મુન્નાર : કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લાનું જાણીતું પ્રવાસધામ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 10´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે કોચીનથી પૂર્વમાં આશરે 130 કિમી. દૂર આવેલું છે.

ભૂપૃષ્ઠઆબોહવા : કાર્ડેમમ પર્વતીય હારમાળાના ખીણભાગમાં આવેલો આ વિસ્તાર કન્નન દેવન હિલ્સના નામથી જાણીતો છે. 2,300 મીટર કરતાં વધુ ઊંચાઈએ આવેલો અહીંનો પર્વત-વિસ્તાર કાયમ વાદળોથી ઢંકાયેલો રહે છે. પહાડોમાંથી આવતી ત્રણ નદીઓનો અહીં સંગમ થાય છે. પર્વતો પર ઘણા જળપ્રપાતો પણ આવેલા છે. તમિળ ભાષામાં મુન્નારનો અર્થ ‘ત્રણ જળાશયો’ થાય છે. અહીંનું જુલાઈ માસનું સરેરાશ તાપમાન 32° સે. અને જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 21° સે. જેટલું રહે છે. વરસાદ લગભગ બારે માસ પડ્યા કરે છે. સરેરાશ વરસાદ આશરે 4,000 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : અહીં કાળી ફળદ્રૂપ જમીન, મધ્યમસરનું ઊંચું તાપમાન અને વરસાદ લગભગ બારે માસ પડતો હોવાથી ગીચ વનસ્પતિનો પ્રદેશ નિર્માણ પામેલો છે. ચીડ, અબનૂસ, ફણસ, રોઝવુડ, ચંદન અને વાંસ જેવાં વૃક્ષોનું પ્રમાણ વિશેષ છે. અહીં બાર વર્ષે માત્ર એક જ વાર ખીલતાં નીલાં કુરીજીનાં ફૂલો થાય છે. જે વર્ષે તે ખીલે છે તે વર્ષે આખો વિસ્તાર રંગોથી ભરાઈ જાય છે. ગીચ જંગલ-વિસ્તારમાં હાથી અને દીપડા તેમજ સ્થાનિક ભાષામાં ‘નીલગિરિ ત્હાર’  નામથી ઓળખાતાં જંગલી બકરાં (આઇબેક્સ) જોવા મળે છે, આ પ્રકાર દુનિયાભરમાં તદ્દન અલ્પ સંખ્યામાં અહીં મળતો હોવાથી તેમને સંરક્ષણ આપવામાં આવે છે. દુનિયાભરમાં તેમની સંખ્યા માત્ર 1,000 જેટલી જ છે, તે પૈકીનાં 50 % બકરાં આ વિસ્તારમાં છે. મુન્નાર ગામથી 12 કિમી. દૂર રાજામલ્લી અભયારણ્ય આવેલું છે.

બ્રિટિશરોએ તેજાના મેળવવા અહીં બાગાયતી ખેતીનો વિકાસ કરેલો. અહીં તજ, ઇલાયચી, લવિંગ, જાયફળ, કાજુ, મરી, કૉફી, ચા અને ફળોના બગીચાઓ આવેલા છે. ભારતમાં ઇલાયચીના ઉત્પાદનમાં મુન્નારનો ફાળો મહત્વનો છે.

મુન્નારમાં બ્રિટિશ સમયની આશરે એક સો વર્ષ જૂની એક પ્લાન્ટર્સ ક્લબ છે. તે હાઇ રેન્જ નામથી જાણીતી છે. ક્લબને પોતાનો ગૉલ્ફ કોર્સ છે. એક બાર પણ છે. તેમાં શિકાર કરાયેલાં રાની પશુઓનાં માથાં દીવાલો પર જડવામાં આવેલાં છે. બારની લાકડાની દીવાલ પર આશરે પચાસ જેટલી જૂની હૅટો ટિંગાડેલી છે, હૅટો પર પ્લાન્ટર્સનાં નામ પણ લખેલાં છે. તે જૂના સભ્યોની યાદગીરી રૂપે રાખવામાં આવેલી છે.

મુન્નાર ગામ પાકા રસ્તે રાજ્યનાં અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે. આ સ્થળ પ્રવાસમથક હોવાથી નાનીમોટી હોટલો અને વિહારધામોની સુવિધા ઊભી થયેલી છે. તેથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહ્યા કરે છે. ઉત્તર ભારત અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી હોવાથી પ્રવાસીઓ દક્ષિણ ભારતના આ પ્રવાસધામમાં આવતા રહે છે.

નીતિન કોઠારી