મુઘલ શાસન

બાબરથી બહાદુરશાહ ‘ઝફર’ સુધી (1526થી 1857 દરમિયાન) ભારતમાં પ્રવર્તેલું મુઘલ બાદશાહોનું શાસન.

સમકાલીન રાજકીય સ્થિતિ : સોળમી સદીના ત્રીજા દાયકામાં બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારત પરસ્પર લડતાં અનેક નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત હતું. કોઈ કેન્દ્રીય સત્તા નહોતી અને સર્વોપરિતા માટે રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. કોઈ વિદેશી દુશ્મન સામે એક થઈને તેનો સામનો કરવા માટે દેશ તાકાતવાન નહોતો. બાબરના આક્રમણ વખતે ઉત્તર ભારતમાં સૌથી વધારે જાણીતું રાજ્ય દિલ્હીનું હતું. ત્યાં લોદી વંશનો છેલ્લો સુલતાન ઇબ્રાહીમ લોદી (1517–1526) રાજ્ય કરતો હતો. તે અયોગ્ય શાસક હોવાથી તેની નિર્બળતાનો લાભ લઈને કેટલાક અફઘાન સૂબાઓ સ્વતંત્ર થઈ ગયા હતા. તેની સત્તા હેઠળ દિલ્હી, આગ્રા, દોઆબ, જોનપુર, બિહારનો થોડો પ્રદેશ, બયાના અને ચંદેરીના પ્રદેશો હતા. જોનપુરના શક્તિશાળી અફઘાન ઉમરાવોએ ઇબ્રાહીમ લોદીની નિર્બળતાનો લાભ લઈ વિદ્રોહ કર્યો હતો. બિહાર પ્રાંતના સૂબા દરિયાખાન નુહાનીએ ઇબ્રાહીમ લોદીની ધૂંસરી ફગાવી દીધી હતી. તેનો પુત્ર સ્વતંત્ર સુલતાન બન્યો હતો. બંગાળમાં હુસેન વંશનો નાસિરુદ્દીન નુસરતશાહ સ્વતંત્ર સત્તા ભોગવતો હતો. બાબરના આક્રમણ સમયે સિંધ સ્વતંત્ર હતું. તે દિલ્હીથી દૂર હોવાથી દેશના રાજકારણ પર તેની અસર પડતી ન હતી. કાશ્મીરમાં સુલતાન મુહમ્મદશાહ (1516–1528) રાજ્ય કરતો હતો.

બાબરના ભારત પરના આક્રમણ સમયે અમરકોટ, કાલિંજર (બુંદેલખંડ), કોટા, ચંદેરી, જેસલમેર, જોધપુર, ઝાલાવાડ, બીકાનેર, બુંદી, મેવાડ, સિરોહી વગેરે સ્વતંત્ર રાજપૂત રાજ્યો હતાં. તેમાં સૌથી શક્તિશાળી રાજ્ય મેવાડનો રાણા સંગ્રામસિંહ (1508–1528) કુશળ યોદ્ધો અને સફળ સેનાપતિ હતો. તેણે જુદી જુદી લડાઈઓમાં એક હાથ, એક પગ તથા એક આંખ ગુમાવ્યાં હતાં. બાબરનો વીરતાપૂર્વક મુકાબલો કરી શકે તેવો ભારતમાં તે એક જ રાજકર્તા હતો. તે સમયે ગુજરાતમાં મુઝફ્ફરશાહ બીજા(1511–1526)નું સ્વતંત્ર શાસન હતું. માળવામાં ખલજી વંશનો સુલતાન મુહંમદશાહ બીજો (1512–31) રાજ્ય કરતો હતો. મેદિનીરાય નામનો રાજપૂત સરદાર ત્યાં વજીર તરીકે સર્વસત્તાધીશ હતો. તે સમયે ઓરિસામાં પ્રતાપ રુદ્રદેવનું સ્વતંત્ર હિંદુ રાજ્ય હતું. તેણે દક્ષિણ તરફ વધતી જતી બંગાળની મુસ્લિમ સત્તાને રોકવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. દક્ષિણ ભારતનું બહ્મની રાજ્ય નબળું પડીને બીજાપુર, વરાડ, અહમદનગર, ગોલકોંડા તથા બિડરનાં પાંચ રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. બાબરના આક્રમણ સમયે વિજયનગરના હિંદુ રાજ્યમાં તુલુવ વંશનો કૃષ્ણદેવરાય (1509–30) રાજ્ય કરતો હતો. તે રાજ્ય રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ર્દષ્ટિએ ઉન્નતિના શિખર પર હતું. પૉર્ટુગીઝોએ ગોવા કબજે કરીને તેને પાટનગર બનાવી, ભારતના વ્યાપારિક અને રાજકીય જીવનમાં અશાંતિ પેદા કરી હતી.

સામાજિક સ્થિતિ : બાબરના આક્રમણ-સમયે ભારતનો સમાજ હિંદુ અને મુસલમાન – એમ બે વર્ગોમાં વિભાજિત હતો. આ બે વર્ગોએ પોતાના મતભેદો ભૂલી જઈને પરસ્પર સમન્વયની ભાવના વિકસાવી હતી. વિદેશી મુસલમાનો ઘણાં વરસોથી ભારતમાં રહેતા હોવાથી તેમણે ભારતીય સંસ્કૃતિ અપનાવીને ઉદારતા તથા સહિષ્ણુતાની ભાવના કેળવી હતી. ભક્તિ-આંદોલન તથા પ્રાંતીય શાસકોના ઉદાર વ્યવહારને કારણે હિંદુઓ તથા મુસલમાનો એકબીજાની નજીક આવ્યા હતા. તે સમયે ભારતીય સમાજનો મૂળ આધાર જ્ઞાતિપ્રથા અને વર્ણવ્યવસ્થા હતો. સમાજમાં અનેક જ્ઞાતિઓ તથા પેટાજ્ઞાતિઓ હતી. સમાજમાં જ્ઞાતિનાં બંધનો ઘણાં જટિલ હતાં. જ્ઞાતિનાં બંધનોથી મુક્ત થવું, કોઈ પણ હિંદુ માટે શક્ય નહોતું.

પરંપરાગત હિંદુ સમાજમાં અસમાનતા તથા અસ્પૃશ્યતા પ્રવર્તતાં હતાં. હિંદુઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્ હતું. આ વર્ગ સમાજમાં ધાર્મિક અને સામાજિક કર્મકાંડ કરતો હતો. ક્ષત્રિયો હિંદુ રાજ્યોમાં મહત્ત્વ ધરાવતા હતા. વૈશ્યો પોતાની સારી આર્થિક સ્થિતિને કારણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતા હતા. સમાજમાં હલકો વ્યવસાય કરનાર લોકો અસ્પૃશ્ય મનાતા હતા. તેમની સાથે અમાનુષી વ્યવહાર થતો હતો. તેઓમાં ભીરુતા, રૂઢિવાદ, અંધવિશ્વાસ વગેરે સામાન્ય હતાં.

આ સમયે હિંદુ અને મુસ્લિમ સ્ત્રીઓની સ્થિતિ દયાજનક હતી. હિંદુ સમાજમાં પડદા-પ્રથા, સતી-પ્રથા, બહુપત્ની-પ્રથા, બાળલગ્ન વગેરે પ્રચલિત હતાં. મુસ્લિમ સમાજમાં દીકરીનો જન્મ અશુભ ગણાતો હતો અને મુસ્લિમ સ્ત્રીનું સ્થાન ઊતરતું હતું. સુલતાનો, અમીરો, સરદારો ઉપપત્નીઓ, દાસીઓ તથા રખાતો રાખતા હતા.

આર્થિક સ્થિતિ : બાબરના આક્રમણ સમયે એટલે કે સલ્તનત કાળ દરમિયાન મહેસૂલ-પદ્ધતિ વ્યવસ્થિત હતી. દેશમાં અનાજની તંગી ન હતી. રાજ્યને આર્થિક મુશ્કેલી ન હતી. રાજ્યની સારી આર્થિક સ્થિતિ હોવાથી મોહમ્મદશાહ તુગલુક ખર્ચાળ પ્રયોગો કરી શક્યો હતો. વળી તે મિશ્ર ધાતુના સિક્કાઓ પાછા ખેંચી લઈને તેમને બદલે લોકોને સોના-ચાંદીના સિક્કાઓ આપી શક્યો હતો. દેશની સમૃદ્ધિનો મુખ્ય આધાર ખેતી ઉપર હતો. સલ્તનતના પ્રદેશોમાં અનાજનો મબલક પાક ઊતરતો હતો. રૂ, અફીણ, મસાલા, ચંદન વગેરેની મોટી પેદાશ થતી હતી. દેશમાં ફળો અને શાકભાજીની પણ વિપુલ પેદાશ થતી હતી. દિલ્હીના સુલતાનોનાં કારખાનાંમાં રેશમી તથા સુતરાઉ કાપડ અને આનંદપ્રમોદની ચીજો તૈયાર થતી હતી. ઊન અને રેશમનાં ભરતગૂંથણનાં અનેક કારખાનાં હતાં. કાપડવણાટનો ઉદ્યોગ મુખ્ય હતો અને આખા દેશમાં તે ફેલાયેલો હતો. સોનીઓ સુંદર ઘરેણાં ઘડતા હતા. તાળાંકૂંચી, ચપ્પુ, છરી, અસ્તરા વગેરે લોખંડની વસ્તુઓ લુહારો તૈયાર કરતા હતા. વાસણો, ટોપી, જોડા, તીર, બંદૂક વગેરેના ઉદ્યોગો પણ વિકસ્યા હતા.

બાબર

ગુજરાત, દખ્ખણ, મલબાર અને બંગાળમાં વિવિધ વસ્તુઓનો વેપાર થતો હતો. વિજયનગર, કાલિકટ તથા મલબારનાં નગરોમાં હીરા, નીલમ અને મોતી ઘસવાનો મુખ્ય ઉદ્યોગ હતો. ભરૂચ અને કાલિકટ મોટાં જાણીતાં બંદરો હતાં. કાપડ, અફીણ, ગળી તથા કેટલીક ખેતપેદાશોની નિકાસ થતી હતી. ચીન, મલાયા તથા અગ્નિ-એશિયાના દેશો સાથે સમુદ્રમાર્ગે અને અફઘાનિસ્તાન, ઈરાન, મધ્ય એશિયા, તિબેટ અને ભૂતાન સાથે જમીનમાર્ગે વેપાર ચાલતો હતો. ખેડૂતો, મજૂરો વગેરે ગરીબ હતા; જ્યારે અમીરો તથા શાસકવર્ગ પાસે વિપુલ સમૃદ્ધિ હતી.

બાબર : બાબરનો જન્મ ઈ. સ. 1483માં મધ્ય એશિયામાં ફરઘાનાના પાટનગર અંદિજાનમાં થયો હતો. તેનું અરબી નામ ઝહીરુદ્દીન મુહંમદ હતું. તેના પિતા તીમૂરના ચોથા વંશજ અને ફરઘાનાના રાજકર્તા તથા માતા ચંગીઝખાનની તેરમી વંશજ હતી. તેનામાં ઈરાની સંસ્કાર હતા. તે તુર્કી અને ફારસી ભાષાઓ અને કાવ્યો રચતાં શીખ્યો હતો. તે માત્ર 12 વર્ષની સગીર વયે ફરઘાનાનો શાસક બન્યો. ઈ. સ. 1497માં તેણે સમરકંદ કબજે કર્યું. ત્રણેક વર્ષ બાદ આ પ્રદેશો તેણે ગુમાવ્યા. ઈ. સ. 1504માં તેણે કાબુલ, ગઝની અને તેની હેઠળના પ્રદેશો મેળવ્યા. ઈ. સ. 1511માં તેણે સમરકંદ, બુખારા અને ખોરાસાન કબજે કર્યાં. ભારતના પ્રદેશો જીતવા તેણે પાંચ આક્રમણો કર્યાં. તેમાં અગાઉનાં આક્રમણોમાં તેણે બેજોરનો કિલ્લો, સિયાલકોટ, સૈયદપુર, લાહોર અને દિપાલપુર કબજે કર્યાં હતાં. છેલ્લા આક્રમણમાં 1526માં પાણીપતના મેદાનમાં દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદીને હરાવી દિલ્હીના રાજ્યનો શાસક બન્યો. ભારતના ઇતિહાસમાં આ એક નિર્ણાયક ઘટના હતી. તે પછી હુમાયૂંએ આગ્રા, જોનપુર, ગાઝીપુર અને કાલ્પી કબજે કર્યાં. માર્ચ 1527માં મેવાડના રાણા સંગ્રામસિંહની આગેવાની હેઠળ રાજસ્થાનના સાત રાજાઓ તથા બીજા સરદારોના સંયુક્ત લશ્કરને ખાનવાના ભીષણ યુદ્ધમાં બાબરે હરાવ્યું. બાબરે આ બે યુદ્ધોમાં અફઘાનો અને રાજપૂતોને હરાવીને ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. તેણે મે 1529માં ગોગ્રા નદીના કિનારે થયેલા યુદ્ધમાં બિહાર-બંગાળના અફઘાનોને હરાવ્યા. આમ ઉત્તર ભારતના ઘણા પ્રદેશો તેણે કબજે કર્યા. ડિસેમ્બર, 1530માં 48 વર્ષની ઉંમરે તે અવસાન પામ્યો ત્યારે તેનું સામ્રાજ્ય પશ્ચિમે આમુદરિયા નદીથી પૂર્વે ગોગ્રા નદી સુધી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી ફેલાયેલું હતું. તેણે લખેલી તેની આત્મકથા ‘તુઝુકે બાબરી’ અથવા ‘બાબરનામા’ તેના શાસનકાળનો સૌથી આધારભૂત ગ્રંથ છે.

હુમાયૂં : તેનો જન્મ ઈ. સ. 1508માં કાબુલમાં થયો હતો. તે તુર્કી, અરબી અને ફારસી ભાષાઓ શીખ્યો હતો અને તેણે વિવિધ વિષયોનો અભ્યાસ કર્યો હતો. 1520થી 1529 સુધી તે બદક્ષનના ગવર્નર તરીકે રહ્યો હતો. 1526માં પાણીપતના યુદ્ધમાં ભાગ લીધા પછી તેણે આગ્રા, જોનપુર, ગાઝીપુર, કાલ્પી વગેરે કબજે કર્યાં હતાં. બાબરના અવસાન પછી 30 ડિસેમ્બર, 1530ના રોજ આગ્રામાં તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. પોતાના સામ્રાજ્યને ભાઈઓમાં વહેંચી આપવાની તેણે ભયંકર રાજકીય ભૂલ કરી. ઑગસ્ટ 1531માં બુંદેલખંડના ચંદેલ રાજા પ્રતાપરુદ્રને હુમાયૂંએ હરાવ્યો. ગુજરાતના સુલતાન બહાદુરશાહનો દરબાર હુમાયૂંના વિરોધીઓનું આશ્રયસ્થાન બન્યો હતો. બહાદુરશાહે ચિતોડ પર ચડાઈ કરી ત્યારે હુમાયૂંએ મધ્યપ્રદેશના સારંગપુર નજીક લશ્કર સાથે પડાવ નાખ્યો. પરંતુ ચિતોડના પતન સુધી સારંગપુરમાં રોકાઈ રહ્યો; અને ચિતોડની રાણીને મદદ કરી નહિ. એ રીતે રાજપૂતમૈત્રીની તક ગુમાવી તે એક રાજકીય ભૂલ હતી. ચિતોડના પતન બાદ બહાદુરશાહના લશ્કરને માળવાના મંદસોર નજીક હરાવ્યું. હુમાયૂં બહાદુરશાહનો પીછો પકડતાં માંડુ થઈને ચાંપાનેર ગયો. તેણે માળવા અને ગુજરાતના પ્રાંતો કબજે કર્યા, પરંતુ હુમાયૂં શેરખાનની ઉત્તરમાં વધતી જતી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા એ તરફ ગયો કે તરત બહાદુરશાહે ગુજરાત અને માળવા પુન: કબજે કર્યાં. તે પછી બંગાળમાં ગૌડ પ્રદેશ કબજે કરીને આગ્રા પાછા ફરતાં હુમાયૂંને શેરખાને જૂન 1539માં બકસર નજીક ચૌસા મુકામે હરાવ્યો. હુમાયૂંએ જાન બચાવવા ગંગા નદીમાં પડતું મૂક્યું અને એક ભિસ્તીએ તેને બચાવી લીધો. તે આગ્રા ગયો, ભાઈઓ પાસે મદદ માગી, પરંતુ મદદ ન મળવાથી શેરખાન સામે એકલે હાથે લડવું પડ્યું. મે, 1540માં કનોજની લડાઈમાં  શેરખાને ફરી વાર હુમાયૂંને સખત પરાજય આપ્યો. દિલ્હીની સલ્તનત અફઘાનોના હાથમાં આવી. હુમાયૂંએ પંદર વર્ષ ભટકતું જીવન ગુજાર્યું. પંદર વર્ષના રઝળપાટને અંતે હુમાયૂંએ 1555માં દિલ્હીના સુલતાન સિકંદર સૂરને હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી, 1556ના રોજ તે અવસાન પામ્યો. તે ગુમાવેલું રાજ્ય પુન: પ્રાપ્ત કરી શક્યો, પરંતુ તેને વ્યવસ્થિત કરી શક્યો નહિ.

અકબર : સિંધના ઉમરકોટ ગામ નજીક 15 ઑક્ટોબર, 1542ના રોજ અકબરનો જન્મ થયો હતો. હુમાયૂંએ તેનું નામ જલાલુદ્દીન મુહમ્મદ અકબર રાખ્યું. પુત્રજન્મની ખુશાલીમાં હુમાયૂંએ સેવકોને કસ્તૂરી વહેંચતાં જણાવ્યું કે કસ્તૂરીની સુગંધની જેમ તેના પુત્રની કીર્તિ પણ સમગ્ર ભારતમાં ફેલાશે. અકબરને ઘોડેસવારી, ખેલકૂદ, તલવારબાજી વગેરેમાં વધુ રસ હોવાથી તેણે અન્ય શિક્ષણ લીધું નહિ. હુમાયૂંનું એકાએક અવસાન થતાં, ફેબ્રુઆરી 1556માં 14 વર્ષની વયે તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. 1556થી 1560 સુધી બૈરમખાને અકબરના રીજંટ તરીકે મુઘલ રાજ્યને સ્થિર તથા સલામત કર્યું. તે પછી અકબરે બૈરમખાન પાસેથી શાસન પોતાને હસ્તક લીધું; પરંતુ બે વર્ષ સુધી અકબરની દૂધમાતા માહમ આંગા કર્તાહર્તા રહી. 1562માં માહમ આંગા અવસાન પામતાં અકબર સર્વસત્તાધીશ બન્યો. અકબર સામ્રાજ્યવાદી શાસક હતો. તેણે 1562થી 1601 દરમિયાન અનુક્રમે માળવા, ગોંદવાના (જબલપુર પાસે), રણથંભોર, કાલિંજર, મેવાડ, ચિતોડ, જોધપુર, ગુજરાત, બંગાળ, કાબુલ, કાશ્મીર, સિંધ, કંદહાર, અહમદનગર તથા અસીરગઢ જીતી લીધાં. ગોંદવાનાની રાણી દુર્ગાવતી અને તેના પરાક્રમી પુત્ર વીરનારાયણે લડાઈમાં અપૂર્વ વીરતા દાખવી શહીદી વહોરી. ગુજરાતના વિજયથી અકબરની મહેસૂલની આવકમાં નોંધપાત્ર વધારો થયો. રાજા માનસિંહના નેતૃત્વ હેઠળ લડતી મુઘલ સેના સામે મેવાડના મહારાણા પ્રતાપે અદ્વિતીય બહાદુરી તથા દેશભક્તિ દાખવ્યાં. આખરે પ્રતાપનો પરાજય થવા છતાં, તેણે મુસલમાનોની સર્વોપરિતા સ્વીકારી નહિ. તેણે મેવાડના ઘણા પ્રદેશો મુઘલો પાસેથી જીતી લીધા. અહમદનગર અને અસીરગઢના કિલ્લા જીતવામાં પણ અકબરની કસોટી થઈ હતી.

અકબર

અકબરે રજપૂતો સાથે લગ્નસંબંધો બાંધીને તથા તેમને ઊંચા હોદ્દા આપીને ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી. તેના પરિણામે તેને ભારતના રાજકર્તા-વર્ગની – રાજપૂતોની સેવાનો લાભ મળ્યો. અકબર પછીના મુઘલોની નસોમાં રાજપૂતોનું લોહી વહેતું હતું. અકબરે જજિયાવેરો અને યાત્રાવેરો નાબૂદ કર્યો, ગૌવધ પર પ્રતિબંધ મૂક્યો; હિંદુઓને ધાર્મિક સ્વાતંત્ર્ય આપ્યું; મંદિરો બાંધવાની છૂટ આપી તથા હિંદુ-મુસ્લિમ વચ્ચે સાંસ્કૃતિક સમન્વય સાધ્યો. અકબરે તેના વિશાળ સામ્રાજ્યનું વહીવટી તંત્ર સુર્દઢ કર્યું હતું. તેણે ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સુધારા કર્યા. તેણે ગુલામીપ્રથા નાબૂદ કરી, સતીપ્રથા બંધ કરાવી, પુત્રીની હત્યા પર પ્રતિબંધ મૂક્યો વિધવાવિવાહની છૂટ આપી તથા વેશ્યાવૃત્તિ અને ભિક્ષુકવૃત્તિ પર નિયંત્રણો મૂક્યાં. તેણે શિક્ષણ, સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું. તેણે ઉત્તમ સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કરાવ્યા. તેણે ફતેહપુર-સિક્રી નામે નવું શહેર વસાવી તેમાં જાણીતી ઇમારતો બંધાવી. તેણે સંગીત, ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું. તેણે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ધાર્મિક ચર્ચા-વિચારણા કર્યા બાદ ‘દીને ઇલાહી’ ધર્મ સ્થાપ્યો. અકબરના અવસાન પછી તેનો અંત આવ્યો.

જહાંગીર : તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1569ના રોજ ફતેહપુર સિક્રીમાં થયો હતો. તેનું નામ સુલતાન મુહમ્મદ સલીમ રાખવામાં આવ્યું હતું. તેણે તુર્કી, ફારસી, અરબી, સંસ્કૃત, હિંદી વગેરે ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. તેણે ગાદી મેળવવા માટે અકબર સામે વિદ્રોહ કર્યો હતો.

જહાંગીર

તે પછી પણ તેણે સમ્રાટના આદેશોની અવારનવાર અવહેલના કરી હતી. તેણે અકબરના મિત્ર અબુલ ફઝલનું 1602માં ખૂન કરાવીને તેને ભારે આઘાત લગાડ્યો હતો. છેવટે તેણે અકબર સમક્ષ પોતાનાં કૃત્યોનો એકરાર કર્યો અને અકબરે તેને માફ કર્યો. અકબરના અવસાન બાદ 36 વર્ષની વયે, 3 નવેમ્બર, 1605ના રોજ આગ્રામાં ‘નૂરુદ્દીન મુહંમદ જહાંગીર’ નામ ધારણ કરી સલીમ ગાદીએ બેઠો. તેણે સરદારો અને ઉમરાવોને મહત્વના હોદ્દા તથા ખિતાબો આપ્યા. લોકોને ન્યાય આપવા માટે યમુના નદીના કિનારા પાસેના સ્તંભ ઉપર સોનાની સાંકળ લટકાવી. તેણે વહીવટને લગતી બાર મુદ્દાવાળી રાજનીતિ જાહેર કરી. તેના જ્યેષ્ઠ પુત્ર ખુશરૂએ એપ્રિલ, 1606માં વિદ્રોહ કર્યો. તેમાં ખુશરૂનો પરાજય થયો. તેને નજરકેદ કરીને રાખવામાં આવ્યો, જ્યાં 1622માં ખુર્રમે (શાહજહાં) તેને મારી નંખાવ્યો. જહાંગીરે ખુશરૂને મદદ કરનાર શીખગુરુ અર્જુનદેવનો પણ વધ કરાવ્યો. તેને કારણે શીખો અને મુસ્લિમો વચ્ચે કાયમ માટે ધિક્કારની ભાવના ઉદભવી. ઈ. સ. 1612માં જહાંગીરે નૂરજહાં સાથે લગ્ન કર્યાં. તે પછી 15 વર્ષ સુધી નૂરજહાંએ મુઘલ સામ્રાજ્ય અને શાસનતંત્ર પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું. તેના સમયમાં બીકાનેરના રાજા રાયસિંહે, બિહારના જાગીરદાર સંગ્રામસિંહે, બુંદેલાના રામચંદ્ર બુંદેલાએ, સૌરાષ્ટ્રના જેતપુરના એક સરદારે તથા બંગાળમાં અફઘાનોએ કરેલા સ્થાનિક વિદ્રોહો કચડી નાખવામાં આવ્યા. મેવાડના રાણા સામે ત્રણ આક્રમણો કરીને, તેની પાસે મુઘલોની સર્વોપરિતા સ્વીકારાવવામાં આવી. તેણે નિઝામશાહી અહમદનગર સહિત દક્ષિણનાં રાજ્યો પર પાંચ આક્રમણો કરીને મુઘલોની સર્વોપરિતા સ્વીકારાવી. તેના સમયમાં મુઘલો પાસેથી ઈરાને કંદહાર જીતી લીધું. જહાંગીરે અકબરની ઉદાર નીતિને અનુસરીને હિંદુ, ખ્રિસ્તી વગેરેને મંદિરો અને ચર્ચ બાંધવાની છૂટ આપી હતી. તે હિંદુઓને સરકારી નોકરીમાં નિમણૂક આપતો હતો. તેણે પોતાની આત્મકથા ફારસી ભાષામાં ‘તુઝુકે જહાંગીરી’ નામથી લખી છે. તે ચિત્રકલા અને સંગીતમાં રસ ધરાવતો હતો.

નૂરજહાં : તેનો જન્મ ઈ. સ. 1577માં કંદહાર મુકામે થયો હતો. તેનું નામ મહેરુન્નિસા પાડવામાં આવ્યું. તેના પિતા મિર્ઝા ગ્યાસબેગ ફતેહપુર સિક્રી આવ્યા અને અકબરના દરબારમાં નોકરી મેળવી ક્રમશ: બઢતી મેળવી. મહેરુન્નિસાનાં લગ્ન શેર અફઘાન સાથે થયાં હતાં. તેના અવસાન બાદ શહેનશાહ જહાંગીરે તેની સાથે લગ્ન કરી, તેને નૂરજહાં નામ આપ્યું. તે પછી તે શાસનતંત્રમાં સક્રિય રસ લેવા માંડી અને 1627 સુધી તે સામ્રાજ્યની વાસ્તવિક શાસક બની ગઈ. પોતાના પ્રભાવથી તેણે સગાંસંબંધીઓને ઉચ્ચ હોદ્દા પર નીમ્યા. અગાઉના લગ્નથી થયેલી પોતાની પુત્રીને શાહજાદા શહરિયાર સાથે પરણાવી. તેના વર્ચસને લીધે શાહજાદા ખુર્રમ (શાહજહાં) અને સેનાપતિ મહાબતખાને બળવા કર્યા હતા. ઑક્ટોબર, 1627માં જહાંગીરના અવસાન બાદ નૂરજહાંની સત્તાનો અંત આવ્યો.

નૂરજહાં

શાહજહાં : તેનો જન્મ 15મી જાન્યુઆરી 1592ના રોજ લાહોરમાં થયો હતો. તેનું મૂળ નામ ખુર્રમ હતું. તેને તીરંદાજી, પટાબાજી અને ઘોડેસવારીમાં અધિક દિલચસ્પી હતી. તે અકબરનો પ્રિય પૌત્ર હતો. તેણે શાહજાદા તરીકે 1614માં મેવાડ પર, 1616માં અહમદનગર પર તથા 1618માં કાંગરા પર વિજય મેળવી ભાવિ ગાદીવારસ તરીકેનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ વિજયો બદલ જહાંગીરે તેને મનસબપદે બઢતી આપી હતી. જહાંગીરના અવસાન બાદ 6 ફેબ્રુઆરી, 1628ના રોજ શાહજહાં આગ્રામાં ગાદીએ બેઠો. તેણે જુઝારસિંહ બુંદેલાનો વિદ્રોહ કચડી નાખી, ઓરછાનું હિંદુ મંદિર મસ્જિદમાં ફેરવી નંખાવ્યું અને બુંદેલખંડનાં કેટલાંક મંદિરોનો નાશ કરાવ્યો.

આમ તેણે ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ અમલમાં મૂકી. અફઘાન સરદાર ખાનજહાંનો વિદ્રોહ દબાવી દેવામાં આવ્યો. ચાંચિયાગીરી કરતા પૉર્ટુગીઝો પ્રત્યે તેણે અમાનુષી વર્તાવ કરી તેમને હુગલીમાંથી સાફ કર્યા. તેના અમલ દરમિયાન અહમદનગરના નિઝામશાહી રાજ્યનું વિલીનીકરણ થયું તથા ગોલકોંડા અને બિજાપુરના સુલતાનોએ પોતાની સ્વતંત્રતા ગુમાવી. વાયવ્ય સરહદે કંદહાર પરનાં ત્રણ નિષ્ફળ આક્રમણોને લીધે સામ્રાજ્યને પુષ્કળ ધન અને જાનની ખુવારી થઈ. મધ્ય એશિયામાં બલ્ખ અને બદક્ષાન જીતવાની શાહજહાંની નીતિ નિષ્ફળ નીવડી. તેનાથી મુઘલ સામ્રાજ્યની પ્રતિષ્ઠા ઘટી. તેણે ધાર્મિક ક્ષેત્રે અસહિષ્ણુ નીતિનો અમલ કર્યો.

શાહજહાં

અલ્લાહાબાદ પ્રાંત, બનારસ, ગુજરાત તથા કાશ્મીરમાં મંદિરોનો નાશ કરાવ્યો. અન્ય ધર્મના લોકો ઇસ્લામ ધર્મ સ્વીકારે તે વાસ્તે રાજ્યનાં સાધનોનો ઉપયોગ કર્યો. તેના શાસનકાળમાં કેટલાક નોંધપાત્ર હિંદુઓને મુસ્લિમ બનાવવામાં આવ્યા. શાહજહાંનો શાસનકાળ (1627–57) એકંદરે સુખ, શાંતિ તથા આબાદીનો સમય હતો. તેને ઇમારતો બાંધવાનો ઘણો શોખ હતો. આગ્રામાં તેણે બંધાવેલ તાજમહલ તેનાં સ્થાપત્યોમાં સૌથી જીવંત અને સર્જનાત્મક કૃતિ છે. તેણે ચિત્રકલા અને સંગીતને પણ ઉત્તેજન આપ્યું હતું. તેનું અવસાન 1666ના જાન્યુઆરીમાં થયું હતું.

ઔરંગઝેબ : તેનો જન્મ 24મી ઑક્ટોબર, 1618ના રોજ દાહોદ મુકામે થયો હતો. તેણે કુરાને શરીફ અને હદીસમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. એક વિદ્વાનની જેમ તે અરબી અને ફારસી ભાષા બોલી શકતો હતો. તેણે બલ્ખ અને કંદહારમાં, દક્ષિણમાં, ગુજરાતમાં તથા મુલતાનમાં સૂબા તરીકે કામગીરી બજાવી હતી. શાહજહાં માંદો પડતાં, તેના પુત્રો વચ્ચે વારસાવિગ્રહ થયો. તેમાં ભાઈઓને હરાવીને 1658માં દિલ્હી ખાતે તેણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. તેણે તેના પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કર્યો. તેણે આસામ, બંગાળ, અફઘાનિસ્તાન, રાજપૂતાના, દખ્ખણનાં રાજ્યો અને મરાઠાઓ સામે મેળવેલા વિજયો તેની અસહિષ્ણુતાની નીતિને કારણે નિષ્ફળ ગયા. પોતાની વિસ્તારવાદી અને ધર્માંધ નીતિને લીધે મથુરાવિસ્તારના જાટ, બુંદેલખંડના બુંદેલા, પંજાબના શીખ, દખ્ખણનાં શિયાપંથી રાજ્યો, મેવાડ અને નારનોલના સતનામીઓ તથા મરાઠાઓ સામે લડાઈઓ કરીને તેણે દુશ્મનો પેદા કર્યા અને આખરે મુઘલ સામ્રાજ્યનું પતન થયું. તેણે લાંબી લડાઈઓ કરીને હજારો સૈનિકો ગુમાવ્યા તથા રાજ્યની તિજોરી ખાલી કરી નાખી. તેનાં અંતિમ વરસોમાં અનેક પ્રદેશોમાં બળવા થયા, ઉદ્યોગો નાશ પામ્યા તથા ખેતી અને વેપારને નુકસાન થયું. ઈ. સ. 1707માં દખ્ખણમાં તેનું અવસાન થયું.

ફર્રુખશિયર વગેરે : ઔરંગઝેબના અવસાન પછી તેનો પુત્ર મુઆઝમ બહાદુરશાહ નામ ધારણ કરીને ગાદીએ બેઠો. ફેબ્રુઆરી, 1712માં તેના અવસાન બાદ, તેના પુત્ર અઝીમુશ્શાનનો પુત્ર ફર્રુખશિયર સૈયદ ભાઈઓની મદદથી ગાદીએ બેઠો. તેના દરબારમાં જૂથ પડી ગયાં અને વિવિધ જૂથના રાજકારણનો તે ભોગ બન્યો. તેમાં સૈયદ ભાઈઓ તથા મીર જુમલાનાં જૂથ શક્તિશાળી હતાં. સૈયદ ભાઈઓ સાથેના તેના સંબંધો બગડવાથી મરાઠાઓની મદદ વડે હુસેનઅલી સૈયદે દિલ્હી કબજે કરીને ફર્રુખશિયરને કેદ કર્યો. એપ્રિલ, 1719માં તેને મારી નાખવામાં આવ્યો. સૈયદ ભાઈઓ – સૈયદ હુસેનઅલી અને સૈયદ અબ્દુલ્લા – પોતાની ઇચ્છા મુજબ મુઘલ શહેનશાહપદ આપતા. તેમણે જૂન, 1719માં રફીઉદ્દૌલાને તથા તેના અવસાન બાદ સપ્ટેમ્બર, 1719માં મુહમ્મદશાહને બાદશાહ બનાવ્યો. ઑક્ટોબર, 1720માં સૈયદ હુસેનઅલીને અને તે પછી બે વરસે સૈયદ અબ્દુલ્લાને મારી નાખવામાં આવ્યા.

બહાદુરશાહઝફર : તેનો જન્મ 1775માં થયો હતો. તેણે તીરંદાજી, ઘોડેસવારી, તલવારબાજી અને બંદૂક ચલાવવામાં કુશળતા મેળવી હતી. તે સૂફી દર્શનનો અભ્યાસી, ફારસીનો વિદ્વાન અને શાયર પણ હતો. ‘ઝફર’ શાયર તરીકેનું તેનું ઉપનામ હતું. 1857ના વિપ્લવમાં મેરઠથી આવેલ વિદ્રોહી સૈનિકોના આગ્રહથી તેણે અનિચ્છાએ નેતાગીરી લીધી હતી. અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યા બાદ, તેની ધરપકડ કરી આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી. રંગૂનમાં અંતિમ દિવસો પસાર કરતાં 87 વર્ષની વયે તેનું અવસાન થયું.

સામાજિક જીવન : મુઘલકાળનો સમાજ સામંતશાહી પદ્ધતિ મુજબ ગોઠવાયો હતો. તેમાં સૌપ્રથમ શહેનશાહ, બીજા વર્ગમાં ઉમરાવો, અધિકારીઓ અને શ્રીમંત વેપારીઓ, ત્રીજા વર્ગમાં મધ્યમ વર્ગના ખેડૂતો, નાના વેપારીઓ, નોકરો અને કારીગરો તથા ચોથા વર્ગમાં મજૂરો અને ગુલામો આવતા હતા.

શહેનશાહ અને તેના પરિવારના સભ્યોની માફક ઉમરાવો તથા ઉચ્ચ અધિકારીઓનું જીવન ભોગવિલાસી અને વૈભવશાળી હતું. ઉચ્ચ અધિકારીઓના હોદ્દા પર ઉમરાવોની જ નિમણૂક થતી હતી. તેમનું જીવન પણ વૈભવશાળી હતું. તેઓમાં સુરા અને સુંદરીનાં દૂષણો સામાન્ય હતાં. તેમને નૃત્ય અને સંગીતનો શોખ હતો. દારૂ, અફીણ, જુગાર વગેરેનાં દૂષણો તેમનામાં હતાં. અબુલ ફઝલના જણાવ્યા પ્રમાણે અકબરના જનાનખાનામાં 5,000 સ્ત્રીઓ હતી. જહાંગીરે વીસથી વધારે લગ્ન કર્યાં હતાં. તત્કાલીન રાજપૂત રાજાઓ, સરદારો, હિંદુ અમલદારો તથા શ્રીમંત વેપારીઓનાં પહેરવેશ, ખોરાક અને મકાનોમાં પોતાની સમૃદ્ધિ બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. તેમના પહેરવેશમાં ઝભ્ભો, ચૂડીદાર પાયજામો, અંગરખાં અને સાફો લોકોએ અપનાવ્યાં હતાં. તત્કાલીન રાજપૂત રાજાઓ તથા સરદારો અને મુસ્લિમ ઉમરાવોનો પહેરવેશ ઘણોખરો સરખો હતો. ઉમરાવોએ સાહિત્ય, કલા-સ્થાપત્ય અને લલિત કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું.

મધ્યમ વર્ગના લોકો કરકસરથી સુખી જીવન જીવતા હતા. કેટલાક દુષ્કાળો સિવાય મુઘલ સમય દરમિયાન અનાજની તંગી નહોતી. વસ્તુઓના ભાવ નીચા હતા. ખેડૂતોની સ્થિતિ સારી હતી. કેટલાક અધિકારીઓ તેમના ઉપર જુલમ કરતા હતા. ચોથા વર્ગના લોકોની સ્થિતિ દયાજનક હતી; છતાં રાજ્યના રસોડામાંથી તેમને ખોરાક મળી રહેતો.

હિંદુ સમાજમાં બાળલગ્નો તથા સતી થવાનો રિવાજ જેવાં દૂષણો હતાં. બંને કોમની સ્ત્રીઓમાં પડદાનો રિવાજ ચાલુ હતો. સ્ત્રીઓના શિક્ષણ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવતી; તેમ છતાં તે સમયે ગુલબદન- બેગમ, જહાંઆરા, રોશનઆરા, નૂરજહાં, મુમતાજમહલ, ચાંદબીબી જેવી વિદુષી અને વહીવટદાર સ્ત્રીઓ થઈ ગઈ હતી. હિંદુઓમાં જીજાબાઈ, તારાબાઈ જેવી નોંધપાત્ર મહિલાઓ હતી. તે સમયની બુંદેલા સ્ત્રીઓ તો યુદ્ધમાં પોતાના પતિ સાથે ભાગ પણ લેતી હતી.

રામાનંદ, કબીર જેવા સંતોના પ્રભાવથી હિંદુ-મુસ્લિમો પરસ્પર નજીક આવ્યા હતા. અકબરે તહેવારો તથા ઉત્સવોમાં હિંદુ-મુસ્લિમોને સાથે ભાગ લેવા ઉત્તેજન આપ્યું. અકબરના પછી પણ લોકોમાં સમન્વયની ભાવના જળવાઈ રહી હતી.

આર્થિક જીવન : આ સમયના આર્થિક જીવનની માહિતી ‘આઈને-અકબરી’, અન્ય મુસ્લિમ ઇતિહાસકારોના ગ્રંથો તથા યુરોપીય પ્રવાસીઓની નોંધપોથીઓમાંથી મળે છે. તે સમયના લોકો સુખી તથા સમૃદ્ધ હતા. અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી હતો. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. અકબરે જમીન-મહેસૂલના સુધારા કર્યા હતા. અનાજ, શેરડી, કપાસ, અફીણ, તમાકુ વગેરે પાક લેવામાં આવતા. ખેતીને માટે કૂવા, વાવ, તળાવ, નહેરો વગેરેની સગવડો હતી. શહેનશાહ નબળો હોય તો તેના અધિકારીઓ ખેડૂતોની કનડગત કરતા હતા.

મુઘલ યુગમાં વેપાર-ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો હતો. ભારત એક ઔદ્યોગિક દેશ ગણાતો હતો. વિદેશોમાં ભારતનો માલ નિકાસ કરવામાં આવતો. યુરોપ તથા એશિયાના દેશો સાથે ભારતનો વેપાર ચાલતો હતો. પાટણ, અમદાવાદ, સૂરત, વારાણસી, ઢાકા, જોધપુર, મછલીપટ્ટમ્ વગેરે કાપડ-ઉદ્યોગનાં કેન્દ્રો હતાં. ઢાકાની મલમલ, સિક્રીની શેતરંજીઓ, ગુજરાતનો કિનખાબ, લાહોરનું રેશમી કાપડ તથા કાશ્મીરના ગાલીચાની દેશવિદેશમાં ઘણી માગ હતી. સરકાર તરફથી પણ કારખાનાં ચાલતાં હતાં. યુરોપ, અગ્નિ એશિયા, આફ્રિકાના દેશો તથા ચીનમાં સુતરાઉ કાપડ, અફીણ, ગળી, સૂરોખાર, મરી, સૂંઠ, હીરામાણેક તથા ખાંડની નિકાસ થતી હતી. અરબી ઘોડા, કાચની વિવિધ વસ્તુઓ, દારૂ, ગુલામો વગેરેની ભારતમાં આયાત થતી હતી. વેપારમાંથી પુષ્કળ સોનું અને ચાંદી ભારતમાં આવતાં હતાં. ભારતની સમૃદ્ધિ અને જાહોજલાલી તત્કાલીન શહેરો અને બંદરોમાં જણાઈ આવતી હતી. લાહોર યુરોપ કે એશિયાના કોઈ પણ શહેરથી ઊતરતું નહોતું. આગ્રા અને ફતેહપુર સિક્રી તત્કાલીન લંડન કરતાં પણ મોટાં શહેરો હતાં. ખંભાત, ભરૂચ, સૂરત અગત્યનાં બંદરો હતાં.

વેપાર-ઉદ્યોગના વિકાસાર્થે ધોરી માર્ગો બાંધવામાં શેરશાહનું પ્રદાન નોંધપાત્ર છે. સામ્રાજ્યનાં સર્વે મહત્ત્વનાં નગરો માર્ગોથી જોડાયેલાં હતાં. પેશાવરથી બંગાળ સુધીનો એક રાજમાર્ગ હતો. આગ્રાથી ગ્વાલિયર, અમદાવાદ અને સૂરત સુધીનો બીજો રાજમાર્ગ હતો. બીજા અનેક રાજમાર્ગો હતા. માર્ગોની ઉભય બાજુએ વૃક્ષોની હાર તથા ચોક્કસ અંતરે ધર્મશાળાઓ હતી. આ ઉપરાંત નદીઓ અને સમુદ્રોનો ઉપયોગ જળમાર્ગો માટે કરવામાં આવતો હતો. દેશમાં વહાણો બાંધવામાં આવતાં હતાં. વાહનવ્યવહાર ઘણુંખરું સુરક્ષિત હતો. ‘આઈને-અકબરી’માં જણાવ્યા મુજબ એક રૂપિયાના 60 કિલોગ્રામ ઘઉં અથવા 40 કિલોગ્રામ સામાન્ય કોટીના ચોખા મળતા હતા. વિદેશી પ્રવાસીઓએ તે સમયના દેશની આર્થિક સ્થિતિની પ્રશંસા કરી છે.

બહાદુરશાહ બીજો

ધાર્મિક જીવન : ધાર્મિક નીતિની બાબતમાં બાબર તથા હુમાયૂં વિશે સ્પષ્ટ માહિતી મળતી નથી, કારણ કે શાસનતંત્ર સ્થાપવાનો તેમને સમય મળ્યો ન હતો; પરન્તુ તેમણે બંનેએ રાજકીય લાભાર્થે ઈરાનમાં શિયાપંથનો સ્વીકાર કર્યો હતો. તે ઉપરથી અનુમાન કરી શકાય કે તેઓ ધર્માંધ નહોતા. આ યુગમાં સહિષ્ણુ ધાર્મિક નીતિ અને ઉદાર ઇસ્લામી શાસનતંત્રનો આરંભ કરનાર સૂર વંશનો શેરશાહ હતો. તે પછી અકબરે તે નીતિનો વિકાસ કર્યો. તેણે સર્વધર્મસમભાવ કેળવીને, જજિયાવેરો નાબૂદ કર્યો હતો. તેણે ઇબાદતખાનામાં પ્રત્યેક ધર્મના વિદ્વાનોને નોતરીને સર્વે ધર્મોનો અભ્યાસ કર્યો હતો. આ અધ્યયનના ફલસ્વરૂપે તેણે ‘દીને ઇલાહી’ નામના ધર્મની સ્થાપના કરી હતી. તેમાં જોડાવા માટે તેણે સત્તા, લાગવગ કે કોઈ લાલચનો ઉપયોગ કર્યો ન હતો. આ બાબતમાં અકબર તેના સમકાલીન શાસકો કરતાં પ્રબુદ્ધ હતો. તેના પછી જહાંગીરના સમયમાં તે નીતિ શિથિલ બની હતી. શીખ ગુરુ અર્જુનસિંહનો વધ રાજકીય કારણસર કરવા છતાં ધાર્મિક નીતિના પરિવર્તનનો આરંભ થયો હતો. શાહજહાંના શાસનકાળમાં અસહિષ્ણુ ધાર્મિક નીતિ સ્પષ્ટ જણાય છે અને ઔરંગઝેબના સમયમાં તે પરાકાષ્ઠાએ પહોંચી હતી; છતાં લોકોના વ્યવહારમાં સમન્વય સ્પષ્ટ જણાય છે. વાસ્તવમાં ધર્મની બાબતમાં શાસકો કરતાં સંતોનો વધુ પ્રભાવ પડે છે. આમ તત્કાલીન હિંદુ-મુસ્લિમ સંતોનું સમન્વયકારી વલણ પ્રભાવક નીવડ્યું હતું.

શાસનતંત્ર : ભારતની પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે મૌર્ય તથા ગુપ્ત શાસનતંત્રની જેમ મુઘલ શાસનતંત્રને પણ આપખુદ રાજાશાહી કહી શકાય. તેમાં શહેનશાહ સર્વસત્તાધીશ હતો. તે વહીવટી, ધારાકીય અને ન્યાયકીય બાબતોનો વડો હતો. તે લશ્કરનો સેનાપતિ પણ હતો. રાજાને સલાહ અને સહાય આપવા માટે મંત્રીમંડળ હતું, પરંતુ તેની સલાહ લેવા કે સલાહનો અમલ કરવા, તે બંધાયેલ નહોતો. શહેનશાહની સત્તા અમર્યાદિત હોવા છતાં કુરાને શરીફ અને હદીસના કાયદા તેણે માનવા પડતા હતા. મુઘલ બાદશાહો ન્યાયપ્રિયતા માટે જાણીતા હતા. મુઘલ શાસનતંત્રમાં ભારતીય અને વિદેશી તત્વોનો સમન્વય થયો હતો. વાસ્તવમાં તે ભારતને અનુરૂપ ઈરાની-અરબી શાસનતંત્ર હતું. તેના ઘડતરમાં અકબરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વજીરને હસ્તક નાણાં અને મહેસૂલ ખાતું હતું. તે બધા મંત્રીઓમાં ઉપરી હતો અને સામાન્ય દેખરેખ પણ રાખતો હતો. ખાને સામાન ગૃહખાતાનો વડો હતો. આ હોદ્દો વિશ્વાસપાત્ર વ્યક્તિને આપવામાં આવતો. મીર બક્ષી લશ્કરી પગાર અને હિસાબખાતાનો વડો હતો. સદ્ર–ઉસ-સુદૂર રાજ્યનો મુખ્ય ધર્માધિકારી હોવાથી રાજ્યનાં ધાર્મિક કાર્યો તેના વતી થતાં હતાં. કાઝી-ઉલ-કઝ્ઝાત ન્યાયખાતાનો વડો અને વડો ન્યાયાધીશ હતો. આ ઉપરાંત મુહતસિબ (સદાચાર ખાતાનો વડો), દારોગા-ઇ-તોપખાના વગેરે અધિકારીઓ નીમવામાં આવતા હતા. અકબરના સમયમાં મુઘલ સામ્રાજ્યનો વિકાસ થયો. તેણે સામ્રાજ્યને 15 પ્રાંતોમાં વહેંચ્યું હતું. ઔરંગઝેબના સમયમાં 21 પ્રાંતો હતા. પ્રાંતના વડાને નાઝિમ, સિપાહસાલાર અથવા સુબહદાર કહેતા. પ્રાંતના વહીવટ માટે તે જવાબદાર હતો. ઘણુંખરું શાહજાદાઓને તે સ્થાન પર નીમવામાં આવતા હતા. પ્રાંતનું શાસનતંત્ર મધ્યસ્થ તંત્રના નમૂના પ્રમાણે રચાયેલું હતું. સુબહદાર દીવાની અને લશ્કરી – બંને પ્રકારની ફરજો બજાવતો હતો. તેને વહીવટમાં મદદ કરવા વજીર (દીવાન), સદર, બક્ષી, ફોજદાર, કોટવાલ, કાજી વગેરે અમલદારો હતા. વહીવટી સુવિધા માટે પ્રાંતોના સરકાર અને પરગણાંઓમાં પેટા વિભાગો પાડવામાં આવ્યા હતા. વહીવટનો સૌથી નાનો એકમ ગ્રામ હતો. તેનો વહીવટ ગ્રામપંચાયત પાસે રહેતો હતો.

મુઘલોની મહેસૂલી વ્યવસ્થાની શરૂઆત અકબરે કરી હતી. તેણે કરેલા સુધારાઓમાં રાજા ટોડરમલે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. રાજ્યની આવકનાં સાધનોમાં જમીનમહેસૂલ ઉપરાંત જકાત, ટંકશાળ, બિનવારસી મિલકત, યુદ્ધોમાંથી થતી આવક, દંડની રકમ, ખંડણી, ભેટ વગેરેનો સમાવેશ થતો હતો.

અકબરે મનસબદારી લશ્કરી પ્રથા અપનાવી હતી. તે મુજબ દીવાની કે લશ્કરી અમલદારોને તેમના હોદ્દાની અગત્ય પ્રમાણે અમુક સંખ્યાના મનસબદારો ગણવામાં આવતા, જે 10ની સંખ્યાથી શરૂ કરીને 15,000 કે તેનાથી વધુ સુધી પહોંચતી. મનસબદારોને લશ્કરી ખર્ચને માટે જાગીરને બદલે રોકડ નાણાં આપવામાં આવતાં. તેનો હિસાબ મીરબક્ષી રાખતો. આ પ્રથા પ્રતાપી બાદશાહોના સમયમાં સારી ચાલતી, પરંતુ નિર્બળ બાદશાહોના સમયમાં તેનાં દૂષણો જણાયાં. આપખુદ રાજાશાહી શક્તિશાળી સ્થાયી લશ્કર વિના નિર્બળ પુરવાર થઈ. મુઘલ લશ્કરમાં પાયદળ, અશ્વદળ, તોપખાનું અને નૌકાકાફલાનો સમાવેશ થતો હતો.

શિક્ષણ અને સાહિત્ય : મુઘલ યુગ દરમિયાન મસ્જિદો, ધર્મશાળાઓ, સંતો તથા વિદ્વાનો  દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ-સંસ્થાઓ ચલાવવામાં આવતી હતી. મુઘલ શહેનશાહો શિક્ષણને ઉત્તેજન આપતા. બાબર પોતે વિદ્વાન હતો. તેણે શિક્ષણને ઉત્તેજન આપ્યું હતું. હુમાયૂંએ દિલ્હીમાં એક મદરેસા સ્થાપી હતી, પુસ્તકાલય બંધાવ્યું હતું અને વેધશાળા બાંધવાની શરૂ કરાવી હતી. અકબરે અનેક શાળાઓ તથા કૉલેજો સ્થાપી હતી. જહાંગીરે કરેલા એક કાયદા મુજબ કોઈ શ્રીમંત કે પ્રવાસી બિનવારસ અવસાન પામે તો તેની મિલકતનો ઉપયોગ નિશાળો બાંધવામાં કરવાની જોગવાઈ હતી. શાહજહાંએ દિલ્હીમાં એક કૉલેજ સ્થાપી હતી અને દારુલબકા નામની કૉલેજને સુધરાવી હતી. તેનો જ્યેષ્ઠ પુત્ર દારા શિકોહ ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાંનો એક હતો. તેણે કેળવણીના વિકાસમાં ઘણો રસ લીધો હતો. ઔરંગઝેબે પણ ઘણી શાળાઓ તથા મહાશાળાઓ શરૂ કરી હતી.

સ્ત્રીઓને માટે શિક્ષણની વ્યવસ્થા સામાન્ય હતી. રાજકુટુંબ તથા ઉમરાવ કુટુંબની મહિલાઓને ખાનગી અધ્યાપકો ભણાવતા હતા.

સાહિત્ય : મુઘલો સાહિત્યમાં રસ ધરાવતા હોવાથી, આ યુગ દરમિયાન સાહિત્યને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું હતું. રાજ્યની ભાષા ફારસી હોવાથી તેને વિશેષ ઉત્તેજન મળ્યું હતું. આ ઉપરાંત આ સમયે હિંદી તથા ઉર્દૂનો પણ વિકાસ થયો હતો. આ યુગનું સૌથી વધુ મહત્ત્વનું પ્રદાન તો ઐતિહાસિક સાહિત્યમાં થયું હતું. બાબર પોતે એક કવિ, વિદ્વાન તથા વિવેચક હતો. ફારસી અને તુર્કી ભાષા તેને ઘણી સારી આવડતી હતી. તુઝુકે-બાબરી (બાબરનામા) એશિયાની પ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિ ગણાય છે. હુમાયૂં પણ તુર્કી, અરબી અને ફારસી ભાષાઓનો જાણકાર હતો. તેણે તુઝુકે-બાબરીનું તુર્કીમાંથી ફારસીમાં ભાષાંતર (બાબરનામા) કર્યું હતું. બાબરની પુત્રી ગુલબદન બેગમ વિદુષી હતી. તેણે ‘હુમાયૂંનામા’ લખ્યું છે. અકબરના સમયમાં સાહિત્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. તેના ઉદાર આશ્રય તથા ઉત્તેજનને કારણે અનેક ઐતિહાસિક ગ્રંથો લખાયા, અનુવાદો થયા તથા કાવ્યસંગ્રહો લખાયા હતા. આ સમયે અબુલ ફઝલે ‘આઈને અકબરી’ અને ‘અકબરનામા’ની રચના કરી. મુલ્લાં દાઉદરચિત ‘તારીખે અલ્ફી’માં ઇસ્લામનો એક હજાર વર્ષનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. બદાઉનીએ ‘મુન્તખાબુત્-તવારીખ’, નિઝામુદ્દીન અહમદે ‘તબકાતે અકબરી’, ફૈઝી સરહિંદીએ ‘અકબરનામા’ તથા અબ્દુલ બાકીએ ‘માસિરે રહીમી’ જેવાં જાણીતાં ઐતિહાસિક પુસ્તકો લખ્યાં હતાં. અકબરના સમયમાં કેટલાક મહત્ત્વના ગ્રંથોના અનુવાદ કરવામાં આવ્યા હતા. ઇબ્રાહીમ સરહિંદીએ ‘અથર્વવેદ’નો, બદાઉનીએ ‘રામાયણ’નો તથા ફૈઝીએ ‘લીલાવતી’ નામના ગણિતશાસ્ત્રના ગ્રંથનો અનુવાદ કર્યો. અકબરે કેટલાક પ્રખ્યાત કવિઓને આશ્રય આપ્યો હતો. તેમાં ગીઝાલી તે સમયનો શ્રેષ્ઠ કવિ અને ફૈઝી રાજકવિ હતો. આ ઉપરાંત ઉર્ફી શીરાઝી અને મહંમદ હુસેન નઝીરી પણ જાણીતા કવિઓ થઈ ગયા. જહાંગીર પોતે વિદ્વાન હતો. તેણે પોતાની આત્મકથા ‘જહાંગીરનામા’ લખી છે. મીરઝા ગ્યાસબેગ, નકીબખાન, અબ્દુલ હક જેવા વિદ્વાનો તેના દરબારને શોભાવતા હતા. તેના સમયમાં ‘માસિરે-જહાંગીરી’, ‘ઇકબાલનામા-ઇ-જહાંગીરી’ વગેરે ઐતિહાસિક ગ્રંથો લખાયા હતા. જહાંગીરે સાહિત્યકારોને પુરસ્કાર આપવાની પ્રથા શરૂ કરી હતી. શાહજહાંએ ઇમારતો બાંધવાનો શોખ ધરાવવા સાથે સાહિત્યને પણ ઉત્તેજન આપ્યું હતું. તેના સમયમાં અબ્દુલ હમીદ લાહોરીએ ‘પાદશાહનામા’, અમીનાઈ કઝવિનીએ ‘પાદશાહનામા’ (બીજો ગ્રંથ) તથા ઇનાયતખાને ‘શાહજહાંનામા’ નામના ઐતિહાસિક ગ્રંથો લખ્યા છે. શાહજહાંનો જ્યેષ્ઠ પુત્ર દારા શિકોહ ફારસી, અરબી, અને સંસ્કૃત ભાષાનો શ્રેષ્ઠ વિદ્વાન હતો. તેણે મુસ્લિમ સંતો વિશે ‘સફીનતુલ ઔલિયા’ નામનો માહિતીપ્રદ ગ્રંથ લખ્યો છે. તેણે ઉપનિષદો, ભગવદ્ગીતા, યોગવાસિષ્ઠ વગેરેના ફારસી ભાષામાં અનુવાદો કર્યા છે. તેણે ‘મજમુઅલ બહરીન’ નામનો ગ્રંથ લખ્યો છે. તેમાં વેદાંત તથા સૂફીવાદ વચ્ચેનું સામ્ય દર્શાવ્યું છે. પોતાના સમયનો ઇતિહાસ લખાય તેનો ઔરંગઝેબ વિરોધી હતો, તેથી તેના સમયના ઐતિહાસિક ગ્રંથો ગુપ્ત રીતે લખવામાં આવ્યા હતા. તેમાં ખાફીખાને ‘મુન્તખાબુલ-લુબાબ’, મીરઝા મહંમદ કાઝિમે ‘આલમગીરનામા’, સુજનરાય ખત્રીએ ‘ખુલાસતુત્–તવારીખ’, ભીમસેને ‘નુશકએ – દિલકુશા’ અને ઈશ્વરદાસે ‘ફુતૂહાતે–આલમગીરી’ નામના ગ્રંથો લખ્યા હતા.

હિન્દુસ્તાની ભાષા માટે સોળમી અને સત્તરમી સદી સુવર્ણયુગ હતી. તે લોકોની ભાષા હતી. તત્કાલીન સંતોએ તેનો વધુ ઉપયોગ કર્યો હતો. કબીર અને ગુરુ નાનકે તેને લોકપ્રિય બનાવી હતી.  શેરશાહના સમયમાં મહંમદ જાયસીએ લખેલ ‘પદ્માવત’ કાવ્યમાં મેવાડની રાણી પદ્મિનીની વાર્તા નિરૂપવામાં આવી છે. રાજા બીરબલ, રાજા માનસિંહ અને અબ્દુલ રહીમ ખાનખાનાન તેના અગ્રણી કવિઓ હતા. રહીમના દોહા આજે પણ ઘણા પ્રચલિત છે. તે સમયે સૂરદાસ, નંદદાસ, વિઠ્ઠલદાસ, રસખાન, તુલસીદાસ વગેરે પ્રસિદ્ધ કવિઓ થઈ ગયા. તેઓમાં સર્વશ્રેષ્ઠ તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામની જાણીતી અને મહાન કાવ્યરચના લખી છે. તુલસીદાસ અકબરના સમકાલીન હતા. સૂરદાસે ‘સૂરસાગર’ સહિત અનેક કાવ્યો લખ્યાં છે. મુસ્લિમ કવિ રસખાને પણ ‘કૃષ્ણલીલા’, ‘વૃંદાવનવિહાર’, ‘પ્રેમવાટિકા’ વગેરે પ્રખ્યાત કૃતિઓની રચના કરી છે. કેશવદાસ અને ભૂષણ પણ આ સમયના જાણીતા કવિઓ થઈ ગયા. શાહજહાંના સમયમાં સંસ્કૃતના વિખ્યાત સાહિત્યકાર જગન્નાથે ‘રસગંગાધર’ અને ‘ગંગાલહરી’ની રચના કરી હતી.

તાજમહાલ

કલાસ્થાપત્ય : ઔરંગઝેબ સિવાય બધા મહાન મુઘલો બાંધકામમાં રસ ધરાવતા હતા. તેમાં અકબર અને શાહજહાંને બાંધકામનો વિશેષ શોખ હતો. કલાસ્થાપત્યના ક્ષેત્રે મુઘલાઈનો વારસો અદ્વિતીય તથા અમૂલ્ય છે. ભારતમાં આવતા બધા વિદેશી પ્રવાસીઓ તાજમહાલ જોવા અવશ્ય જાય છે. મુઘલોના સ્થાપત્યમાં હિંદુ-મુસ્લિમ સમન્વયનાં દર્શન થાય છે. તેમાં અકબરના સમય પર્યન્ત ઈરાનનો પ્રભાવ વિશેષ હતો; પરંતુ ત્યારબાદ તેનું પૂરેપૂરું ભારતીયકરણ થયેલું જોવા મળે છે. બાબરે બંધાવેલી ઇમારતોમાં તેણે ભારતીય કારીગરોને કામ સોંપ્યું હતું. તેના સમયની માત્ર ત્રણ ઇમારતો મોજૂદ છે : પાણીપતમાં આવેલી કાબુલી મસ્જિદ, સંભલમાં આવેલી જુમ્મા મસ્જિદ તથા આગ્રામાં આવેલી મસ્જિદ. હુમાયૂંએ બંધાવેલી ઈરાની શૈલીની આકર્ષક ઇમારત-મસ્જિદ ફતેહાબાદમાં આવેલી છે.

અકબરનો સમય સ્થાપત્યના વિકાસ માટે મહત્ત્વનો છે. તેના સમયની ઇમારતોમાં તેના ઈરાની સંસ્કાર અને ધાર્મિક સહિષ્ણુતાની નીતિનો પ્રભાવ નજરે ચડે છે. તેનાં બાંધકામોનું મુખ્ય કેન્દ્ર ફતેહપુર સિક્રી હતું. તેણે જાણીતા સંત હજરત શેખ સલીમ ચિશ્તીની સ્મૃતિમાં આ નગરનો પાયો 1569માં નાખ્યો હતો. તેમાં તેણે એ સંતનો ભવ્ય મકબરો બંધાવ્યો છે. તે ઉપરાંત ત્યાં તેણે બીજી અનેક સુંદર તથા ભવ્ય ઇમારતો બંધાવી હતી. તેમાં સૌથી વધુ આકર્ષક હિંદુ શૈલીનો જોધાબાઈનો મહેલ છે. આ ઉપરાંત તેણે હુમાયૂંનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જુમ્મા મસ્જિદ, બુલંદ દરવાજો વગેરે ઇમારતો બંધાવી હતી. બુલંદ દરવાજો ભારતમાં સૌથી મોટો દરવાજો છે અને સ્થાપત્યની ર્દષ્ટિએ તે સંપૂર્ણ ગણાય છે. જહાંગીરના સમયમાં અકબરના મકબરાનું કામ સંપૂર્ણપણે સફેદ આરસથી પૂરું કરવામાં આવ્યું. તેના સમયમાં નૂરજહાંએ તેના પિતાની કબર ઉપર આરસનો સુંદર મકબરો બંધાવ્યો હતો.

મુમતાજમહલ

સ્થાપત્યની બાબતમાં શાહજહાંને ગ્રીસના પેરિક્લીસ તથા રોમના ઑક્ટેવિયસની સાથે સરખાવવામાં આવે છે. તેણે અનેક મહેલો, કિલ્લા, મસ્જિદો તથા બગીચા બંધાવ્યાં હતાં. તેની ઇમારતો હજી પણ દિલ્હી, આગ્રા, લાહોર, કાબુલ, કંદહાર, અજમેર, અમદાવાદ વગેરે શહેરોમાં મોજૂદ છે. તેની ઇમારતો અન્ય કરતાં વધુ સુંદર અને શણગાર-સમૃદ્ધ છે. તેણે પોતાની બેગમ મુમતાજમહલ માટે પ્રેમના પ્રતીક સમાન તાજમહાલ આગ્રામાં બંધાવ્યો. તેને વિવેચકો સંગેમરમરમાં કંડારેલું પ્રેમકાવ્ય કહે છે. તે ઉસ્તાદ ઈશા નામના સ્થપતિએ બાંધ્યો હતો. આ ઉપરાંત દિલ્હી પાસે ‘શાહજહાનાબાદ’ નામના નગરનો પાયો નાખી ત્યાં કિલ્લો બંધાવ્યો, જે હવે ‘લાલ કિલ્લા’ તરીકે જાણીતો છે. તેણે દિલ્હીમાં જુમ્મા મસ્જિદ, દીવાને આમ, દીવાને ખાસ વગેરે ઇમારતો બંધાવી. તેણે આશરે સાત કરોડના ખર્ચે ‘મયૂરાસન’ નામનું સિંહાસન બનાવડાવ્યું. આગ્રામાં તેણે મોતી મસ્જિદ બંધાવી હતી. પરીની જેમ શોભતી તેની ઇમારતો, મુઘલોની જાહોજલાલી તથા દબદબાની પરાકાષ્ઠા સૂચવે છે. ઔરંગઝેબ સ્થાપત્યનો શોખીન ન હોવા છતાં તેણે મસ્જિદો અને મદરેસાઓ બંધાવી હતી.

ઇસ્લામી ધર્મમાં મૂર્તિપૂજાનો નિષેધ હોવાથી શિલ્પના ક્ષેત્રે તે સમયે પ્રગતિ થઈ નહોતી.

દીવાને ખાસ, ફતેહપુર-સિક્રી

ચિત્રકલા અને સંગીત : આ સમયે ચિત્રકલા અને સંગીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. હુમાયૂંએ ઈરાનમાં ચિત્રકલા માટે રુચિ કેળવી હતી. તે ઈરાનથી મીર સૈયદ અલી તથા ખ્વાજા અબ્દુલ શમદ જેવા શ્રેષ્ઠ ચિત્રકારોને ભારતમાં લાવ્યો હતો. મુઘલ ચિત્રકલા ઉપર ઈરાનનો પ્રભાવ વધુ જણાય છે. અકબરના સમયમાં તેનો વિકાસ થયો અને તેમાં ભારતીય પ્રભાવ પડ્યો હતો. તેના સમયમાં એ બંનેનો સમન્વય થવાથી ‘રાજસ્થાની’ અને ‘કાંગડા’ જેવી ચિત્રકલાની શૈલીઓ વિકસી હતી. જહાંગીર ચિત્રકલાનું જ્ઞાન ધરાવતો હતો. તે પોતે સફળ ચિત્રકાર હતો. તેના દરબારમાં અબુલ હસન તથા મનસૂર જેવા પ્રસિદ્ધ ચિત્રકારો હતા.

ઔરંગઝેબ સિવાય બધા મુઘલ બાદશાહો સંગીત અને નૃત્યના શોખીન તથા આશ્રયદાતા હતા. અકબરે સંગીતને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. તેના દરબારના 36 જેટલા સંગીતકારોમાં તાનસેન અને બૈજુ બાવરા શ્રેષ્ઠ હતા.

હિંદુમુસ્લિમ સમન્વય : ભારતની ભૌગોલિક સીમાઓ જેટલી વિશાળ છે એના કરતાં પણ વધારે વિશાળ તેનું હૃદય છે. ભારતમાં અનેક જાતિના લોકો આવીને વસ્યા છે. તે બધા લોકોનું ભારતીય સમાજમાં વિલીનીકરણ અથવા તો તેનો સુભગ સમન્વય થયો છે. મુઘલોના આગમન અગાઉ પણ હિંદુ-મુસ્લિમ સમન્વય શરૂ થઈ ગયો હતો. વિદેશી પ્રવાસી અલ્બિરૂની(973–1048)એ સંસ્કૃત ભાષામાં પુરાણો તથા ભગવદ્ગીતાનો અભ્યાસ કર્યો હતો. કાશ્મીરના શાસક ઝૈનુલ આબેદીને(1420–1470) હદપાર કરાયેલા બ્રાહ્મણ પરિવારોને પાછા બોલાવીને વસાવ્યા, હિંદુઓ પરનો જજિયાવેરો માફ કર્યો, હિંદુ વિદ્વાનોને આશ્રય આપ્યો તથા મહાભારત અને ‘રાજતરંગિણી’નું ફારસીમાં ભાષાંતર કરાવ્યું હતું. મુઘલ યુગ દરમિયાન આ પ્રક્રિયા પરાકાષ્ઠાએ પહોંચી હતી. અકબર સૂફી સંપ્રદાયના પ્રભાવ હેઠળ ઊછર્યો હતો. તેથી તે ધાર્મિક સહિષ્ણુતામાં માનતો અને સમન્વયના પ્રતીક સમાન હતો. તેણે રજપૂતો સાથે લગ્નસંબંધો બાંધ્યા. હિંદુઓ પાસેથી લેવાતા જજિયાવેરો અને યાત્રાવેરો માફ કર્યા. તેણે હિંદુઓને પણ ઉચ્ચ હોદ્દા પર નીમ્યા હતા. તેણે ફતેહપુર–સિક્રીમાં ઇબાદતખાતાની સ્થાપના કરીને તેમાં મુસ્લિમ ઉલેમાઓ ઉપરાંત હિંદુ ધર્મના પુરુષોત્તમ, જૈન ધર્મના હરિવિજયસૂરિ અને વિજયસેનસૂરિ, પારસી ધર્મના દસ્તૂર મહેરજી તથા ખ્રિસ્તી ધર્મના પાદરીઓને નિમંત્રી, તેમને આદરપૂર્વક સાંભળ્યા હતા. તેના ફલસ્વરૂપે તેણે દીને ઇલાહી ધર્મ સ્થાપ્યો હતો. શાહજહાંનો જ્યેષ્ઠ પુત્ર દારા શિકોહ ઉદાર, ધર્મસહિષ્ણુ તથા અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાઓનો વિદ્વાન હતો. તેણે ઉપનિષદો, ભગવદગીતા વગેરેનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. સંત નામદેવ, કબીર અને ગુરુ નાનકે હિંદુ-મુસ્લિમ સમન્વયમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. રામ અને રહીમ તથા ઈશ્વર અને અલ્લાહ એક જ છે એવો કબીરે ઉપદેશ આપ્યો હતો. હિંદુ-મુસ્લિમના નિકટવર્તી સંપર્કના પરિણામે એકબીજાના રીતરિવાજોની અસર લોકોના ખોરાક, પોશાક અને સામાજિક વ્યવહાર ઉપર ર્દષ્ટિગોચર થાય છે. રાજપૂત રાજાઓ, સરદારો, હિંદુ અધિકારીઓ તથા શ્રીમંત વેપારીઓના પહેરવેશ, ભોજનની વાનગીઓ, રીતભાત અને મોજશોખ ઉપર મુઘલ પ્રભાવ સારી પેઠે જણાય છે. વળી ઉત્સવો તથા મેળાઓમાં પણ ઉભય કોમના સભ્યો ઉમંગથી ભાગ લેતા. સૈયદ ભાઈઓમાંના અબ્દુલ્લાખાને વસંત તથા હોળીના તહેવારોમાં ભાગ લીધો હતો.

આ યુગમાં થયેલા કેટલાક વિદ્વાનોએ એકબીજાની ભાષામાં એકબીજાના સામાજિક પ્રસંગો વિશે લખીને સમન્વયનો પુરાવો આપ્યો છે. ઉદાહરણ તરીકે, મોહંમદ જાયસીએ હિંદીમાં રાણી પદ્મિની વિશે ‘પદ્માવત’ નામનું કાવ્ય લખ્યું હતું. જ્યારે રાય ભાણમલે ફારસી ભાષામાં મુસ્લિમો વિશેનો ગ્રંથ અને ઈશ્વરદાસે ‘ફુતૂહાતે આલમગીરી’ પુસ્તક લખ્યું હતું.

મુઘલ યુગમાં કલા-સ્થાપત્યમાં પણ બંને સંસ્કૃતિઓનો સુંદર સમન્વય થયો હતો. ઇમારતો બંધાવનાર શાસકો મુસ્લિમ હતા અને ઇમારતો બાંધનાર કારીગરો હિંદુ હોવાથી, તેમાં હિંદુ-મુસ્લિમ કારીગરીનો સમન્વય થયેલો જોવા મળે છે.

આ સમય દરમિયાન ચિત્રકલા અને સંગીતમાં પણ બંને સંસ્કૃતિઓનો સમન્વય થયો હતો. અકબરના સમયના ઘણાખરા ચિત્રકારો હિંદુ હતા. ઈરાની અને ભારતીય ચિત્રકલાના સમન્વયથી ‘રાજસ્થાની’ અને ‘કાંગડા’ શૈલીઓ બની હતી. અમીર ખુશરૂએ હિંદી સંગીતમાં નોંધપાત્ર પરિવર્તનો કરીને તેમાં નવાં તત્વો ઉમેર્યાં. તેણે સિતારના તંતુવાદ્યની શોધ કરી હતી.

રસેશ જમીનદાર

જયકુમાર ર. શુક્લ