મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક નિર્ધનતાના કારણે પિતા 20 રૂપિયાના પગારથી ટપાલખાતામાં જોડાયા. એ રીતે તેઓ ખેડૂત નહોતા, છતાં ઘરનું વાતાવરણ એક ભારતીય ખેડૂતના જેવું જ હતું. આમ ખેડૂત-જીવનના કપરા સંઘર્ષો તથા નિમ્નમધ્યમવર્ગીય જીવન તો પ્રેમચંદને વારસામાં મળ્યું હતું. આર્થિક અભાવની સ્થિતિમાં તેમની 3માંથી 2 બહેનોનું અવસાન થયેલું. પાંચમા વર્ષે તેમને ત્યાંની ગામઠી શાળાએ મૂકવામાં આવ્યા અને તેમને શરૂઆતથી જ ઉર્દૂનું શિક્ષણ આપવામાં આવેલું. 8 વર્ષની વયે તેમની માતાનું અવસાન થયેલું. આમ, અપૂર્ણ અભિલાષાઓ, દરિદ્રતા અને માતૃ-સ્નેહના અભાવ સાથે તેમનું બાળપણ વીત્યું. નાની વયે તેઓ ‘તિલિસ્મે હોશરુબા’ વાંચતા હતા. 13 વર્ષની વય સુધીમાં તો તેમણે ઉર્દૂના રતનનાથ સરશાર, મિર્ઝા રુસવા અને મૌલાના શરરને ખૂબ જ વાંચ્યા. તેમણે સરશારકૃત ‘ફસાન-એ-આઝાદ’નો ‘આઝાદકથા’ને નામે હિંદીમાં અનુવાદ પણ કરેલો. જોકે તેમના જીવનમાં જેટલો સંઘર્ષ વધ્યો એટલું એમનું વાચન પણ વધતું ગયેલું. પુરાણોના ઉર્દૂ અનુવાદો પણ એમણે વાંચેલા.

પ્રેમચંદ મુનશી

તેઓ ટ્યૂશન કરતા. તેલના દીવે વાંચતા. 1910માં તેઓ  ઇન્ટર થયા અને સાથે જ મહાજનોનો કડવો અનુભવ પણ થયો. એ વખતે તો આવા મહાજનોનું ખૂબ વર્ચસ્ હતું. તેઓ પોતાના ગરીબ દેણદારોનું શોષણ જ કર્યા કરતા. ઇન્ટર થયા પૂર્વે શાળામાં 18 રૂપિયાના પગારે શિક્ષકની નોકરી પણ તેમણે કરેલી. 1901થી એમનું સાહિત્યિક જીવન શરૂ થયું. 1905માં બાળ-વિધવા શિવરાનીદેવી સાથે બીજું લગ્ન કર્યું. 1919માં તેઓ બી. એ. થયા. તેમનું કાર્યક્ષેત્ર અધ્યાપન હોવાથી ગોરખપુર, કાનપુર, બનારસ, બસ્તી વગેરે સ્થળોએ શિક્ષક તરીકે તેમને જવાનું રહેતું. તે સાથે જ જિલ્લા બૉર્ડના સબઇન્સ્પેક્ટર તરીકેનો શૈક્ષણિક અનુભવ પણ તેમણે મેળવ્યો અને શિક્ષણક્ષેત્રમાં પણ ગરીબોનું શોષણ થતું અનુભવ્યું. ગાંધીજીની હાકલને અનુસરી નોકરી છોડી દીધી અને આજીવિકા માટે તેમણે પત્રકારત્વ, સર્જનાત્મક લેખનકાર્ય, ચલચિત્રમાં પટકથાલેખન અને મુદ્રણપ્રેસનું સંચાલન એમ વિવિધ વ્યવસાયો અપનાવ્યા.

તેઓ પોતાના સમયમાં પ્રગતિશીલ વિચારોના સમર્થક હતા. સંકીર્ણ સાંપ્રદાયિકતાથી પર હતા અને વિચારસ્વાતંત્ર્યના આગ્રહી પણ હતા. અંગ્રેજ સરકારના ઘણા પ્રયત્નો છતાં તેમણે ક્યારેય નમતું નહોતું મૂક્યું. તેમણે થોડો સમય કાશી વિદ્યાપીઠમાં પણ અધ્યાપન કરેલું તેમજ ‘જમાના’, ‘મર્યાદા’, ‘માધુરી’, ‘જાગરણ’ અને ‘હંસ’નું સંપાદન કરેલું. શરૂઆતમાં તેઓ ઉર્દૂમાં નવાબરાયના નામથી લખતા. ‘જમાના’ના સંપાદક દયાનારાયણ નિગમે તેમને ‘પ્રેમચંદ’ નામ આપેલું અને અંગ્રેજ સરકારની ધમકીઓના પરિણામે આ નવા નામે તેઓ લખતા થયેલા.

1930માં એમણે ‘હંસ’નું પ્રકાશન શરૂ કરેલું અને 1936માં માંદગી દરમિયાન પણ ચાલુ રાખેલું. ‘હંસ’ જપ્ત થવાથી તેને છોડાવવા તેમણે ચલચિત્ર-જગતમાં પણ પ્રવેશ કરેલો. જીવનભર સાહિત્ય ને કલાના ક્ષેત્રમાં તેમણે ક્યારેય વેપારીવૃત્તિને પ્રવેશવા દીધી નહોતી.

પ્રેમચંદે પોતાની તથા રવીન્દ્રનાથની વાર્તાઓને ઉર્દૂમાં પ્રકાશિત કરી. મોટેભાગે તે ‘જમાના’ અને ‘અદીબ’માં પ્રકાશિત થતી. તેમની પહેલી વાર્તા 1907માં ‘જમાના’માં ‘સંસાર કા અનમોલ રત્ન’ના નામે પ્રકાશિત થયેલી. 1908માં વાર્તાસંગ્રહ ‘સોજે વતન’નું પ્રકાશન થતાં પુરસ્કાર રૂપે સરકારની નારાજગી મળી. એ પછી એમની બદલી ગોરખપુરમાં થતાં મહાવીરપ્રસાદ પોદ્દારની પ્રેરણાથી તેમણે ‘સેવાસદન’ નવલકથા લખી; એ પછી નવલકથા, વાર્તા તથા અનુવાદક્ષેત્રનો એમનો લેખનપ્રવાહ સતત ચાલતો જ રહ્યો.

નવલકથાઓમાં ઐતિહાસિક નવલકથા ‘રૂઠી રાની’, તે પછી ‘કૃષ્ણ’, ‘વરદાન’, ‘પ્રતિજ્ઞા’ નવલકથાઓ 1900થી 1906ના ગાળામાં પ્રગટ થાય છે. 1916માં ‘સેવાસદન’, 1918થી ’22માં ‘પ્રેમાશ્રમ’, 1924–25માં ‘રંગભૂમિ’, 1927માં ‘નિર્મલા’, 1928માં ‘કાયાકલ્પ’, 1930માં ‘ગબન’ અને 1936માં ‘કર્મભૂમિ’ તથા ‘ગોદાન’ નવલકથાઓ પ્રકાશિત થાય છે તથા એ જ વર્ષની છેલ્લી અને અપૂર્ણ નવલકથા તે ‘મંગલસૂત્ર’.

તેમણે હિંદી સાહિત્યજગતને 3,000થીય વધારે વાર્તાઓ આપી. તેમના કેટલાક વાર્તાસંગ્રહોમાં ‘સપ્તસરોજ’ (1917), ‘નવનિધિ’ (1918), ‘પ્રેમપૂર્ણિમા’ (1958), ‘બડે ઘર કી બેટી’, ‘લાલ ફીતા’, ‘નમક કા દારોગા’ (1921), ‘પ્રેમપચીસી’ (1926), ‘પ્રેમપ્રતિજ્ઞા’ (મરણોત્તર), ‘નારીજીવન કી કહાનિયાં’ (1937), ‘પ્રેમપીયૂષ’ (1941) વગેરે ઉલ્લેખનીય છે. તેમની બધી જ વાર્તાઓ ‘માનસરોવર’ (1થી 8 ભાગ) રૂપે સંગ્રહસુલભ થઈ છે. તેમની વાર્તાઓમાં નગરજીવનનાં નિમ્ન સ્તરનાં પાત્રો-પ્રસંગો તથા બુંદેલખંડના શૌર્યપૂર્ણ પ્રસંગોનું ચિત્રણ તેમજ ઐતિહાસિક ઘટનાઓનું જીવંત વર્ણન જોવા મળે છે.

નવલકથાઓ અને વાર્તાઓ સિવાય પ્રેમચંદે નાટકો, નિબંધો, જીવનકથાઓ તથા અનુવાદો પણ આપ્યાં છે. ‘સંગ્રામ’ (1923), ‘કબીલા’ (1924) અને ‘પ્રેમ કી વેરી’ (1933) એ તેમનાં નાટકો છે; ‘જાગરણ’ અને ‘હંસ’ની ફાઇલોમાં તેમના સમીક્ષાત્મક લેખો છે. ‘મહાત્મા શેખ સાદી’ (1918), ‘દુર્ગાદાસ’ (1937) તથા ‘કલમ, તલવાર ઔર ત્યાગ’ એ તેમણે લખેલી જીવનકથાઓ છે. પ્રેમચંદના અનુવાદોમાં ‘સુખદાસ’ (જ્યૉર્જ એલિયટ કૃત ‘સાઇલસ માર્નર’નો સંક્ષેપ-અનુવાદ), ‘ટૉલ્સ્ટૉય કી કહાનિયાં’ (1923), ‘અહંકાર’ (આનાતોલ ફ્રાંસ કૃત ‘થાઇસ’નો અનુવાદ), ‘આઝાદકથા’ (રતનનાથ સરશાર કૃત ‘ફસાન-એ આઝાદ’નો અનુવાદ) (1927), ‘હડતાલ’ (ગાલ્સવર્ધીનું નાટક ‘સ્ટ્રાઇક’) (1930), ‘ચાંદી કી ડિબિયા’ [ગાલ્સવર્ધી કૃત નાટક ‘સિલ્વર બૉક્સ’ (1930)] અને ‘સૃષ્ટિ કા આરંભ’ (બર્નાર્ડ શૉનું નાટક) (1939) મુખ્ય છે. આ ઉપરાંત એક ર્દષ્ટિસંપન્ન સંપાદક તરીકે પણ તેમનું પ્રદાન ઐતિહાસિક નીવડ્યું છે.

મુનશી પ્રેમચંદજી એક સ્વાભિમાની તથા જીવન-સત્યના ઉપાસક કળાકાર હતા. તેમની કલમમાં ભારતની મહેક સતત ઊપસ્યા જ કરતી રહી છે. છતાં તેમના સાહિત્યની વિશેષતા એ પણ રહી છે કે તેઓ માનવીને જ કેન્દ્રમાં રાખીને સાહિત્યસર્જન કરતા રહ્યા છે. તેઓ ભારતીય પરિવાર, રાષ્ટ્રસેવા, માનવ-સેવા જેવાં વિષય-વસ્તુને પ્રાધાન્ય આપતા રહ્યા છે. જીવનમાં પીડાનો તો તેમને પાકો સ્વાનુભવ છે, પણ તેમણે સર્જનમાં તો સ્વમાન જ ઉપસાવ્યું છે.

જીવનના અંત સુધી તેમણે ગરીબી જીવી-જીરવી જાણી અને તેથી જ તેઓ ભારતીય ખેડૂત અને ભારતીય પરિપ્રેક્ષ્યનું તાર્દશ અને વાસ્તવિક ચિત્ર આલેખી શક્યા છે. તેમની કૃતિઓમાં અન્યાય, અત્યાચાર, દમન, શોષણાદિનો સતત વિરોધ પણ ઊપસ્યો છે. આથી જ તેમના સાહિત્યિક પ્રદાનને કોઈક ‘વાદ’ના સંદર્ભમાં નહિ, પણ માનવીય વ્યાપમાં મૂલવાયું છે. તેમના આગમનથી હિંદી કથાસાહિત્યના જગતમાં નવા યુગનાં મંડાણ થયાં. તેમની પૂર્વે પ્રચલિત બનેલા રંગદર્શી અને મનોરંજક નવલ-સાહિત્યને બદલે તેમના કથાજગતથી જિવાતા જીવનના વાસ્તવચિત્રણનો જોશીલો પ્રારંભ થયો.

અવસાનના 6 મહિના અગાઉ તેઓ ‘ઇન્ડિયન પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન’ના લખનૌ ખાતેના વાર્ષિક અધિવેશનમાં અધ્યક્ષ બન્યા. એ ઘટના તેમની યશસ્વી સાહિત્યિક કારકિર્દીની સાર્થકતા બની રહી.

રજનીકાન્ત જોશી