મુખલિંગમ્ : શિવની મુખાકૃતિ ધરાવતું શિવલિંગ. મૂર્તિપૂજા માટે શિવના સકલ દેહને નહિ, પણ એમના લિંગ(મેઢ્ર)ને મૂર્ત સ્વરૂપ આપવામાં આવે છે. શિવલિંગના બે ભાગ – બ્રહ્મભાગ અને વિષ્ણુભાગ – ભૂમિતલ નીચે દટાયેલા હોય છે, જ્યારે સહુથી ઉપલો ભાગ – રુદ્રભાગ ભૂમિતલની ઉપર ર્દષ્ટિગોચર હોય છે. રુદ્રભાગ નળાકાર હોય છે ને એનું જલ, પંચામૃત, પુષ્પ, પત્ર વડે પૂજન-અર્ચન કરાતું હોય છે. એની ઉપર કેટલીક વાર મેઢ્રની ટોચ દર્શાવતી ભેદરેખા કંડારવામાં આવે છે, જેને સામાન્યત: ઉપવીત તરીકે ઓળખવામાં આવે છે. એમાં અગ્રભાગ ઉપર બે સમાંતર ઊર્ધ્વરેખા નજરે પડે છે. ક્યારેક શિવલિંગના રુદ્રભાગના અગ્રભાગ ઉપર શિવનું મુખ કંડારવામાં આવે છે. કેટલીક વાર પાષાણના શિવલિંગની ઉપર ધાતુનું શિવમુખ પહેરાવવામાં આવે છે. શિવની મુખાકૃતિ ધરાવતા શિવલિંગને ‘મુખલિંગમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આવાં મુખલિંગ ગુજરાત સહિત ભારતના અનેક પ્રદેશોમાં જોવા મળે છે. કાયાવરોહણમાં રાજરાજેશ્વર મંદિરમાં મુખ્ય શિવલિંગમાં લકુલીશની પ્રતિમા કંડારી છે. ઉદેપુર નજીક એકલિંગજીની આ પ્રકારની પ્રતિમા સુપ્રસિદ્ધ છે. ક્યારેક શિવલિંગની ઉપર ચારે બાજુએ એકેક મુખ અને અગ્રભાગમાં એની ટોચે વચ્ચે એક મુખ – એ રીતે પાંચ મુખ મૂર્ત કરવામાં આવે છે. એને ‘પંચમુખી મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક ત્રણ કે ચાર મુખવાળાં મુખલિંગ પણ નજરે પડે છે. શિવલિંગની પૂજા એ લિંગ જનનેન્દ્રિય પૂજા છે કે કેમ એ વિવાદાસ્પદ છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી