મુનશી, લીલાવતી (જ. 23 મે 1899, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી, 1978, મુંબઈ) : ચરિત્રાત્મક નિબંધનાં ગુજરાતી લેખિકા. શાળાકીય અભ્યાસ માત્ર 4 ધોરણ સુધીનો જ, પણ પછી આપબળે ઘેર રહીને અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવી ઇતર ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. નવી નારીનાં લગભગ બધાં લક્ષણો – સાહિત્યપ્રીતિ, સ્વાતંત્ર્યપ્રીતિ, સ્ત્રીસ્વાતંત્ર્ય, પ્રણાલિકાભંજન – વગેરે તેમનામાં પ્રતીત થાય છે. સ્વરાજની લડતમાં પ્રત્યક્ષપણે ભાગ લેતાં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. સ્ત્રીઓના હકો માટે, તેના સ્વાતંત્ર્ય માટે તેઓ જીવ્યાં ત્યાં સુધી લડતાં રહ્યાં. તેમનું પહેલું લગ્ન 1913માં શેઠ લાલભાઈ સાથે થયું હતું. પતિના અવસાન પછી જાણીતા નવલકથાકાર કનૈયાલાલ મુનશીના સંપર્કમાં આવતાં તેમની સાથે તેમણે પુનર્લગ્ન કર્યું. એ જમાનામાં આવું લગ્ન એક સાહસ જ હતું. તેમણે એક તરફ પોતાની લેખનપ્રવૃત્તિ જારી રાખી તો બીજી તરફ સમાજસેવાની પ્રવૃત્તિમાં પણ  સતત રત રહ્યાં. નવા જમાનાની સ્ફૂર્તિલી નારી તરીકેની તેમની વ્યક્તિત્વમુદ્રા ઊપસે છે.

મુનશીની માફક તેમણે સંક્ષિપ્ત શૈલીના કેટલાક રસાળ નિબંધો આપ્યા છે. ‘રેખાચિત્રો અને બીજા લેખો’ અને ‘રેખાચિત્રો’માં તેમનો ચરિત્રાત્મક નિબંધલેખિકા તરીકેનો હૃદ્ય પરિચય મળી રહે છે. ટૂંકાં ટૂંકાં રેખાચિત્રોમાં તેમની પ્રતિભા બરાબર ખીલી ઊઠે છે. પોતાના વાચનમાંથી અને જીવનના અનેકવિધ અનુભવોમાંથી તેમણે કવિઓ, વિદ્વાનો અને રાજકીય પ્રતિભાઓ ઉપર સ્પર્શી જાય તેવાં માર્મિક રેખાચિત્રો આપ્યાં છે. અમૃતલાલ પઢિયાર, કાકાસાહેબ કાલેલકર, બાબુ ક્ષિતિમોહન સેન, આનંદશંકર ધ્રુવ, કસ્તૂરબા ગાંધી, સરોજિની નાયડુ, પાર્વતી, જોન ઑવ્ આર્ક, માર્ગોટ, ઍસ્ક્વિથ, દ્રૌપદી, કવિવર શેલી, આનાતોલ ફ્રાંસ અને ઍસ્પેશિયા તેમજ મહાદેવ દેસાઈ વગેરેનાં ખુશબોદાર શૈલીમાં લખાયેલાં સુરેખ રેખાચિત્રો વિશેષ રૂપે ધ્યાન ખેંચી રહે છે.

લીલાવતી મુનશી

તેમના વિનોદપ્રધાન નિબંધોમાં તેમની હાસ્યવૃત્તિનો સુપેરે આવિર્ભાવ થયો છે. માણસની અકોણાઈઓ, બાઘાઈઓને તેઓ સરસ પકડી શકે છે. ‘કેવી સ્ત્રી ગમે?’, ‘હું મોડો કેમ જન્મ્યો?’ વગેરે રચનાઓ તેમને એક સારાં હાસ્યલેખિકા તરીકે સ્થાપી આપે એવા બરની બની આવી છે.

‘ગુજરાતી કલ્પના-સાહિત્યનાં કેટલાંક સ્ત્રીપાત્રો’, ‘સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર’ જેવા સ્ત્રીવિષયક નિબંધોમાં નવા યુગની કોઈ ભાવનાશાળી ને સ્ત્રીસ્વાતંત્ર્યની હિમાયતી સ્ત્રી આ બધું વેગપૂર્વક લખી રહી છે તેવું તુરત એ રચનાઓ વાંચતાં સમજાય છે. ‘મીરાંબાઈ’ જેવી કોઈક કોઈક રચનામાં તેમનું ગદ્ય કાવ્યમય બની રહે છે. આ સિવાય તેમણે ‘કુમારદેવી’ નામનું ગુપ્તયુગના સુવર્ણકાળ ઉપર આધારિત પાંચ-અંકી નાટક (1930) પણ આપ્યું છે. વળી 1975માં સાહિત્ય, સંગીત, ફૅશન, યુવાનો, સ્ત્રીસ્વાતંત્ર્ય વગેરે વિવિધ વિષયો ઉપરના લેખોનો ‘સંચય’ પણ તેમની પાસેથી મળે છે. તેમણે ‘જીવનની વાટેથી’ નામનો પ્રૉસ્પર અને મૅરીચીના પત્રોનો રસાળ અનુવાદ પણ કર્યો છે (1977). ‘જીવનમાંથી જડેલી’માં તેમણે જેલવાસ દરમિયાન  લખેલાં પ્રાણવાન અને ઉપેક્ષા પામેલાં સ્ત્રીપાત્રોને રજૂ કરતી દીર્ઘ નવલિકા અને નાટક સંગૃહીત કર્યાં છે (1934). વળી ‘વધુ રેખાચિત્રો અને બીજું બધું’ (1935) સંગ્રહ પણ તેમની પાસેથી મળે છે. લેખનરીતિની વિશિષ્ટતાને કારણે તેમનું ચરિત્રાત્મક નિબંધક્ષેત્રે થયેલું અર્પણ સદા સ્મરણીય બની રહેશે.

તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં. તેઓ હિંદી વિદ્યાપીઠમાં પ્રમુખ, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના ઉપપ્રમુખ અને રાજ્યસભાના સભ્ય હતાં. ભારતીય સ્ત્રી સેવા સંઘના પ્રમુખ હતાં. તેમણે બહેનોના ઉત્કર્ષ માટે પણ કાર્ય કર્યું હતું.

પ્રવીણ દરજી