનમાં લોકશાહી દાખલ કરવા તેમણે નવી યોજનાઓ જાહેર કરી છે. 50 વર્ષમાં તેઓ ત્રીજા લશ્કરી શાસક છે, જેમણે આવી ઇચ્છા વ્યક્ત કરી છે. રાજકીય પક્ષો નાબૂદ કરવાની તેમજ મતદાનની વયમર્યાદા 21 વર્ષમાંથી ઘટાડીને 18 વર્ષની કરવાની તેમની કોશિશ છે. પાકિસ્તાનમાં તેઓ ‘એસન્સ ઑવ્ ડેમૉક્રસી’ સ્થાપવા ઇચ્છે છે. 20 જૂન, 2001ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ રફીક તર્રારને કામચલાઉ બંધારણીય આદેશ દ્વારા હોદ્દા પરથી દૂર કરીને, બંધારણીય કાર્યવાહીનો ધ્વંસ કરી તેમણે પોતે જ પોતાને પાકિસ્તાનના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. આમ તેમણે પાકિસ્તાનનો સર્વોચ્ચ હોદ્દો હાંસલ કર્યો છે. જુલાઈ, 2001માં ભારતના વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના આમંત્રણથી બંને વચ્ચેની શિખરમંત્રણા માટે તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ઉપર્યુક્ત મંત્રણાઓ આગ્રા ખાતે યોજવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નહિ.
અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં તેઓ અમેરિકાની પડખે રહ્યા. લોકપ્રિયતા હાંસલ કરીને તેમણે પાકિસ્તાનમાં 30 એપ્રિલ, 2002ના રોજ લોકપૃચ્છા (Referendum) યોજવાની જાહેરાત કરી. આ જાહેરાત દ્વારા તેઓ લશ્કરી જનરલમાંથી પાકા રાજકારણી બની રહ્યા. આ લોકપૃચ્છામાં લગભગ 71 ટકા મતદાન થયું અને મતદાનના 95 ટકા મતોથી તેઓ વિજયી નીવડ્યા અને મે, 2002થી આગળનાં પાંચ વર્ષ માટે પાકિસ્તાનના જનમત દ્વારા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. આ ચૂંટણીમાં મતદાન માટેની વયમર્યાદા 21થી ઘટાડીને 18 વર્ષની કરવામાં આવી હતી તેમજ સમગ્ર દેશનો એક માત્ર મતવિસ્તાર જાહેર થયો હતો. કોઈ હરીફ ઉમેદવાર પ્રતિપક્ષે નહોતો. આમ જનમતમાં પારદર્શકતાનો અભાવ હોવાની નોંધ વિવિધ સંવહન માધ્યમો દ્વારા લેવાઈ હતી.
તેઓ વાચનનો અને રમતગમતનો શોખ ધરાવે છે. સ્ક્વૉશ અને બૅડ્મિન્ટન તેમની પ્રિય રમતો છે.
રક્ષા મ. વ્યાસ