મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન

February, 2002

મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન (જ. 1884; અ. 1966) : જાણીતા બંગાળી વાર્તાકાર તથા નવલકથાકાર. તેઓ ‘ભારતી’ સાથે સંકળાયેલા હતા. તેમણે લગભગ 100 કૃતિઓ પ્રગટ કરી હતી. પરંતુ તેઓ મુખ્યત્વે તેમની ‘દીનેર આલો’ અને ‘ઠાકુરજી’ જેવી કેટલીક ટૂંકી વાર્તાઓને લીધે લોકપ્રિય બન્યા હતા. તેમની મોટાભાગની વાર્તાઓનો વિષય પ્રેમ છે. તેમની ટૂંકી વાર્તાઓની શૈલીમાં પરંપરાગત ભાષાપ્રયોગોનું બળ જોવા મળે છે.

તેમના વાર્તાસંગ્રહો ‘શેફાલી’ (1909); ‘નિર્ઝર’ (1911); ‘પુષ્પક’ (1913) અને ‘પિયાસી’ ઉલ્લેખનીય છે.

તેમની મોટાભાગની નવલકથાઓ વિદેશી કૃતિઓના અનુવાદ અથવા રૂપાંતર રૂપ છે. ‘કજરી’, ‘આધી’ અને ‘બાબલા’ તેમની મૂળ શૈલીની કૃતિઓ છે. તેમણે વિદેશી કૃતિઓ પરથી કેટલાંક પ્રહસનો લખ્યાં છે. જેમ કે, મૉલિયેરના આધારે ‘યત્કિંચિત્’, પ્રભાતકુમાર મુખરજીના ‘બલવાન જામાતા’ પરથી ‘ગૃહેર ફેર’. તે ઉપરાંત તેમની ‘દશચક્ર’, ‘રુમેલા’, ‘હાટેર પંચ’ અને ‘પંચાસર’ કૃતિઓ પણ સ્મરણીય છે.

બળદેવભાઈ કનીજિયા