મુન્તખબુત્ તવારીખ : (1) અકબર(1556–1605)ના સમકાલીન પ્રસિદ્ધ ઇતિહાસકાર અબ્દુલ કાદિર બદાયૂની(અ. ઈ. સ. 1596)લિખિત ત્રણ ગ્રંથોમાં મુસ્લિમ શાસકોનો ઇતિહાસ. તેના પ્રથમ ગ્રંથમાં ગઝનવી વંશથી શરૂ કરીને બાબર અને હુમાયૂંનો ઇતિહાસ છે. બીજા ગ્રંથમાં અકબરના રાજ્યઅમલનો 1594 સુધીનો ઇતિહાસ છે. તેમાં અકબરનાં ધાર્મિક અને વહીવટી પગલાં તથા તેના વર્તન બાબતે સ્પષ્ટ અને ટીકાત્મક વર્ણનો કરવામાં આવ્યાં છે. તેથી અકબરનું અવસાન થતા સુધી તેને ગુપ્ત રાખવામાં આવ્યો હતો અને જહાંગીર ગાદીએ બેઠો પછી તેને પ્રગટ કરવામાં આવેલો. તે ગ્રંથ ધર્માંધ સુન્ની મુસલમાનના ર્દષ્ટિબિંદુથી લખવામાં આવેલ છે અને ધર્મ તથા ધાર્મિક નીતિ વિશે અકબરના વિચારોના વિકાસનું પૂર્વગ્રહયુક્ત વર્ણન આપવામાં આવ્યું છે. તેના ત્રીજા ગ્રંથમાં મુસ્લિમ સંતો તથા વિદ્વાનોનાં જીવન, કારકિર્દી તથા કાર્યોનું વર્ણન છે. તેમાં ગુજરાત વિશે પણ રસપ્રદ માહિતી છે. તેમાં આપેલી તારીખોમાં ભૂલો છે અને બનાવોનો ક્રમ જળવાયો નથી.
(2) યાહ્યા-બિન-અબ્દુલ લતીફના લખેલ ‘મુન્તખબુત્ તવારીખ’ નામના ગ્રંથમાંથી બાબર, હુમાયૂં અને અકબર વિશેનું વર્ણન મળે છે. અકબરના રાજ્યકાળનાં છેલ્લાં વરસોમાં આ ગ્રંથ લખાયો હતો. પટણા(બિહાર)ની ખુદાબક્ષ લાઇબ્રેરીમાં તેની હસ્તપ્રત છે.
(3) મુન્તખબુત્ તવારીખ : જગજીવનદાસે અઢારમી સદીમાં ફારસી ભાષામાં લખેલ ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. એમણે લખેલ ઇતિહાસમાં મહમદનગર તથા ગુજરાતના સુલતાન વગેરેનો સંક્ષેપમાં અહેવાલ આપવામાં આવ્યો છે. એમણે ફારસી ભાષામાં કેટલાક પત્રો પણ લખ્યા હતા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એમનો એક પત્ર છે.
જયકુમાર ર. શુક્લ