મુશ્તાકઅલીખાં : સેનિયા ઘરાણાના ઉચ્ચ કુળના સિતારવાદક.

મુશ્તાકઅલીએ સંગીતની તાલીમ પોતાના પિતા આશીકઅલીખાં પાસેથી મેળવી હતી. મુશ્તાકઅલી સાતમી માત્રાથી ગત શરૂ કરતા એ તેમની વિશેષતા હતી. તેમણે પોતે સિતારની 400 ગતોની રચના કરી છે, જે બધી જ સાતમી માત્રાથી શરૂ થાય છે. તેઓ હંમેશાં પોતાના ઘરાણાની શુદ્ધતા સાચવતા અને શ્રોતાઓને માત્ર ખુશ કરવા ખાતર પોતાના સંગીતનું સ્તર નીચું ઊતરવા દેતા નહિ. તે ઉપરાંત તેઓ સસ્તી લોકપ્રિયતામાં પણ માનતા નહિ. તેમના મુખ્ય શાગિર્દ દેનુ ચૌધરી છે, જેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ઘણાં વર્ષ સુધી શિષ્યોને સિતારવાદનની તાલીમ આપી હતી.

મુશ્તાકઅલીખાં સિતારવાદન ઉપરાંત સૂરબહારવાદનમાં પણ પ્રવીણ હતા. તેમણે આકાશવાણી પરથી 1953માં સૂરબહારવાદન કર્યું ત્યારે પંડિત રવિશંકરે તેમની ભારે પ્રશંસા કરી હતી.

બટુક દીવાનજી