મુખોપાધ્યાય, સુભાષ

February, 2002

મુખોપાધ્યાય, સુભાષ (જ. 23 ફેબ્રુઆરી 1919, કૃષ્ણનગર, નદિયા, પ. બંગાળ; અ. 8 જુલાઈ 2003) : નામાંકિત બંગાળી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જોતો દૂરેઈ જાઈ’ (1962) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સર્જનાત્મક સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરવા બદલ 1991ના વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.

1941માં તેમણે કલકત્તા યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી તે પહેલાં 1939માં તેઓ મજૂર પક્ષમાં જોડાયા અને બંદર-વિસ્તારના જેટી મજૂરોના અધિકારો માટેની લડતમાં અને વિદ્યાર્થી-ચળવળમાં સક્રિય બન્યા. 1941માં ભારતીય સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા. ફિલસૂફી સાથે એમ.એ.ના અભ્યાસ દરમિયાન વિખ્યાત બંગાળી કવિ વિષ્ણુ દે સાથે ‘ઍન્ટિફાસિસ્ટ રાઇટર્સ ઍન્ડ આર્ટિસ્ટ્સ ઍસોસિયેશન’ના સહમંત્રી બન્યા. પછી ‘સામ્યવાદી’ સાપ્તાહિકનું કાર્ય સંભાળ્યું. સામ્યવાદી પ્રવૃત્તિમાં સક્રિય રહેતાં બે વાર ધરપકડ વહોરી અને 2 વર્ષ 3 માસનો જેલવાસ ભોગવ્યો. જેલમુક્તિ બાદ ‘પરિચય’ માસિકના સંપાદક તથા 1956માં સિગ્નેટ પ્રેસના અંશકાલીન સંપાદક રહ્યા.

1958માં તાશ્કંદ ખાતે પ્રથમ આફ્રોએશિયન રાઇટર્સ કૉન્ફરન્સમાં પ્રતિનિધિ તરીકે અને 1968માં તેની બીજી કૉન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળના નેતા તરીકે ભાગ લીધો. સત્યજિત રે સાથે તેમણે ‘સંદેશ’નું સહસંપાદન કર્યું. 1962માં કેરો, 1967માં બેરૂત અને 1968માં જી. ડી. આર.ની તથા 1971માં વિયેટનામ અને 1972માં કાઝિખિસ્તાનની મુલાકાત લીધી.

તેમણે 1940માં ‘પદાતિક’ નામનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. અન્ય કાવ્યસંગ્રહોમાં ‘અગ્નિકોણ’ (1948), ‘ચિરકુટ’ (1950), ‘જોતો દૂરેઈ જાઈ’ (1962), ‘કાલ મધુમાસ’ (1965), ‘એઈ ભાઈ’ તથા ‘છેલે ગેછે બને’ (1973) વિશેષ જાણીતા છે. તેમના કુલ 20 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેમનાં કાવ્યોનો યુરોપીય, રશિયન તથા અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે.

તેમની ચાર નવલકથાઓમાં ‘ઇયાસિનેર કૉલકાતા’ (1978); ‘અંતરીપ હ્યાન્સેન અસુખ’ (1983) મુખ્ય છે. ‘ડાકબાંગ્લોર ડાકે’ (1958), ‘વિયેતનામે કિછુદિન’ (1974) અને ‘આબાર ડાકબાંગ્લોર ડાકે’ (1981) તેમની પ્રવાસકથાઓ છે. તેમણે બાળકો માટે 12 પુસ્તકો લખ્યાં છે. તેમનાં કાવ્યસંગ્રહો અને પુસ્તકોની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે.

તુર્કી કવિ નઝીમ હિકમતનાં કાવ્યોના અનુવાદ સહિત તેમણે સંખ્યાબંધ અનુવાદો દ્વારા બંગાળી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમને મળેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોમાં સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર (1977) અને આનંદ પુરસ્કાર મુખ્ય છે. ઍન્ફો-એશિયન લોટ્સ પ્રાઇઝ (1977) અને કુમારાન્ આશન્ ઍવૉર્ડ (1982) મળ્યાં છે. મધ્યપ્રદેશ સરકારે તેમને 1987–88માં કબીર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન દ્વારા ‘દેશિકોત્તમ’ પદવી એનાયત થઈ છે. 1910માં કૉલકાતાના મૅટ્રો રેલવે સ્ટેશનને ‘કવિ સુભાષ ચંદ્ર સ્ટેશન’ નામ આપવામાં આવ્યું છે. સિચાઈદાર-એનજેમી એક્સપ્રેસને કવિના કાવ્યસંગ્રહ પરથી પદાનિક ઍક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘જોતો દૂરેઈ જાઈ’ કવિનો યશસ્વી કાવ્યસંગ્રહ છે. તેમાં કવિએ કાવ્યાત્મક બાનીનો વિનિયોગ કરીને સૂક્ષ્મ સંવેદનાને વ્યંજનાત્મક રીતે રજૂ કરી છે.

બળદેવભાઈ કનીજિયા