મુખશોથ (Stomatitis) : મોઢું આવવું તે. સામાન્ય સ્વચ્છતા ધરાવતા મોઢાના પોલાણમાં વિવિધ પ્રકારના સહજીવી સૂક્ષ્મજીવો (commensals) વસવાટ કરતા હોય છે. જો મોઢાની સફાઈ પૂરતી ન રહે તો તેમની સંખ્યાવૃદ્ધિ થાય છે અને મોઢું આવી જાય છે. તે સમયે મોઢામાં પીડાકારક સોજો આવે છે તથા ક્યારેક ચાંદાં પડે છે. તેને મોઢાના શોથ(inflammation)નો વિકાર એટલે કે મુખશોથ કહે છે. ક્યારેક રોગપ્રતિકારક્ષમતા ઘટે ત્યારે પણ આવું બને છે. ઘણી વખત પોષણની ઊણપને કારણે પણ મોઢું આવી જાય છે. મુખશોથના વિવિધ પ્રકારો છે. તેમાં મુખ્ય પ્રકારો રૂપે સપીડ મુખશોથ (Vincent’s angina), શ્વેતફૂગજન્ય મુખશોથ (oral candidiasis) અથવા થૂલિયો (thrush), પોષણ-ઊણપજન્ય મુખશોથ, પુનરાવર્તી (recurrent) અથવા દીર્ઘકાલી ક્ષતલવણ (aphthous ulcer) તથા પ્રકીર્ણ પ્રકારોનો સમાવેશ થાય છે. ક્યારેક મુખગુહાના તળિયામાંનો ચેપ સોજા સાથેનો પીડાકારક વ્યાધિ કરે છે જે ફેલાઈને ગળા અને છાતીમાં પ્રસરે છે. તે ક્યારેક શ્વસનક્રિયામાં અવરોધ પેદા કરે છે. સામાન્ય રીતે તે અજારક (anaerobic) જીવાણુઓથી થાય છે. તેને સશોફ મુખશોથ (Ludwig’s angina) કહે છે. તે ક્યારેક જીવનને માટે જોખમરૂપ નીવડે છે.

કુપોષણ અને અપૂરતા મુખસ્વાસ્થ્યવાળા દર્દીઓમાં અવાળાં (gums) પર કોષનાશ(necrosis)વાળી અનિયમિત કિનારી ધરાવતાં ચાંદાં પડે છે તો તેને સપીડ મુખશોથ અથવા વ્રણકારી મુખશોથ (ulcerative stomatitis) કહે છે. આવાં ચાંદાં તાળવું, હોઠ અને ગલોફા પર પણ જોવા મળે છે. તેના પર ભૂખરી વ્રણપેશી (slough) ચોંટેલી હોય છે અને તેની ક્ધિાારી રક્તવર્ણી (erythematous) હોય છે. તેમાંના પ્રવાહીનું અભિરંજન કરવામાં આવે તો સ્પાયરૉકિટ્સ અને ફ્યુઝિફૉર્મ દંડાણુઓ (bacilli) નામના જીવાણુઓ જોવા મળે છે. આ સહજીવી જીવાણુઓ છે અને તેઓ રોગપ્રતિકારક્ષમતા ઘટે ત્યારે આ પ્રકારે વ્યાધિ કરે છે. આ રોગ ચેપી છે અને તેથી દર્દીનાં વાસણોને જીવાણુમુક્ત કરવાં જરૂરી બને છે. ઉગ્ર વિકારની સારવારમાં મેટ્રોનિડેઝોલ અને પેનિસિલિન વપરાય છે. વધુ ઉગ્ર કે આનુષંગિક તકલીફો થાય ત્યાં સુધી વિકસેલા વિકારમાં અવાળાનો કોષનાશ જોવા મળે છે. (જુઓ અવાળુશોથ, વિ.કો. ખંડ 1.)

ગલોફામાં થૂલિયો(thrush)ના દોષવિસ્તારો : (1) જીભ, (2) ગલોફું, (3) થૂલિયો, (4) નાક, (5) ઉપલો હોઠ, (6) નીચલો હોઠ, (7) તપાસનારની આંગળી

શ્વેત ફૂગ (candida albicans) મોઢામાંનો સહજીવી સૂક્ષ્મજીવ છે; પરંતુ ખાસ કરીને નાનાં બાળકોમાં અને વૃદ્ધાવસ્થામાં જ્યારે રોગપ્રતિકારકતા ઘટી હોય ત્યારે તથા એચ.આઈ.વી.ના ચેપમાં, એઇડ્ઝના તબક્કામાં, મધુપ્રમેહના દર્દીમાં – વગેરે વિવિધ સંજોગોમાં તે ચેપ કરે છે. તેને થૂલિયો કહે છે. તે સમયે જીભ, ગલોફા અને કાકડાની આગળના અગ્રસ્તંભ પર સફેદ ચકતી જેવા વિસ્તારો થાય છે. તેની આસપાસ થોડો શોથનો વિકાર હોય છે. (જુઓ થૂલિયો, વિ.કો., ખંડ 9.) વધુ તીવ્ર વિકાર ગળા અને અન્નનળીમાં પ્રસરે છે. ક્યારેક તે ફેફસામાં પણ ચેપ કરે છે. તે સમયે જે તે પ્રકારનાં લક્ષણો અને ચિહ્નો થઈ આવે છે. જેન્શિયન વાયોલેટની દવા વડે કોગળા, નિસ્ટેટિનની ગોળીનું ચૂસણ તથા જરૂર પડ્યે તે કિસ્સામાં મુખમાર્ગે ફ્લુકેનેઝોલ કે ઇટ્રાકોનેઝોલ વડે કરાતી ઔષધચિકિત્સા એ વિકારને શમાવે છે.

કુપોષણજન્ય મુખશોથ માટે મુખ્યત્વે વિટામિન–બીના જૂથનાં પ્રજીવકોની ઊણપ કારણરૂપ હોય છે. આ પ્રજીવકોની આહારમાં ઊણપ હોય કે તેમના પાચન અથવા અવશોષણમાં કોઈ વિકાર ઉદભવે તો તેમની ન્યૂનતા ઉદભવે છે. મુખ્યત્વે નિયાસિન, રાઇબોફ્લેવિન, ફૉલિક ઍસિડ અને વિટામિન B12ની ઊણપ ઉદભવે તો તે થાય છે. તે સમયે જીભ પર રુક્ષ (raw) અને પીડાકારક વિસ્તારો થાય છે. ક્યારેક આખી જીભ સૂજી જાય છે. જો વિકાર ઓછો તીવ્ર હોય તો જીભ ભીની અને સપાટ થયેલી જોવા મળે છે. જીભ પરના સ્વાદાંકુરોની ક્ષીણતા થવાને કારણે તે સપાટ થયેલી હોય છે. જો દર્દીને લોહની ઊણપ હોય તો સાથે સાથે હોઠના ખૂણા આગળ પણ ચાંદું પડે છે. તેને કોણીય મુખશોથ (angular stomatitis) કહે છે. જો વિટામિન–સીની ઊણપ હોય તો અવાળાં સૂજી જાય છે, પોચાં થઈ જાય છે અને તેમાંથી ક્યારેક લોહી ઝમે છે.

મોંમાં થતા નાના, સપાટીગત અને પીડાકારક ચાંદાને ક્ષતલ (aphtha) કહે છે. આવાં ચાંદાંવાળા મુખશોથના વિકારને ક્ષતલ વ્રણન (aphthous ulceration) કહે છે. તે લાલ સોજાવાળા વિસ્તાર રૂપે શરૂ થઈને એક-બે દિવસમાં ચાંદાંમાં ફેરવાય છે. સામાન્ય રીતે દર્દી તંદુરસ્ત હોય છે. ચાંદાં પડવાનું કારણ સુસ્પષ્ટ હોતું નથી. માનસિક તણાવને કારણે તે ઘણી વખતે થઈ આવે છે; દા.ત., સ્ત્રીઓમાં ઋતુસ્રાવ પૂર્વે થતો માનસિક તણાવ. આવી સ્ત્રીઓમાં તે દરેક ઋતુસ્રાવ પહેલાં ચક્રીય રૂપે થયા કરે છે. ક્રોહનનો રોગ, વ્રણકારી સ્થિરાંત્રતા (ulcerative colitis) તથા ઉદરગુહાકીય રોગ (coeliac disease) વગેરે વિવિધ રોગોમાં પણ ઘણી વખત તીવ્ર, લાંબો સમય ચાલતાં (દીર્ઘકાલી) ક્ષતલીય (aphthous) ચાંદાં પડે છે. શરૂઆતના કિસ્સામાં હાઇડ્રૉકૉર્ટિસોન હેમિસ્કસિનેટની ચૂસણગુટિકાઓ (lozenges) અસરકારક રહે છે. દુખાવો ઘટાડવા કોલિન સેલિસિલેટ કે અન્ય સ્થાનિક નિશ્ર્ચેતક ઔષધ (topic anaesthetic agent) વપરાય છે. પાછળથી કોઈ ચેપ ન લાગે માટે ઍૅન્ટિબાયૉટિક કે સૂક્ષ્મજીવનાશક વડે કોગળા કરવાનું સૂચવાય છે.

દંતમંજન, દંતચોકઠાં, અન્ન, ઔષધો વગેરે તરફની ઍલર્જી (વિષમોર્જા) કે ક્ષોભન (irritation) ક્યારેક મોંમાં ચાંદાં પાડે છે અથવા પીડાકારક સોજા(શોથ, inflammation)નો વિકાર સર્જે છે. સીસાની ઝેરી અસર હોય તો અવાળા પર ભૂરી-કાળી રેખાઓ જોવા મળે છે. તેમાં કોઈ શોથનો વિકાર થયેલો હોતો નથી. ક્યારેક લાયકન પ્લેનસ, પેમ્ફિગસ અને એરિથેમા મલ્ટિફૉર્મે જેવા ચામડીના રોગોમાં મોઢામાં શોથવિકાર થાય છે. કેટલાક કિસ્સામાં તે ચામડી પર પોતાનાં લક્ષણો સર્જે તે પહેલાં મોઢામાં શોથવિકારો થઈ આવે છે.

શિલીન નં. શુક્લ

દીપા ભટ્ટ